મોબાઇલ ચોરાઇ જાય તો હવે નહી ખાવા પડે પોલીસ સ્ટેશનના ધક્કા, એક કૉલથી થઇ જશે કામ

મોબાઇલ ચોરાઇ જવો આજકાલ સામાન્ય બાબત થઇ ગઇ છે અને તેવામાં ઘણાં લોકોએ આ પરેશાનીનો સામનો કરવો પડે છે. મોબાઇલ ચોરી થવાની પરિસ્થીતીમાં પહેલાં યુઝર્સે પોલીસમાં આ અંગે જાણ કરીને ફરિયાદ કરવી પડતી હતી. ઘણાં યુઝર્સ એવાં પણ હોય છે જેમને પોલીસ સ્ટેશન જવું પસંદ નથી તેથી તેઓ આ અંગેની ફરિયાદ દાખલ કરાવતાં નથી. જો કે મોબાઇલ ચોરીનો રિપોર્ટ ન નોંધાવાથી મુશ્કેલી ઉભી થઇ શકે છે.

ચોરી થયેલા મોબાઇલનો દુરુપયોગ થવાની શક્યતા વધુ રહે છે. તેવામાં જો ચોરી થયેલો મોબાઇલ કોઇ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવે તો પોલીસની સૌથી પહેલી શંકા તે મોબાઇલના માલિક પર જાય છે. તેથી ચોરી થયેલા ફોનનો રિપોર્ટ હંમેશા નોંધાવવો જોઇએ.

તાજેતરમાં જ ભારત સરકારે એક હેલ્પલાઇન નંબરની શરૂઆત કરી છે. જેની મદદથી તમે ચોરી થયેલા મોબાઇલની ફરિયાદ સરળતાથી કરી શકો છે. ટેલિકોમ્યુનિકેશન ટેક્નોલોજી સેન્ટરે (સી-ડૉટ) યુઝર્સના ચોરી થયેલા ફોનની જાણકારી મેળવવા માટે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટીટી રજીસ્ટર (સીઇઆઇઆર) તૈયાર કર્યુ છે જેની મદદથી ચોરી થયેલો ફોન બંધ કરી શકાય છે. સીઇઆઇઆરમાં દેશના દરેક નાદરિકનો મોબાઇલ મૉડેલ, સિમ નંબર અને આઇએમઇઆઇ નંબર છે.

યુઝર્સ હવે મોબાઇલ ચોરી થવાની સ્થીતીમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આલેવા હેલ્પલાઇન નંબર 14422 પર આ અંગેની જાણકારી આપી શકે છે. હેલ્પલાઇનની ખાસ વાત એ છે કે તમારે ફરિયાદ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. તમે કોઇ મોબાઇલ કે લેન્ડલાઇનથી આ હેલ્પલાઇન પર કૉલ કરીને ચોરી થયેલા ફોન અંગેની જાણ કરી શકો છો. કૉલ કરવો શક્ય ન હોય તો આ હેલ્પલાઇન નંબર પર મેસેજ મોકલીને પણ મોબાઇલ ચોરી થવાની જાણકારી આપી શકો છો.

સી-ડૉટે જણાવ્યા અનુસાર ફરિયાદ મળ્યાં બાદ મોબાઇલમાં કોઇપણ સિમ લગાવવામાં આવશે તો પણ તેમાં નેટવર્ક નહી આવે. પરંતુ તેનું ટ્રેકિંગ થતું રહેશે. ગત કેટલાંક વર્ષોમાં દરરોજ હજારો મોબાઇલની ચોરી અને લૂંટની ઘટનાને જોતાં સી-ડૉટને ટેલિકોમ મંત્રાલયે આ તંત્ર વિકસીત કરવા કહ્યું હતુ. મંત્રાલયના એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે દેશમાં એક જ આઇએમઇઆઇ નંબર પર 18 હજાર હેન્ડસેટ ચાલી રહ્યાં છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter