GSTV

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

Last Updated on July 26, 2021 by pratik shah

વડોદરા શહેરની ગોત્રી મેડિકલ કોલેજમાં પહેલી વખત બનેલી રેગિંગની ઘટનાના પગલે ચકચાર મચી ગઈ છે.શનિવારે વહેલી સવારે એમબીબીએસના બીજા વર્ષમાં ભણતા અને હોસ્ટેલમાં રહેતા ૬૦ જેટલા વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં જ ફરજ બજાવતા બે જુનિયર રેસિડેન્ટ ડોક્ટર અને એક પૂર્વ વિદ્યાર્થીના ઈશારે ટીવાયના કેટલાક વિદ્યાર્થીઓએ ઉઠબેસ કરાવી હતી. મેડિકલ કોલેજના સૂત્રોના કહેવા પ્રમાણે એસવાયમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓને એકાદ અઠવાડિયા પહેલા કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા બે જુનિયર ડોકટરોએ દૂધ લાવી આપવા માટે કહ્યુ હતુ અને વિદ્યાર્થીઓએ તેનો ઈનકાર કરી દીધો હતો.

બે જુનિયર ડોકટર અને એક પૂર્વ વિદ્યાર્થીએ શનિવારે સવારે ચાર વાગ્યે ટીવાયના કેટલાક વિદ્યાર્થીઓને ઉંઘમાંથી ઉઠાડયા હતા

તેમને પાઠ ભણાવવા માટે આ બે જુનિયર ડોકટર અને એક પૂર્વ વિદ્યાર્થીએ શનિવારે સવારે ચાર વાગ્યે ટીવાયના કેટલાક વિદ્યાર્થીઓને ઉંઘમાંથી ઉઠાડયા હતા અને નીચે બોલાવ્યા હતા.એ પછી તેમને આદેશ આપ્યો હતો કે, એસવાયના વિદ્યાર્થીઓને નીચે બોલાવી લાવો.એસવાયના ૬૦ જેટલા વિદ્યાર્થીઓને નીચે લાવવામાં આવ્યા બાદ આ ત્રણ વ્યક્તિઓના ઈશારે ટીવાયના વિદ્યાર્થીઓએ એસવાયના વિદ્યાર્થીઓને ૧૦૦ ઉઠ બેસ કરવા માટે આદેશ આપ્યો હતો. ગભરાઈ ગયેલા વિદ્યાર્થીઓએ ઉઠબેસ કરી હતી અને આ પૈકી ૩ વિદ્યાર્થીઓની તબિયત પણ લથડી હતી.જેમાંથી એક વિદ્યાર્થીને સારવાર આપવાની ફરજ પડી હતી.આ ઘટનાના પગલે હોબાળો થતા ગોત્રી મેડિકલ કોલેજના ડીન, સુપ્રિટેન્ડેન્ટ સહિતના સિનિયર ડોકટરો પણ ચોંકી ઉઠયા હતા.તેમણે તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટી બનાવીને મામલાની તપાસ શરુ કરી હતી.એ પછી એસવાયના વિદ્યાર્થીઓને બોલાવીને પૂછપરછ કરી હતી.એ પછી રેગિંગ કરનારા જુનિયર ડોકટરોને બોલાવીને તેમનો ખુલાસો પૂછવામાં આવ્યો હતો.મેડિકલ કોલેજના ડીન ડો.ગોડબોલેનુ કહેવુ છે કે, સર્જરી અને ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતા આ બે જુનિયર ડોકટરો ભાર્ગવ બગદાણિયા અને નૈતિક પટેલને તાત્કાલિક અસરથી છુટા કરી દેવામાં આવ્યા છે અને એન્ટિ રેગિંગ કમિટીની તપાસ આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે.

ગોત્રી મેડિકલ કોલેજના સત્તાધીશોનુ કહેવુ છે કે, આવતીકાલે, સોમવારે પણ એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે.જેમાં પોલીસ અધિકારી, કોલેજની સિક્યુરિટીના હેડ તથા વાલીઓને પણ બોલાવવામાં આવ્યા છે.આ મામલામાં ટીવાયના ૬ જેટલા વિદ્યાર્થીઓની સંડોવણી પણ સામે આવી હતી.જેમણે જુનિયર ડોક્ટરોના આદેશનુ ખચકાટ વગર પાલન કર્યુ હતુ.તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવી તે એન્ટી રેગિંગ કમિટી નક્કી કરશે.બીજી તરફ બે જુનિયર ડોકટરોની સાથે જે ત્રીજી વ્યક્તિ હતી તેની પણ માહિતી મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.આ માટે સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે અને તેની ચકાસણી કરવામાં આવશે.આ ઉપરાંત પોલીસ ફરિયાદ કરવા માટે પણ વિચારણા થઈ રહી છે.

વિદ્યાર્થીઓ ઘટનાની જાણકારી આપતા પણ ગભરાતા હતા


ગોત્રી મેડિકલ કોલેજના ડીન ડો.ગોડબોલેનુ કહેવુ હતુ કે, એસવાયના વિદ્યાર્થીઓ એટલા ગભરાઈ ગયા હતા કે પહેલા તો તેમણે કશું કહેવાનો જ ઈનકાર કરી દીધો હતો.એ પછી કમિટીએ તેમને સલામતી અને સુરક્ષાની ખાતરી આપી એ પછી તેમણે આખી ઘટના અંગે કમિટીને જાણકારી આપી હતી.રેગિંગનો આદેશ આપનારા બે જુનિયર ડોકટરોને કમિટીએ બોલાવ્યા ત્યારે તેમણે કમિટી સમક્ષ કબૂલ્યુ હતુ કે, એસવાયના કેટલાક વિદ્યાર્થીઓને દૂધ લાવવા માટે કહ્યુ હતુ પણ તેમણે આ આદેશ માન્યો નહોતો.તેમણે સિનિયરોનુ અપમાન કર્યુ હોવાથી પાઠ ભણાવવા માટે ઉઠ બેસ કરાવી હતી.આ સાંભળીને કમિટીના સભ્યો પણ ચોંકી ઉઠયા હતા.

એક વિદ્યાર્થીને ઉપરા-છાપરી ઉલટીઓ થઈ


એસવાયના જે વિદ્યાર્થીઓને ઉઠબેસ કરાવવામાં આવી હતી તે પૈકીના એક વિદ્યાર્થીને તો ઉલટીઓ થવા માંડી હતી.જેના પગલે તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવા માટે દોડધામ થઈ ગઈ હતી.જેના કારણેે રેગિંગનો સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો.હજી પણ આ વિદ્યાર્થી હોસ્પિટલમાં છે અને બહારગામથી તેના માતા પિતા પણ દોડી આવ્યા છે.

હોસ્ટેલમાં પૂર્વ વિદ્યાર્થીઓનો અડિંગો?


સૂત્રોનુ કહેવુ છે કે, ગોત્રી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં કેટલાક પૂર્વ વિદ્યાર્થીઓ અડ્ડો જમાવીને રહેતા હોવાની પણ સત્તાધીશોને શંકા છે અને તેમાં પણ રેગિંગની ઘટનામાં પૂર્વ વિદ્યાર્થીની સંડોવણીથી આ શંકા મજબૂત બની છે.જોકે હોસ્ટેલમાં થતા અવાર નવાર ચેકિંગમાં કોઈ પકડાયુ નથી પણ રેગિંગ બાદ ચેકિંગ વધારે ઘનિષ્ઠ બનાવાશે.

READ ALSO

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!