ખેડૂતો માટે ખુશખબર : મોદી સરકાર વરસશે, 1,400 કરોડ રૂપિયાની નવી પોલિસી તૈયાર

દેશભરમાં ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલું રાષ્ટ્રવ્યાપી આંદોલનને કારણે ખેડૂતોની સખ્ત નારાજગી બહાર આવતા કેન્દ્ર સરકાર ગંભીર નોંધ લીધી છે. ખેડૂતોની આવકો બમણી કરવાના ટાર્ગેટ સાથે નવી કૃષિ પોલિસી જાહેર કરવા સરકારે કવાયત તેજ બનાવી લીલી ઝંડી આપી છે.  જેમાં કૃષિ ઉત્પાદનોના વાવેતરથી લઈને વેચાણ તથા એક્સપોર્ટ સુધી તમામ લેવલે ખેડૂતોની આવક ઉપર સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. લગભગ ૧૪૦૦ કરોડના બજેટ ધરાવતી નવી કૃષિ પોલિસીમાં દરેક સ્તરે જૂના માળખાને બદલીને નવા ફેરફારો કરવામાં આવ્યા છે.

APMC મોડેલ એક્ટની નવી નવી આવૃત્તિઓ સરકારે બહાર પાડી

ગુજરાત સહિત દેશભરમાં ખેડૂતોના કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ અર્ધ સરકારી રાહે પોતપોતાના નિયમોથી ચાલી રહી છે. કૃષિ બજાર સમિતિઓના માળખા વર્ષો જૂના છે. APMC મોડેલ એક્ટની નવી નવી આવૃત્તિઓ સરકારે બહાર પાડી છે પરંતુ માળખાકીય વ્યવસ્થા તથા પદ્ધતિઓ હજુ આજે યથાવત્ રહી છે. ખેડૂતોએ ઉત્પન્ન કરેલ માલની કિંમતો આજે પણ અન્ય વેપારીઓ કરી રહ્યા છે. જે ખેડૂતોને ઘણીવાર પરાણે સ્વીકારવી પડતી હોય છે. જો કે કેટલાક વર્ષોથી કૃષિ માલોના ખરીદ- વેચાણમાં વાયદા બજારો સક્રિય થતાં આજે બોલબાલા વધી ગઈ છે. કૃષિ વેપારના હાજર બજારો હાલમાં મોટે ભાગે વાયદા ઉપર આધારિત થઈ ગયા છે. વાયદા બજાર ખૂલ્યા બાદ હાજર બજારમાં ધમધમાટ શરૂ થાય છે.

માર્કેટ ફીથી લઈને વેપાર માટેના લાયસન્સ સુધી એક માળખું બનશે

અગાઉ હાજર બજારોમાં કૃષિ માલોના ભાવો તેની માંગ અને પુરવઠા ઉપર ઉપલબ્ધ રહેતા હતા ત્યારબાદ હવે વાયદા બજારોમાં ખાસ કરીને કૃષિ ચીજોમાં સટોડિયા તત્ત્વોનું પ્રભુત્વ વધતા માંગ અને પુરવઠાના કોઈ પણ પરિબળ વગર પણ તેજી- મંદીના ચઢાવ- ઉતાર થતાં કૃષિ માલોની કિંમતો અનઅપેક્ષિત અનિર્ણાયકતા રહેતી હોય છે. જેમાં વેપારીઓ તથા ખેડૂતોને સ્થિતિ અવઢવમાં હોય છે. નવી કૃષિ પોલિસીમાં સરકાર હાજર કૃષિ બજારોના APMC એક્ટમાં ઘરખમ ફેરફારો કરવા જઈ રહી છે. દેશભરમાં APMC ના કાયદા કાનુનનું યુનિક માળખું તૈયાર થઈ રહ્યું છે. માર્કેટ ફીથી લઈને વેપાર માટેના લાયસન્સ સુધી એક માળખું સંપૂર્ણ ઓનલાઇન પારદર્શક કરવા સરકાર આગળ વધી રહી છે. 

દેશભરમાં અેક જ લાયસન્સ પર થશે વેપાર

એક જ લાયસન્સ ઉપર સમગ્ર ભારતની તમામ કૃષિ બજારોમાં વેપાર થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવા સરકારે ભાર મૂક્યો છે. કૃષિ વ્યાપારની જૂની વ્યવસ્થાઓને કારણે વર્ષ ૨૦૧૨- ૧૩થી ૨૦૧૬- ૧૭ સુધીમાં કારોબારમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં કૃષિ માળખા એક કરવા સરકારે ઇ-નામ સિસ્ટમ પણ મૂકવા છતાં યોગ્ય અનિશ્ચિતતા અને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે અપેક્ષિત પરિણામો મળ્યા નથી ખેડૂતોની સ્થિતિ ઠેરની ઠેર રહી છે.

લોકલ- વિદેશમાં કારોબાર પર બમણો કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો

દેશમાં ખેડૂતોની આવકોના વર્ષ ૨૦૨૨ સુધીમાં ડબલ કરવાના ટાર્ગેટ સાથે નવી તૈયાર કરાયેલી કૃષિ પોલિસી એક્ટમાં માળખાકીય સુધારા, એક સમાન માર્કેટ ફી, લાયસન્સ પ્રક્રિયાથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા તેમજ પેન્શન સુધીના મુદ્દાઓ ઉપર સરકારે ધ્યાન કેન્દ્રિત કરી આગળ વધી રહી છે.  ૧૪૦૦ કરોડના નાણાંકીય બોજ સાથે તૈયાર કરાયેલી નવી કૃષિ પોલિસીમાં કૃષિ ઉત્પાદન તેમજ લોકલ- વિદેશમાં કારોબાર પર બમણો કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. કૃષિ માલોના નિકાસમાં તમામ પ્રકારના નિયંત્રણો તથા પ્રતિબંધો દૂર કરી મહત્તમ નિકાસ તથા વિદેશી વેપાર થાય તેવું લક્ષ્ય સાથે નવી પોલિસી અમલી બની રહી છે. જેના માટે બંદરો તથા એરપોર્ટ ઉપર કૃષિ માલોના નિયમનને અગ્રીમતા આપીને સમૃદ્ધ બનાવવા ઉપર ભાર મૂકવામાં આવે છે.

કૃષિ નિકાસ ત્રણ હજાર કરોડથી વધારીને છ હજાર કરોડ ડોલરનો લક્ષ્યાંક

નવી પોલિસીમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં કૃષિ નિકાસ ત્રણ હજાર કરોડથી વધારીને છ હજાર કરોડ ડોલર સુધીના લેવલે લઈ જવાનો લક્ષ્ય રાખ્યો છે. જેના અલગથી સ્ટાર્ટઅપ ફંડની જોગવાઈ કરવાની પણ યોજના છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮- ૧૯માં કૃષિ નિકાસનો ગ્રોથ ૧૬થી ૨૦ ટકાનો ટાર્ગેટ છે. દરમ્યાન હાલમાં ચાલી રહેલા વાવેતર તથા લગ્નસરા તેમજ ચૂંટણીઓના માહોલમાં કૃષિ બજારોના કારોબારમાં સુસ્તી વર્તાઈ રહી છે. કૃષિ માલોના હાજર બજારોમાં આવકોમાં નોંધપાત્ર ઘટાડો રહ્યો છે. ગુજરાત સહિત કેટલાક કૃષિ પ્રધાન રાજ્યોમાં આ વર્ષે દુકાળની સ્થિતિ હોવાથી વાવેતરમાં ૩૦થી ૩૫ ટકાનો ઘટાડો થઈ રહ્યો છે. 

મસાલા પાકોમાં આગામી સીઝનમાં બજારો તેજી રહેશે તેવી ધારણાઓ

જેની અસર કૃષિ ઉત્પાદનો પર થનાર છે. જેના પરિણામે અત્યારથી સ્ટોકિસ્ટો તથા કાળા બજારિયાઓ સક્રિય થઈ રહ્યા છે. દાળો, તેલીબિયા તથા મસાલા પાકોમાં આગામી સીઝનમાં બજારો તેજ રહેશે તેવી ધારણાઓ વચ્ચે અત્યારથી બજારોમાં ગરમી પકડાઈ રહી છે. ખાસ કરીને જીરૂ, ચણા, ધાણા, તથા એરંડાની કિંમતોમાં ઝડપથી ફેરફાર થઈ શકે તેમ છે. કાચા તેલમાં પણ બજાર ૬૦ ડોલર પ્રતિ બેરલના લેવલથી નીચે જતા મંદીનો ભાર વધુ છે. ૫૪ ડોલર સુધી નીચે ગયા બાદ ફરીથી તેજીના ઝબકારથી ૬૩ ડોલર થતા ૨.૫ ટકાનો ઉછાળો ગયા અઠવાડિયે રહ્યો છે. ઓઇલ ઉત્પાદક ઓપેક દેશોએ ઉત્પાદનમાં ઘટાડાનો ઇન્કાર કરી દેતા વૈશ્વિક ભાવોમા મંદીની શક્યતાઓ વધુ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter