દેશમાં સૌથી મોટો કોઈ રોકડિયો પાક હોય તો તે કપાસ છે. અા વર્ષે કપાસનો પાક ખેડૂતો માટે સફેદ સોનું પૂરવાર થાય તેવા પૂરી સંભાવના છે. દેશમાં ડિસેમ્પાબર સુધી ભાવ નહીં ઘટે. કપાસનું વાવેતર જોઈઅે તો ચાલુ વર્ષે નવથી દસ લાખ હેકટરમાં ઘટાડો થયો છે. જેને પગલે રૂનું સરેરાશ ઉત્પાદન ૩.૩૦ થી ૩.૩૫ કરોડ ગાંસડી આસપાસ રહેશે. આંધ્ર અને કર્ણાટકમાં વરસાદના અભાવે ગત્ત વર્ષની સરખામણીમાં વાવેતરની પ્રગતિ ઘણી જ ધીમી છે અને અત્યાર સુધી વાવેતર થયું છે તેની સ્થિતિ પણ નાજુક છે. મહારાષ્ટ્ર અને તેલંગાનામાં ગત્ત વર્ષની જેમ ગુલાબી ઇયળનો ઉપદ્રવ ફરી જોવા મળતાં કપાસના ઉતારામાં મુશ્કેલી ઊભી થવાની શકયતા દેખાવા લાગી છે.
દેશમાં ૩.૩૦ થી ૩.૩૫ કરોડ ગાંસડી રૂનું ઉત્પાદન
કોટન એડવાઇઝરી બોર્ડના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ગત્ત વર્ષે દેશમાં ૧૨૪.૫૦ લાખ હેકટરમાં કપાસનું વાવેતર થયું હતું જે ચાલુ વર્ષે ઘટીને ૧૧૫ લાખ હેકટર આસપાસ થવાનું ચિત્ર દેખાઇ રહ્યું છે. આમ, ગત્ત વર્ષની સરખામણીમાં નવ થી દસ લાખ હેકટર વાવેતર ઘટશે, પ્રતિ એક લાખ હેકટર ૩ લાખ ગાંસડીના ઉત્પાદનની ગણતરીએ ૩૦ લાખ ગાંસડી ઉત્પાદન ઘટવાનું ગણિત મુકીએ તો ઓકટોબરથી શરૂ થતી નવી સીઝનમાં દેશમાં ૩.૩૦ થી ૩.૩૫ કરોડ ગાંસડી રૂનું ઉત્પાદન થશે.
બનાસકાંઠા, સાબરકાંઠામાં વિજાપુર, વિસનગર, પાટણ, હારીજ વિગેરે વિસ્તારમાં ચોમાસાની પ્રગતિ ઘણી જ કંગાળ છે, આ ઉપરાંત સુરેન્દ્રનગર, હળવદ, લીંબડી અને સમગ્ર કચ્છના મોટાભાગના ગામડામાં વાવેતર લાયક વરસાદ જ પડ્યો નથી આથી ગુજરાતમાં પણ વાવેતરની પ્રગતિ નિરાશાજનક છે આ સંજોગોમાં ગુજરાતમાં કપાસનું વાવેતર વધે તેવી કોઇ શક્યતા દેખાતી નથી. આગામી દિવસોમાં જો ચોમાસાની પ્રગતિ આવી જ રહી તો ગુજરાતમાં કપાસનું વાવેતર ગત્ત વર્ષથી ઘટી પણ શકે છે. ગુજરાતમાં સરકારે 88 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે. વેપારીઅોઅે અા અાંક 90 લાખ ગાંસડીનો મૂક્યો છે. મહારાષ્ટ્રમાં પણ 82 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન રહેશે.
રૂમાં ઓકટોબર-નવેમ્બરમાં તેજી થવાના સંકેત
કપાસના વાવેતરની પ્રગતિ જોતાં નવા રૂની આવક દેશના તમામ રાજ્યોમાં બે થી ત્રણ સપ્તાહ મોડી થશે. સારી કવોલીટીના રૂની આવક નવેમ્બરના મધ્યમાં જ થશે. આ સંજોગોમાં નવેમ્બરમાં મિલો અને એક્સપોર્ટરોની ડીમાન્ડ એક સાથે નીકળશે જેને કારણે નવેમ્બરમાં રૂના ભાવમાં ઉછાળાની શક્યતા છે. વળી એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેંજ)ના રૂ વાયદામાં અત્યાર સુધીના ઇતિહાસમાં જુલાઇ કરતાં ઓકટોબર વાયદો પ્રતિ ખાંડી ૩૦૦૦ થી ૪૦૦૦ રૂપિયા ડિસ્કાઉન્ટ બોલાતો હોય છે તેની બદલે હાલ જુલાઇ કરતાં ઓકટોબર વાયદામાં પ્રતિ ખાંડી ૩૫૦૦ રૂપિયા પ્રિમિયમ બોલાઇ રહ્યું છે જે રૂમાં ઓકટોબર-નવેમ્બરમાં તેજી થવાનો સંકેત આપે છે.
30 લાખ ગાંસડી ડિસેમ્બર સુધી નિકાસ થશે
ઓકટોબરથી ડિસેમ્બર દરમિયાનના ત્રણ મહિના ચીનને સમગ્ર વિશ્વમાં ભારત અને પાકિસ્તાન સિવાય અન્ય દેશોમાંથી રૂ મળવાનું નથી આ સંજોગોમાં ભારતમાંથી ઓકટોબર થી ડિસેમ્બરના ત્રણ મહિના દરમિયાન ૩૦ લાખ ગાંસડી રૂની ચીન ખાતે એક્સપોર્ટ થશે. અત્યાર સુધીમાં ઓલરેડ્ડી પ્રતિ પાઉન્ડ ૮૫ થી ૯૨ સેન્ટના ભાવે ભારતના એકસપોર્ટરોએ ચીન સાથે પાંચ થી સાત લાખ ગાંસડી રૂના એડવાન્સ સોદા કરી લીધા છે.