GSTV
Home » News » ગુજરાતના લાખો ખેડૂતો માટે સોનેરી સલાહ, 38 લાખ હેક્ટરમાં પાકને બચાવશે

ગુજરાતના લાખો ખેડૂતો માટે સોનેરી સલાહ, 38 લાખ હેક્ટરમાં પાકને બચાવશે

ખેડૂતો માટે હાલની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે છે. હવામાન વર્ષભર વિલન બનતાં વરસી રહેલો વરસાદ હવે રવી સિઝનમાં મોંઢામાં આવેલો કોળિયો ઝૂટંવી લે તે નવાઈ નહીં. ખરીફ સિઝનમાં ખેડૂતો વળતર માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાક્યા છે ત્યાં પોષ મહિનામાં વરસી રહેલો કમોસમી વરસાદ ખરીફ બાદ હવે રવી સિઝનને નુક્સાન પહોંચાડી રહ્યો છે. રવી ઋતુમાં રાજ્યમાં વાવેતરનો આંક 37.97 લાખ હેક્ટરના આંકને વટાવી ગયો છે. પાક હાલમાં પિકસમય પર છે. વરસી રહેલા વરસાદે પગલે ખેતીમાં રોગજીવાતનો હુમલો થવાની પૂરી સંભાવના છે. ખેડૂતો જો આ હુમલાને રોકી ન શક્યા તો મહામૂલો પાક નજર સામે જ રોગજીવાતનો ભોગ બને તે પહેલાં ખેડૂતોએ સરકારી અધિકારીઓ દ્વારા અપાતી આ સલાહોનો ખાસ અમલ કરવાની જરૂર છે. રાઇ જેવા પાક ફુલ અવસ્થાએ છે. ત્યારે તાજેતરમાં રવિ સિઝનમાં વાદળછાયા હવામાનને કારણે રાઇના પાકમાં મોલોમશી, જીરૂના પાકમાં ભૂકી છારા અને ચરમી/કાળીયો રોગના ઉપદ્રવની શક્યતાને ધ્યાનમાં લઇ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા રોગ નિયંત્રણ માટે જરૂરી દવાઓના છંટકાવ અને રાખવાની થતી કાળજીની વારંવાર કરાતી ભલામણો નીચે મુજબ છે.

રાઇ પાકમાં મોલોમશીના ઉપદ્રવના નિયંત્રણ માટે જંતુનાશક દવા ફોસ્ફામીડોન ૦.૦૪ ટકા મુજબ ૪ મિ.લી.દવા અથવા રોગર ૦.૦૩ ટકા મુજબ ૧૦ મિ.લી. દવા અથવા મોનોક્રોટોફોસ ૦.૦૫ ટકા મુજબ ૧૨.૫ મિ.લી. દવા પૈકી કોઇ એક શોષક પ્રકારની જંતુનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો અથવા મીથાઇલ પેરાથીઓન(ફોલીડોલ) ૨ ટકા પાવડર અથવા ઇકાલક્ષ ૧.૫ ટકા પાવડર હેકટરે ૨૦ થી ૨૫ કિલોગ્રામ મુજબ છંટકાવ કરવો.

જીરૂ પાકમાં ચરમી / કાળીયો રોગ આવવાની શક્યતા હોઇ, રોગ આવવાની રાહ જોયા વગર વાવણી બાદ ૩૦-૩૫ દિવસે મેન્કોઝેબ ૩૫ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ૨૫ મિ.લી. દેશી સાબુના સંતૃપ્ત દ્રાવણ સાથે મેળવી ઝાકળ ઉડી ગયા પછી છોડ સંપુર્ણ ભીજાય તેમ છંટકાવ કરવો તેમજ ૧૦ દિવસના અંતરે મેન્કોઝેબ દવાના ત્રણથી ચાર છંટકાવ અવશ્ય કરવા. જીરૂ પાકમાં ભુકીછારા(છાસિયા) રોગના નિયંત્રણ માટે હેકટરે ૩૫ કિ.ગ્રા. ગંધક પાવડર વહેલી સવારે ઝાકળ ઉડ્યા પહેલા જમીનને બદલે દરેક છોડ ઉપર સરખી રીતે પડે તેમ ડસ્ટરથી છાંટવો અથવા ૦.૨ ટકા વે.પા.(પાણીમાં દ્રાવ્ય ) ૧૦ લિટર પાણીમાં ૨૫ ગ્રામ પ્રમાણે ઝાકળ ઉડી ગયા બાદ છાંટવો.

વરિયાળી પાકમાં ચરમીના રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત થયે તરત જ મેન્કોઝેબ દવા ૨૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૨૫ મિ.લી. સાબુના સંતૃપ્ત દ્રાવણ સાથે મિશ્રણ કરી છાંટવી.તેમજ ૧૦ દિવસના અંતરે અન્ય બે છંટકાવ કરવા.વરિયાળી પાકમાં ચરમી અને સાકરીયા રોગના નિયંત્રણ માટે પિયત પાણીનું નિયમન કરવું અને નાઇટ્રોજન ખાતર ભલામણ થયેલ માત્રામાં જ આપવું.

જીરૂ,વરિયાળી સહિત મસાલાના તમામ પાકો માટે મોલોમશી/થ્રીપ્સ/તડતડીયાના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાઓનો છંટકાવ ૧૦-૧૫ મિ.લી./૧૦ લિટર પાણીમાં, જેવી કે મોનોક્રોટોફોસ, ડાયમિથોએટ, મિથાઇલ-ઓ-ડિમેટોન નો છંટકાવ કરવા ભલામણ કરવામાં આવે છે.

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

સુરતની રઘુવીર માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો

Mansi Patel

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!