GSTV
Home » News » સોના-ચાંદીમાં તેજીનું ઘોડાપૂર : સેન્સેક્સ ગબડયો, રૂપિયો તૂટયો

સોના-ચાંદીમાં તેજીનું ઘોડાપૂર : સેન્સેક્સ ગબડયો, રૂપિયો તૂટયો

વૈશ્વિક સ્તરે ટ્રેડ વોરનો માહોલ વકરવાની સાથોસાથ બૌધ્ધિક મંદી પ્રબળ બનવાની ભીતિ પાછળ વૈશ્વિક બજારો તૂટતા તેની અસર ભારતીય બજારો પર પણ જોવાઇ હતી. ઘરઆંગણે ટેક્સના મુદ્દે સરકાર તરફથી કોઇ રાહત ન અપાતા નારાજ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલ વેચવાલીના ભારે દબાણે સેન્સેક્સમાં 624 અને નિફટીમાં 184 પોઇન્ટનો કડાકો બોલાઇ ગયો હતો.

ડોલરની સતત મજબૂતાઇના પગલે ભારતીય રૂપિયો 71નું મથાળું ગુમાવી છ માસના તળીય ઉતર્યો હતો. તો બીજી તરફ ડોલરની તેજીના પગલે વૈશ્વિક સ્તરે સોના-ચાંદી ઊછળતા અમદાવાદ સોના-ચાંદી બજારમાં બેઉ કિંમતી ધાતુઓમાં તોફાની તેજી આગળ વધી હતી.

અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલ ટ્રેડવોર વકરતા અન્ય દેશો પણ તેની ઝપેટમાં આવવાની ભીતિ ઉદભવવાની સાથે આગામી સમયમાં વૈશ્વિક આર્થિક મંદીનો માહોલ પણ ધીમે ધીમે પ્રબળ બની રહ્યો હોવાની ભીતિ પાછળ આજે વૈશ્વિક સ્તરે એશિયાઇ તેમજ યુરોપીયન શેરબજારોમાં ગાબડા નોંધાયા હતા.

દરમિયાન, ગઇકાલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં દેવામુક્ત કંપની બનવાની સાથે ડિજિટલ ક્રાંતિની જાહેરાતની બજાર પર પ્રારંભમાં સાનુકુળ અસર જોવાઇ હતી પરંતુ વૈશ્વિક બજારોના ધોવાણ પાછળ ભારતીય શેરબજારો પણ લપસ્યા હતા. તેમાં વળી સુપર રિચ ટેક્સ તેમજ ઓટો ઈન્ડ.ની મંદીના મુદ્દે સરકારે કોઇ ચોક્કસ પગલા જાહેર ન કરતા વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ વેચવાલીનું દબાણ પ્રબળ બન્યું હતું.

આમ, ચોમેરથી આવેલ વેચવાલીના પ્રચંડ દબાણના પગલે કામકાજના અંતે સેન્સેક્સમાં 623.75 પોઇન્ટનો કડાકો બોલી જતા તે 37000ની સપાટી ગુમાવી 36958.16ની સપાટીએ નરમ રહ્યો હતો. જ્યારે નિફટીમાં 183.80 પોઇન્ટનું ગાબડું પડતા તે 11000ની સપાટી ગુમાવીને 10925.85ના તળિયે ઉતરી આવ્યો હતો.

સેન્સેક્સમાં બોલેલા 600થી વધુ પોઇન્ટના કડાકાના પગલે આજે રોકાણકારોની સંપતિમાંથી (બીએસઇ માર્કેટ કેપિટલાઇઝેશન) રૂા. 2.22 લાખ કરોડનું ધોવાઇ થઇ જતા અંતે તે રૂા. 139.46 લાખ કરોડ રહ્યું હતું.વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ પ્રબળ બનવાની સાથોસાથ ડોલરમાં પણ મજબૂતાઇ આગળ વધતા ભારતીય રૂપિયો ઝડપથી પાછો ફર્યો હતો. હૂંડિયામણ બજારમાં આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 62 પૈસા તૂટીને મહત્વનું એવું 71નું મથાળું ગુમાવીને 71.40ની છ માસની નીચી સપાટીએ ઊતરી આવ્યો હતો.

ડોલરની મજબૂતાઇની આજે કિંમતી ધાતુઓ પર સાનુકુળ અસર જોવાઇ હતી. વૈશ્વિક સ્તરે આજે સોનાનો ભાવ ઊછળીને 1535.40 ડોલર થઇ મોડી સાંજે 1621.40 ડોલર મૂકાતા હતા. જ્યારે ચાંદી વધીને 17.30 ડોલર પહોંચી હતી. ડોલર ઊછળીને ઘરઆંગણે આયાત પડતર પણ વધી જતા અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનું (99.9) રૂા. 300 વધીને રૂા. 39200ની નવી ટોચે પહોંચ્યું હતું. જ્યારે સોનું (99.5) 39050ના મથાળે બંધ રહ્યું હતું. જ્યારે ચાંદી રૂા. 1500 ઊછળીને રૂા. 45000ની સપાટીએ મજબૂત રહી હતી.

READ ALSO

Related posts

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

પાકના નાપાક ઇરાદા, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા ઘડ્યો આ પ્લાન

Bansari

INX મીડિયા મામલે મોટો ખુલાસો, કાર્તિ ચિદમ્બરમને મળ્યા હતા 11 લાખ 23 હજાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!