ગોધરા વિધાનસભા બેઠક ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. વર્ષોથી પ્રભુત્વ ધરાવતા નેતાઓ હોવા છતાં ગોધરાનો યોગ્ય રીતે વિકાસ થયો નથી. જીઆઇડીસીમાં મોટા ઉદ્યોગો નહિ સ્થપાતા યુવાનોમાં બેરોજગારી, પંચમહાલ અને મહીસાગર જિલ્લાનું મહત્વનું રેલ મથક ગોધરા ખાતે હોવા છતાં ટ્રેનના સ્ટોપેજ ઓછા છે.

પંચમહાલ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે.જુના પંચમહાલ જિલ્લામાંથી દાહોદ અને મહીસાગર જિલ્લો અલગ બનતા પંચમહાલ જિલ્લાના ધંધા રોજગાર પડી ભાગ્યા છે. જેમાં ખાસ કરીને સૌથી ચર્ચિત બેઠક ગોધરા ગણાય છે.
2002ના ટ્રેન હત્યાકાંડને લઈને ગોધરાનું નામ દેશભરમાં જાણીતું છે. આ બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને જનતાદળનો દબદબો રહેલો છે. ખાસ કરી આ બેઠક પરથી 6 વખત ગોધરાના સી.કે.રાઉલજી ધારાસભ્ય તરીકે અલગ અલગ પક્ષમાંથી ચૂંટાઈ આવ્યા છે પરંતુ ગોધરાનો વિકાસ આજે પણ જોઈએ તેવો નથી. પાંગળી નેતાગીરીના કારણે ગોધરામાં આજે પણ બેરોજગારી સહિતના પ્રશ્નો યથાવત છે. વિકાસની માત્ર વાતો થાય છે પણ જોઈએ તેવો વિકાસ દેખાતો નથી.ઉપરાંત શહેરમાં રસ્તા, પાણી અને ગટરની સમસ્યા આજદિન સુધી ઉકેલાઈ નથી.જેને લઈ મતદારો પણ નારાજગી જોવા મળી રહી છે.

ચૂંટાઇ આવેલા નેતાઓ પ્રાથમિક સુવિધા ઉભી કરી શક્યા નથી
ગોધરા વિધાનસભા મત વિસ્તારમાં નેતાઓ માત્ર ચૂંટણી સમયે દેખાય છે, તેમ મતદારોનું કહેવું છે પ્રાથમિક સુવિધા અને જરૂરી સગવડો ઉભી કરવામાં નેતાઓને રસ નથી. જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે મતદારો તંત્રને રજૂઆતો તો કરે છે પરંતુ સમસ્યાઓ હલ થતી નથી .હાલમાં ગોધરા બેઠક પર ભાજપના ઉમેદવાર રિપીટ છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર મતદારો માટે નવા છે.જેને લઈને પ્રજામાં પણ અસમંનજશ છે.
GIDC હોવા છતાં મોટો ઉદ્યોગ માત્ર નામ પૂરતો, રોજગારીનો અભાવ
ગોધરા વિધાનસભા મત વિસ્તારમાં ખાસ કરી રોજગારીનો જટિલ પ્રશ્ન છે. ગોધરામાં ટ્રાફિક સમસ્યા પણ માથાના દુઃખાવવો છે. ખેડૂતોને સિંચાઇના પાણી માટેની પણ અનેક તકલીફો છે. આ બાબતની રજૂઆતો રાજકીય નેતાઓને થતી હોય છે પરંતુ ચૂંટાઇ આવેલા નેતાઓ સમસ્યા હલ કરી શક્યા નથી. ગોધરામાં GIDC હોવા છતાં એટલા મોટા કોઈ ઉદ્યોગો નથી માત્ર નામ પૂરતી જીઆઇડીસી છે ત્યારે લોકોને રોજગારી આરોગ્ય લક્ષી સેવાઓ તથા પ્રાથમિક સુવિધાઓ મળે તેવી આશા અપેક્ષાઓ મતદારો રાખી રહ્યા છે.