ગોવામાં ગમે ત્યારે રાજકીય સમીકરણોમાં બદલાવ આવી શકે છે. અને આ બદલાવ આવવાનું કારણ મનોહર પર્રિકરની તબિયત છે. 62 વર્ષીય મનોહર પર્રિકરની હાલત અસ્વસ્થ હોવાના કારણે તેમને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમના હોસ્પિટલ જતાની સાથે જ રાજકીય ગતિવિધિઓ આકાર લેવા માંડી છે.
કોંગ્રેસની મૃદુલાસિંહ સાથે વાતચીત
કોંગ્રેસે રાજ્યપાલ મૃદુલાસિંહને સરકાર બનાવવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિપક્ષના નેતા ચંદ્રકાંત કાવલેકરે મૃદુલાસિંહને જણાવ્યું હતું કે, 40 સદસ્યની વિધાનસભા ધરાવતા ગોવામાં હાલ કોંગ્રેસ પાસે 14 સીટો છે અને બીજા પક્ષોનો સપોર્ટ પણ છે. જેથી વિધાનસભા ભંગ કરવાની જગ્યાએ કોંગ્રેસે રાજ્યપાલ જો અનુમતિ આપે તો બહુમત સાબિત કરી શકીએ છીએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી બદલવાની માગ
જોકે રાજકારણ માત્ર કોંગ્રેસ તરફથી નથી રમવામાં આવી રહ્યું. પાર્ટીની અંદરથી પણ હવે મુખ્યમંત્રી બદલવાનો રાગ આલાપાઇ રહ્યો છે. ભાજપની સાથે જોડાયેલી પાર્ટી મહારાષ્ટ્ર ગૌમાંતકે મુખ્યમંત્રી બદલવાની પહેલ કરી છે. તો તેની વિરૂદ્ધમાં દિલ્હી ગયેલા ભાજપના નેતા રામલાલે તેનો વિરોધ નોંધવ્યો છે અને મુખ્યમંત્રી ન બદલવાના તેમના વિશ્વાસ પર અડગ રહ્યા છે. જેના કારણે હવે અંદરથી જ મહાભારતની શરૂઆત થઇ ચૂકી છે.
શું છે હાલની પરિસ્થિતિ ?
રાજ્યમાં હાલ બીજેપી નીતિ ગઠબંધન સરકાર છે. 40 લોકસભા સીટની ગોવા સરકારમાં હાલ ભાજપ પાસે 14 સીટો છે. જ્યારે ગોવા ફોરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના ત્રણ ત્રણ સદસ્યો છે. આ વચ્ચે ગોવાના રાજકારણમાં મુખ્યમંત્રી બદલવાની હિલચાલ વચ્ચે ક્યાંક પાર્ટી બદલી જશે તેનો પણ ભાજપાને અંદરખાને ડર લાગી રહ્યો છે. કારણ કે કોંગ્રેસ પાસે 16 સદસ્યો છે. કોંગ્રેસ જો રાજ્યપાલ સામે પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી શકતી હોય તો માનવું રહ્યું કે ભાજપના બેડામાં ટુંક સમયમાં ભૂકંપની પરિસ્થિતિનું સર્જન થશે.