GSTV

આત્મવિશ્વાસ કે અવિશ્વાસ / બધા મંત્રી અને મંત્રીઓના સેક્રેટરીઓની બદલી નાખ્યા પછી સરકાર મેજિકથી ચાલશે? : ધારાસભ્યો માત્ર ચીઠ્ઠીના ચાકર?

Last Updated on September 15, 2021 by Pritesh Mehta

ભૂપેન્દ્ર પટેલ અત્યારે તો (બુધવારે બપોર સુધીમાં) વન મેન આર્મી તરીકે કામ કરી રહ્યા છે. તુરંત જામનગર દોડી ગયા, કાદવ-કિચડવાળા રસ્તા પર ચાલ્યા (જેના પર આખા ગુજરાતની જનતા તો વર્ષોથી ચાલે છે), લોકોને મળીને પ્રશ્નો સમજવા પ્રયાસ કર્યો. તેમનો ઉત્સાહ વખાણવાલાયક છે. બાકી તો કામગીરી સમય આવ્યે સ્પષ્ટ થશે. પરંતુ અત્યારે ગાંધીનગરના અધિકારીઓ, ધારાસભ્યો, અન્ય પ્રજાના પ્રતિનિધિઓ, વિપક્ષો સહિત સૌ કોઈમાં એ સવાલ છે કે ભૂપેન્દ્ર પટેલ અને તેના સપોર્ટમાં ઉભેલું ભાજપનું મોવડી મંડળ ભાજપમાં જ અવિશ્વાસ ધરાવે છે કે પછી પોતાના પર આત્મવિશ્વાસ છે? કેમ કે ભૂપેન્દ્ર પટેલની પસંદગીથી થઈ ત્યારથી એક પછી એક એવા પગલાં લેવાઈ રહ્યા છે, જેમાં ભાજપનો ભાજપ પર જ અવિશ્વાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

ધારાસભ્યો

1.            પહેલા તો નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, સૌરભ પટેલ વગેરે સિનિયન નેતાઓને પડતા મુકી પહેલી ટર્મના જ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરી.

2.            એ પસંદગી વખતે ભાજપના એક-બે નેતાઓ સિવાય કોઈને જાણકારી ન હતી, બીજા શબ્દોમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેમને ખરેખર મુખ્યમંત્રી ચૂંટવાનો અધિકાર છે તેમને અંધારામાં રખાયા હતા.

3.            નવા મંત્રીમંડળમાં કોને સમાવાશે તેની અટકળો ચાલી રહી અને એ ભાજપ પોતે જ નક્કી કરી શકતો નથી. અવિશ્વાસનો અભાવ સ્પષ્ટ દેખાય છે.

4.            મંત્રીઓ તો ઠીક, તેમની સાથે કામ કરનારા અધિકારીઓની પણ રાજકીય ગણી તેમને દૂર કરી દેવાયા છે. ગાંધીનગરમાં વિવિધ મંત્રીઓ સાથે તેમની ટીમમાં કામ કરતા મોટા ભાગના મહત્વપૂર્ણ અધિકારીઓને બદલી નખાયા છે. તેનો અર્થ એ થાય કે ભાજપના નિર્ણયકર્તાઓને સરકારી અધિકારીઓ પર પણ વિશ્વાસ નથી.

સરકાર ચલાવવી એ ખાવાના ખેલ નથી. ભૂપેન્દ્ર પટેલ પહેલી ટર્મના ધારાસભ્ય છે એટલા માત્રથી તેની ક્ષમતા ઓછી ન આંકી શકાય. પણ તેમનો અનુભવ ઓછો છે એની ના તો ભાજપના સિનિયર નેતાઓ પણ પાડતા નથી. વળી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાડલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે, જ્યાં ઘારાસભ્ય તરીકે તેમણે ખાસ કામગીરી કરવાની રહેતી નથી હોતી. કેમ કે અમદાવાદના વિકાસકાર્યો મોટે ભાગે કોર્પોરેશન દ્વારા થતા જ હોય છે. વળી ઘાટલોડિયામાં એવો કંઈ ઉડીને આંખે વળગે એવો વિકાસ થયો નથી.

હવે જ્યારે તમામ મંત્રીઓને પડતા મુકવાની વાત છે અને અધિકારીઓને તો હટાવી જ દેવાયા છે, ત્યારે કેટલાક સવાલો ભાજપમાં તથા ગાંધીનગરના સિનિયર અધિકારીઓમાં ઉભા થઈ રહ્યા છે.

1.            અનુભવી નેતાઓ વગર મંત્રીમંડળ કઈ રીતે કામ કરશે? માન્યુ કે જેમને સ્થાન મળશે એ બધા ધારાસભ્યો ટેલેન્ટેડ હશે અને સારામાં સારું કામ કરશે. પરંતુ ગણતરીના મહિનાઓમાં જ્યારે ચૂંટણી આવી રહી હોય ત્યારે ગોઠવાયેલી સિસ્ટમ વિખવાનો એટલે કે જૂના મંત્રીઓ-અધિકારીઓને હટાવી દેવાનો શું મતલબ?

2.            આઈએએસ થયેલા બધા અધિકારીઓમાં આવડત હોય એવુ બિલકુલ નથી. કોરોના વખતે અધિકારીઓ સવાર સાંજ નિર્ણયો બદલતા હતા. તો વળી અમદાવાદ જેવા શહેરમાં રખડતાં ઢોર દુર કરવાનું કામ આઈએએસ અધિકારીઓ કરી શક્યા નથી. કામ કરવા અનુભવ જોઈએ. અત્યાર સુધી સચિવાલયમાં રહીને કામ કરનારા અધિકારીઓને હટાવ્યા પછી નવા આવનારા અધિકારીઓ એ અનુભવ ક્યાંથી લાવશે?

3.            સરકારની કામ કરવાની રીત ચોક્કસ પદ્ધતિમાં ચાલતી હોય છે, ફાઈલો એ મુજબ આગળ વધતી હોય છે. નવી સરકાર આવી એટલે બધી ફાઈલો તો નહીં, પણ ઘણી ખરી તો અટકી પડશે. તેનું નુકસાન કોને થશે? બેશક પ્રજાને..

આવા પ્રશ્નો ઉપરાંત અત્યારે સૌથી મોટો સવાલ અવિશ્વાસનો છે. સામાન્ય રીતે તો વિપક્ષને સરકારમાં અવિશ્વાસ હોય. પરંતુ અત્યારે ભાજપના મોવડી મંડળે જ પોતાના ચૂંટાયેલા લોક પ્રિતિનિધિઓમાં અવિશ્વાસ રજૂ કર્યો છે. અને પછી ટોચની નેતાગીરી એવું ઈચ્છે છે કે ધારાસભ્યો ચીઠ્ઠીના ચાકર બની રહે, જે કોઈ નિર્ણય લેવામાં આવે તેમાં વિશ્વાસ રાખે!

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!