GSTV
Home » News » ગ્લોબલ વૉર્મિંગથી દુનિયાને દર વર્ષે 250 અબજ ડૉલરનું નુકસાન થશે!

ગ્લોબલ વૉર્મિંગથી દુનિયાને દર વર્ષે 250 અબજ ડૉલરનું નુકસાન થશે!

ગ્લોબલ વૉર્મિંગ એટલે કે દુનિયાભરનું તાપમાન વધી રહ્યું છે, બરફ પિગળી રહ્યો છે. એ સ્થિતિનું આર્થિક પાસું સામાન્ય રીતે વિચારવામાં આવતું નથી. પરંતુ હકીકત એ છે કે દરેક વ્યક્તિના ખિસ્સા પર ગ્લોબલ વૉર્મિંગની વત્તા-ઓછા અંશે અસર થાય છે. વિજ્ઞાાન સામયિક ‘નેચર’માં આ અંગે અહેવાલ પ્રગટ થયો હતો. દુનિયાના દસ પર્યાવરણ સંશોધકોએ ભેગા મળીને તૈયાર કરેલા અહેવાલ પ્રમાણે ગ્લોબલ વૉર્મિંગથી દર વર્ષે દુનિયાને ૨૫૦ અબજ ડૉલર (અથવા રૃપિયા ૧૭,૫૦૦ અબજ)નું નુકસાન થવાનું છે.

સંશોધકોએ અત્યારથી લઈને ઈસવીસન ૨૩૦૦ સુધીની આર્થિક ગણતરી કરી છે. ૨૩૦૦ની સાલ આવશે ત્યાં સુધીમાં દુનિયાને ગ્લોબલ વૉર્મિંગની ૭૦,૦૦૦ અબજ ડૉલર જેવી આકરી કિંમત ચૂકવવી પડશે. અત્યારથી માંડીને ૨૩૦૦ સુધીની ગણતરી કરીએ તો ૨૮૦ વર્ષ થાય. એટલે દર વર્ષે સરેરાશ ૨૫૦ અબજ ડૉલરનું બિલ દુનિયા માથે ફાટવાનું છે.હવે ઊનાળો વધારે આકરો થતો જાય છે. સામાન્ય પરિવાર પણ એર કન્ડિશનર ખરીદ્યા વગર ઊનાળો પસાર કરી શકતો નથી. ટૂંકમાં ઊનાળામાં એસી હોવું એ જીવન જરૃરી ચીજ બની ગઈ છે. આ એસી અને એ પછી તેના બિલ પાછળ થતો ખર્ચ એ સામાન્ય વ્યક્તિ દ્વારા ચૂકવાતી ગ્લોબલ વૉર્મિંગની કિંમત છે.

વ્યક્તિનો ખર્ચ વધે એ રીતે રાષ્ટ્રનો અને સરવાળે દુનિયાનો પણ બદલતા હવામાન સામે બચવાનો ખર્ચ વધતો જાય છે. એ બધો જ ખર્ચ ગ્લોબલ વૉર્મિંગ સામેની લડતનો ભાગ ગણાય. વધુ વાવાઝોડા આવે કે માવઠું થાય, તેનાથી જે કંઈ આર્થિક નુકસાન થાય એ ગ્લોબલ વૉર્મિંગે આપેલો દંડ કહી શકાય. વિવિધ દેશોએ ગ્લોબલ વૉર્મિંગ સામે લડવા માટે મંત્રાલય-વિભાગ બનાવ્યા છે. સતત અભ્યાસ થતો રહે છે. સંશોધકો સંશોધનો કરતા રહે છે. એ બધા પાછળ પહેલા ખર્ચ કરવો પડતો ન હતો, હવે કરવો પડે છે. ભવિષ્યમાં તો આ ખર્ચ અનેકગણો વધશે.

સંશોધકોએ આ રિપોર્ટ તૈયાર કરવા માટે ‘પર્મફોર્સ્ટ કાર્બન ફીડબેક (પીસીએફ)’ અને ‘સરફેસ આલ્બિડો ફીડબેક (એસએએફ)’ એવા બે મુદ્દા ધ્યાનમાં લીધા છે. પર્મફોર્સ્ટ એટલે ધુ્રવ પ્રદેશમાં બરફ નીચે ઠરી ગયેલું માટીનું થર. આ થર સૂર્યના કિરણોથી દૂર છે. પરંતુ હવે ત્યાં સુુધી ગરમી પહોંચી છે. તેનો સીધો અર્થ એવો થાય કે બરફ પીગળે છે, તેની સ્પીડ વધશે. એક સમયે આપણે ઘરમાં ઠંડકનો અનુભવ કરતાં હતા, પરંતુ હવે ઘણી વખત ઘરમાં પણ સતત ગરમી લાગ્યા કરે કેમ કે સૂર્ય કિરણો દીવાલને પણ ઓળંગીને પહોંચી ગયા હોય છે. એવી જ સ્થિતિ આખી ધરતીમાં થઈ છે. બર્ફિલા પ્રદેશ પર જે સૂર્યકિરણો પડે એ રિફલેક્ટ થઈને ફરી વાતાવરણમાં જતાં હોય છે. આ રિફ્લેક્શનને આલ્બિડો કહેવામાં આવે છે. હવે બરફ ઘટી રહ્યો છે, માટે રિફ્લેકશન ઘટી રહ્યું છે, એટલે કે આલ્બિડો ફીડબેક ઓછો થઈ રહ્યો છે. ગરમી ધરતીના વાતાવરણમાં જ રહે છે, જે આપણને સૌને નડે છે. આ બન્ને વૈજ્ઞાાનિક પાસાંનો અભ્યાસ કરીને સંશોધકોએ ગ્લોબલ વૉર્મિંગની આર્થિક ગણતરી કરી છે.

દરિયાઈ વિસ્તારમાં પાણી વધતુ જાય એટલે માઈગ્રેટ થવું, કામ-ધંધા માટે અન્ય સ્થળે જવું, પાક નિષ્ફળ જાય તો ખેતી માટે દેવું કરવું.. વગેરે અનેક પ્રકારના ખર્ચનું કારણ ગ્લોબલ વૉર્મિંગ હોય છે, એ પહેલી નજરે સમજાતું નથી. પરંતુ જો અભ્યાસ કરવામાં આવે તો આપણી ઘણી સમસ્યાના મૂળ ગ્લોબલ વૉર્મિંગ સાથે જોડી શકાય એમ છે. 

ભારત-આફ્રિકાને વધુ અસર થશે!

રિપોર્ટ પ્રમાણે ભારત અને આફ્રિકાના કેટલાક દેશોને આ ગરબડની સૌથી વધુ અસર થશે. ભારત વિકસી રહેલો દેશ છે, માટે પર્યાવરણને બદલે વિકાસ માટે અનિવાર્ય પ્રોજેક્ટ પર સરકારનું વધારે ફોકસ છે. વિકાસ માટે જંગલ કપાઈ રહ્યા છે, નદીના જળ અવરોધાઈ રહ્યા છે અથવા તો વાળવામાં આવી રહ્યા છે. વધુ પ્રદૂષણ ફેલાવે એવા કારખાના નંખાઈ રહ્યા છે. અત્યારે વિકાસ માટે જરૃરી લાગતાં આ બધા પગલાં હકીકતે આગામી વર્ષોમાં આપણા સૌનું ખિસ્સું ખાલી કરવાના છે.

READ ALSO

Related posts

સુરતમાં રાજનાથ સિંહની હુંકાર: કહ્યું- પાકિસ્તાન આતંકવાદ બંધ કરે નહિંતર થઇ જશે ટુકડે-ટુકડા

Riyaz Parmar

ભારતીય પ્રવાસીઓને આકર્ષવા સ્વિત્ઝરલેન્ડ ટુરિઝમે કર્યું આ ખાસ આયોજન

Nilesh Jethva

15 નવેમ્બર સુધીમાં રામ મંદિર મુદ્દે ‘સુપ્રિમ’ નિર્ણય આવશે: BJPનાં આ નેતાએ ભવિષ્યવાણી કરી શું?

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!