દેશમાં તથા વિદેશોમાં રૂ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો પલ્ટાતા જોવા મળ્યા છે. દેશમાં નવા વર્ષનો આરંભ થઈ રહ્યો છે ત્યારે ઘરઆંગણે રૂના નવા પાકનો અંદાજ નીચો મુકાતાં સુતર-યાર્ન તથા કાપડ બજારના ખેલાડીઓમાં આ પ્રશ્ને અજંપો વધ્યો છે. ભારતમાં ૨૦૨૩-૨૪ની નવી રૂ મોસમ તાજેતરમાં શરૂ થઈ છે તથા નવી મોસમમાં રૂનો પાક ઘટી ૩૦૦ લાખ ગાંસડીની અંદર ઉતરી ૨૯૫ લાખ ગાંસડી થવાનો તથા આવો પાક ઘટી ૧૫ વર્ષના તળિયે ઉતરી જવાનો અંદાજ વહેતો થતાં બજારમાં વ્યાપક ચર્ચા શરૂ થઈ છે.
દેશમાં ઓકટોબરના આરંભ સાથે રૂની નવી મોસમ શરૂ
દેશમાં ઓકટોબરના આરંભ સાથે રૂની નવી મોસમ શરૂ થઈ છે તથા ૨૦૨૩-૨૪ની આ નવી મોસમમાં ઘરઆંગણે રૂનો નવો પાક ઘટી ૨૯૫ લાખ ૧૦ હજાર ગાંસડી આવશે એવો પ્રાથમિક અંદાજો કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં બહાર પાડ્યો છે. દેશમાં ૨૦૨૨-૨૩ની પાછલી મોસમમાં રૂન પાક ૩૧૮ લાખ ૯૦ હજાર ગાંસડી આવ્યો હતો તેની સામે હવે આ વર્ષે નવી મોસમમાં આવો પાક આશરે ૭થી ૮ ટકા ઓછો આવવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. ૨૦૦૮- ૦૯ની રૂ મોસમમાં દેશમાં રૂનો પાક ३ નોંધપાત્ર ઘટયા પછી આ વર્ષે છેલ્લા ૧૫ વર્ષનો રેકોર્ડ તૂટવાની ભીતિ બજારના જાણકારો નવા વર્ષના આરંભે બતાવી રહ્યા છે.
નવા વર્ષમાં રૂ ઉત્પાદન પર પ્રતિકૂળ અસર જોવા મળશે
મોનસૂન પર અલનીનોની અસર તથા કપાસના વાવેતરના વિસ્તારમાં ઘટાડાને પગલે નવા વર્ષમાં રૂ ઉત્પાદન પર પ્રતિકૂળ અસર જોવા મળશે એવી ગણતરી તજજ્ઞો બતાવી રહ્યા છે. દેશમાં કપાસનું વાવેતર પાછલી ૨૦૨૨- ૨૩ની મોસમમાં આશરે ૧૩૦થી ૧૩૧ લાખ હેકટર્સમાં થયું હતું તે વાવેતર આ વર્ષે ઘટીને આશરે ૧૨૩થી ૧૨૪ લાખ હેકટર્સ જેટલા વિસ્તારમાં થયાના વાવડ મળ્યા હતા. દરમિયાન, હેકટરદીઠ પેદાશ નવી મોસમમાં આશરે ૨.૩૦થી ૨.૩૮ ગાંસડી આસપાસ થવાનો અંદાજ બતાવાઈ રહ્યો છે. એક ગાંસડીમાં ૧૭૦ કિલો રૂ આવે છે. દરમિયાન, વૈશ્વિક સ્તરે કોટનનું ગ્લોબલ કુલ ઉત્પાદન આશરે ૫૦ લાખ ગાંસડી ઘટવાનો અંદાજ દરિયાપારથી વહેતો થયો છે.
ભારત ઉપરાંત ચીન, અમેરિકા તથા ઓસ્ટ્રેલિયામાં પણ રૂનો નવો પાક ઓછો આવવાની ભીતિ
વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ભારત ઉપરાંત ચીન, અમેરિકા તથા ઓસ્ટ્રેલિયામાં પણ રૂનો નવો પાક ઓછો આવવાની ભીતિ જણાઈ રહી છે. રૂના વૈશ્વિક ઉત્પાદનમાં નવા વર્ષમાં આશરે ૪થી ૫ ટકાની પીછેહટ થવાની શક્યતા છે. તથા કુલ ઉત્પાદન જે પાછલી મોસમમાં ૧૧૭૬ લાખ ગાંસડી થયું હતું તે અંદાજ આ વર્ષે નવી મોસમમાં ઘટીને ૧૧૨૧ લાખ ગાંસડી આસપાસ થવાની શક્યતા ચર્ચાતી થઈ છે. ચીન તથા અમેરિકામાં નવી મોસમમાં કોટનના ઉત્પાદનમાં આશરે ૧૨થી ૧૩ ટકાનો ઘટાડો થવાની સંભાવના બતાવાઈ રહી છે. ઓસ્ટ્રેલિયામાં પણ રૂનો પાક ૧૨થી ૧૩ ટકા ઓછો થવાની ભીતિ બતાવાઈ રહી છે.
બ્રાઝીલમાં નવી મોસમમાં રૂનો પાક ૨૧થી ૨૨ ટકા વધુ આવવાની આશા
જો કે બ્રાઝીલમાં નવી મોસમમાં રૂનો પાક ૨૧થી ૨૨ ટકા વધુ આવવાની આશા અમુક વર્ગ વિશ્વ બજારમાં બતાવી રહ્યો હતો. ભારતમાં નવી મોસમમાં પાક ઓછો અંદાજાયો છે પરંતુ નવી મોસમના આરંભમાં પાછલી મોસમનો સિલ્લક સ્ટોક આશરે ૨૮થી ૨૯ લાખ ગાંસડી જેટલો અંદાજાતાં તથા આયાત આશરે ૨૨ લાખ ગાંસડી અંદાજાતાં ભારતમાં નવા વર્ષમાં રૂનો કુલ ઉપલબ્ધ પુરવઠો આશરે ૩૪૫થી ૩૪૬ લાખ ગાંસડી જેટલો થવાની ગણતરી જોતાં દેશમાં સપ્લાય શોર્ટેજની શક્યતા ઓછી જણાઈ રહી છે. સપ્લાય સામે માગ કેવી રહે છે તેના પર પણ બજારના ખેલાડીઓની નજર રહી છે. ઘણી મિલો પોલીયેસ્ટર તરફ વળી છે. આની અસર ૩ની માગ પર જોવા મળી છે. સિન્થેટીક તથા બ્લેન્ડેડ ફાઈબરની માગ ઘરઆંગણે તથા વૈશ્વિક સ્તરે વધી છે. આવો ટ્રેન્ડ જોતાં રૂના ભાવ નવા વર્ષમાં એકંદરે કાબુમાં વ્યાજબી સપાટીએ રહેવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા છે.
ગુજરાત સહિત દેશ-વિદેશના સમાચારો તેમજ બિઝનેસ, જ્યોતિષ, એન્ટરટેઇન્મેન્ટ સહિતના લેટેસ્ટ સમાચાર મેળવવા માટે GSTVના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ https://chat.whatsapp.com/IdVGH0pgIP08AeIj0cd0NA
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો : https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ