ગીરમાં 23 સિંહના મોત બાદ અન્ય 21 સિંહમાં પણ ઘાતક વાઇરસના લક્ષણ જોવા મળ્યા છે. જેના કારણે વન વિભાગની પોલ ખુલ્લી પડી ગઇ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના રિપોર્ટમા આ ચોંકાવનારો ખુલાસો થયો છે. ગીરમાં સિંહોના સીડીવીથી મોત થયા છે. એ પછી બીજા 27 સિંહોના સેમ્પલ આઇસીએમઆર પાસે મોકલાયા હતા. જેમાંથી 21 સિંહને સીડીવી હોવાનુ જાણવા મળ્યુ છે. આ રિપોર્ટથી સ્પષ્ટ થઇ રહ્યુ છે આ ઘાતક વાઇરસનો ફેલાવો હજુ પણ થઇ રહ્યો છે. બીજા સિંહોને પણ આ વાઇરસે ઝપટમાં લીધો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ રિપોર્ટે વન વિભાગ ઉંઘતુ ઝડપાયુ છે.
આ રિપોર્ટમાં સિંહોને હાલ પુરતા ગીરમાંથી ખસેડી દેવાનુ સૂચન પણ કરાયુ છે. જો કે રાજય સરકારે ગીરમાંથી સિંહોના હંગામી સ્થળાંતરનો પણ સ્પષ્ટ ઇન્કાર અગાઉથી જ કરી દીધો છે. મહત્વનુ છે કે અગાઉ સિંહોના મોતનો સમાચાર આવ્યા ત્યારે મોટા ભાગના મોત ઇનફાઇટથી થયાનો વન વિભાગે લુલો અને જુ્ઠ્ઠો બચાવ કર્યો હતો. બાદમાં વન વિભાગને થૂકેલુ ચાટવુ પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. આખરે વન વિભાગે સિંહોના મોતમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ એટલે કે સીડીવીથી મોત થયાનો સ્વીકાર કર્યો હતો.