આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકા પંચાયત પર ભાજપની જીત થઈ છે. ત્યારે ભાવનગર ખાતે આજે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં વિજય આભાર રેલીનું આયોજન થયું. એરપોર્ટથી ઘોઘા પોલીસ ગ્રાઉન્ડ સુધી વિજય આભાર રેલી યોજાઈ. ચૂંટણી પહેલાં સી.આર. પાટીલ પાલીતાણા આવ્યાં ત્યારે ઘોઘા તાલુકા પંચાયત જીતશે તો ફરી તેઓ ઘોઘા આવશે તેવું વચન આપ્યું હતું. આથી આજે ભાવનગર જિલ્લામાં ભાજપની ઐતિહાસિક જીતને લઈને મતદારોનો આભાર માનવા રેલી યોજાઈ હતી.

44 નગર સેવક માટે આઈસર ટેમ્પો સહિતની વ્યવસ્થા સાથે 200થી વધુ કારનો કાફલો રેલીમાં જોડાયો હતો. ધારાસભ્ય અને સાંસદો, શહેર ભાજપ સંગઠન અને જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ જોડાયા હતાં અને ઘોઘામાં યોજાયેલી જાહેર સભામાં સી. આર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં સી.આર. પાટીલે સભા સંબોધી તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોનો આભાર માન્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘોઘા પાલિકાના ઇતિહાસમાં પહેલી વાર ભાજપ આ પાલિકા જીતવામાં સફળ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, ભાવનગર જિલ્લાની ૧૦ પૈકી ૯ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે.
