યુવાનો સંસ્કૃતિમાં રસ લેતા થાય એટલા માટે જર્મન સરકારે 18 વર્ષના થનારા સૌ યુવાનોને 200 યુરો ખર્ચ માટે આપવાનું નક્કી કર્યું છે. અલબત્ત, આ ખર્ચ માત્ર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પાછળ કરી શકાશે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સંગીત, નાટક, થિએટર, પુસ્તકો, સંગ્રહાલય-મ્યુઝિયમની મુલાકાત વગેરેનો સમાવેશ થાય છે. 18 વર્ષના થનારા દરેક કિશોરને સરકાર આ રીતે સંસ્કૃતિ પાછળ ખર્ચ કરવા વર્ષે 200 યુરો ડોલર આપશે. રુપિયામાં ગણતરી કરીએ તો રકમ 17,000 કરતા વધારે થાય.

જર્મન સરકારના આ નિર્ણય પાછળ બે હેતુ છે. એક તો કોરોના પછી ધીમા પડેલા સાંસ્કૃતિક-કલ્ચરલ સેક્ટરમાં ખર્ચ વધારવો. બીજો ઉદ્દેશ કિશોરોને દેશની સંસ્કૃતિથી વાકેફ કરવાનો છે. યુરોપના દેશોમાં આ પ્રથા નવી નથી. જર્મનીએ ફ્રાન્સમાંથી પ્રેરણા લીધી છે. ફ્રાન્સે 2021માં જ આવી સ્કીમ લોન્ચ કરી હતી. એ પછી ઈટાલી અને સ્પેને પણ આ પ્રકારની કલ્ચરલ કુપનની શરુઆત કરી દીધી છે. અન્ય દેશોમાં આ રકમ 400-500 યુરો જેટલી છે. જર્મનીએ હાલ 200 યુરો નક્કી કર્યા છે. જો આ પ્રોજેક્ટ સફળ જશે તો 15થી 17 વર્ષનાકિશોરોને પણ આ સ્કીમમાં શામેલ કરી દેવાશે.
આ સ્કીમ 2023થી શરુ કરી દેવાઈ છે. જર્મનીમાં 7.5 લાખ કિશોરો એવા છે જે 2023માં 18 વર્ષના થઈ રહ્યા છે. આ બધાને ચૂકવણી કરવા જતા જર્મન સરકારે અંદાજે 10 કરોડ યુરો ડોલર (875 કરોડ રુપિયાથી વધારે) ખર્ચવા પડશે. પરંતુ જર્મન સરકારે પહેલેથી જ 1 અબજ ડોલર સાંસ્કૃતિક બજેટ માટે ફાળવી દીધા છે. કોરોના પછી રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે પણ યુરોપના દેશોના અર્થતંત્ર પર વિપરિત અસર થઈ રહી છે. એ અસર વધારે બદતર થાય એ પહેલા જર્મનીએ આ નિર્ણય લીધો છે. અલબત્ત, ટીનેજર્સ આ રકમ ઓનલાઈન ખર્ચી ન નાખે એટલા માટે સરકારે શરત મુકી છે. પોપ્યુલર પોડકાસ્ટ એપ સ્પોટીફાઈ અને એમેઝોન પ્રાઈમ જેવી એપ્સ પર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આ રકમ ખર્ચી નહીં શકાય. જેથી ઓનલાઈન પ્રવૃત્તિને બદલે ઓફ લાઈન પ્રવૃત્તિને વેગ મળે.
કોરોના પછી અર્થતંત્ર ધમધમતુ થાય એ માટે ખર્ચ થવો જરુરી છે. અર્થશાસ્ત્રમાં બ્રોકન ગ્લાસ નામની એક થિયરી છે. જો કોઈ કાચ તૂટે તો કદાચ જેનો કાચ તૂટે એ વ્યક્તિને નુકસાન થાય પરંતુ દેશને ફાયદો થાય. કેમ કે કાચ તૂટે એટલે તેની ખરીદી થાય, કાચ ફીટ કરવાની મજૂરી ચૂકવાય અને એ રીતે અર્થતંત્રમાં એક પછી એક તબક્કે નાણા ફરતા થાય. એ થિયરી જેવો જ ઉદ્દેશ પાર પાડવા જર્મન સરકારે આ નિર્ણય લીધો છે.
READ ALSO
- પત્ની નારાજ થઈ ગઈ છે, તો આ પદ્ધતિઓની મદદથી સંબંધોમાં પાછો આવી શકે છે પ્રેમ
- દ. ભારતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી : મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં કરાં પડે તેવી શક્યતાઓ
- સુરત/ એથર કેમિકલ કંપનીમાં 7 ગૂમ થયેલા કામદારોના પરિવારજનો દિવસે રઝળતા રહ્યા ને રાત્રે ભડથૂં મૃતદેહ બહાર કઢાયા
- TATAના IPOની ધમાકેદાર એન્ટ્રી, લિસ્ટિંગના પ્રથમ દિવસે જ રોકાણકારોના પૈસા ડબલ, 140 ટકાનો થયો નફો
- સેમ ઓલ્ટમેન ફરીથી OpenAIના CEO બન્યા, કંપનીએ આપી માહિતી