GSTV

ગૌતમ ગંભીર : કહાની ભારતના એ ક્રિકેટરની જે 1 ટેસ્ટ રમવાના 7 લાખ રૂપિયા લેતો હતો

15 વર્ષની ઇન્ટરનેશનલ કરિયરને ગૌતમ ગંભીરે પૂરી કરી નાખી. રેતીની જેમ સમય ચાલ્યો ગયો. ગૌતમ ગંભીર એ યુગનો ક્રિકેટર હતો જ્યારે સચિન-સહેવાગ-ગાંગુલીનું વર્ચસ્વ હતું. અને એક પાંચ ફૂટીયો જુવાન મેદાનમાં આવ્યો. ટેસ્ટમાં સહેવાગ સાથે ઓપનિંગ કરી શકે આ માટે ગૌતમ ગંભીર સિવાય ટીમ ઇન્ડિયા પાસે કોઇ વિકલ્પ બચ્યો નહોતો. બાંગ્લાદેશ સામેની મેચમાં સિનીયરનું ટીશર્ટ પહેરી ગંભીરે પહેલીવાર મેદાનમાં એન્ટ્રી મારી. અને ત્યાંથી એમ.એસ.ધોનીથી અનટોલ્ડ સ્ટોરી ફિલ્મની માફક હવે ભૂતકાળમાં તેની વાર્તા ને લઇ જઇએ. કારણ કે 2011માં ધોનીની સિક્સર જ નહીં ગંભીરના 97 રને પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. જો ગંભીરના 97 રન જ નહોત તો પછી ભારત કોઇ દિવસ વર્લ્ડકપ હાથમાં પકડી ન શકેત. એમ.એસ.ધોની ફિલ્મમાં જેમ ધોનીની કહાની બેકગ્રાઉન્ડમાં સરી જાય છે તેવી જ રીતે હવે ગૌતમ ગંભીરની કહાનીને લઇ જઇએ.

ક્રિકેટર નહીં આર્મીમેન બનવું હતું

14 ઓક્ટોબર 1981માં દિલ્હીમાં ગંભીરનો જન્મ થયો. પરિવારનો ટેક્સટાઇલનો બિઝનેસ હતો. જે પરિવારના મોભી એવા પિતા દીપક ગંભીર સંભાળતા હતા. માતાનું નામ હતું સીમા ગંભીર જે ગૃહીણી હતી. પોતાનાથી બે વર્ષ નાની બહેન સીમા હતી. માતા પિતા કરતા ગંભીર દાદા-દાદી સાથે વધારે રહ્યો. જન્મના 18 દિવસ બાદ જ ગંભીરને તેના દાદા-દાદીએ પોતાની પાસે રાખી લીધો હતો. ત્યારથી ગંભીર તેમની સાથે જ રહ્યો. તેની 10 વર્ષની ઉંમર થઇ એટલે ગંભીરે ક્રિકેટનું બેટ પહેલીવાર હાથમાં પકડ્યું. જ્યારે સમજણો થયો ત્યાર સુધી તો ગંભીરના મનમાં બસ ભારતીય આર્મીમાં ભરતી થવાનું સપનું હતું, પણ મોટા થતા તેને લાગ્યું કે આ હાઇટ આર્મીમાં ભરતી થવા માટે નથી બની. પણ 2017માં તેણે આર્મીના શહીદ બાળકોને અભ્યાસ મળી રહે આ માટે ધ ગૌતમ ગંભીર ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.

પવન ગુલાટીનો મહત્વપૂર્ણ રોલ

માત્ર ક્રિકેટથી કંઇ ન થાય ભણવું પણ પડે. દિલ્હીની મોર્ડન સ્કૂલમાં ગંભીરે પોતાનું શિક્ષણકાર્ય શરૂ કર્યું. 90નો દશક આવતા આવતા ગંભીર પોતાના અંકલ પવન ગુલાટીને ત્યાં રહેવા લાગ્યો. ગંભીર શરૂઆતથી જ અંકલ પવન ગુલાટી ઉપર વિશ્વાસ રાખતો હતો. સ્કૂલ પૂરી થઇ પછી ગંભીરે દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કમ્પલિટી કર્યું. ત્યાર સુધી ક્રિકેટ રમતા રમતા તેને ક્રિકેટની દુનિયાના સપનાં જોવાનું મન થઇ ગયું હતું. તેને બીજા કોઇ કપડાં નહીં ક્રિકેટની જર્સી પહેરવી હતી. વર્ષ 2000માં ગંભીરની નિમણૂંક નેશનલ ક્રિકેટ એકેડેમીમાં થઇ. જેની પાછળ ગંભીરની સાથે પવન ગુલાટીની મહેનત પણ હતી.

સહેવાગ-ગંભીરની જુગલજોડી

બાંગ્લાદેશ સામે 66 કિલોગ્રામ વજન ધરાવતો ગૌતમ ગંભીર પહેલીવાર મેદાનમાં ઉતર્યો. એ 11 એપ્રિલ 2003નો દિવસ હતો. આ પહેલા ગંભીરે ઝિમ્બાબ્વે સામે રમતા 218 રન ફટકાર્યા હતા. તેના 218 રને જ તેને ભારતીય ટીમમાં સ્થાન અપાવ્યું હતું. પરંતુ ગંભીર શરૂઆતમાં ભારતીય ટીમમાં કોઇ ખાસ પ્રદર્શન નહોતો કરી શક્યો. ટેસ્ટમેચમાં પણ ગંભીરે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે ડેબ્યુ કર્યું. પણ તેનું નસીબ ચમક્યું વિરેન્દ્ર સહેવાગ સાથે. વિરૂપાજી સાથે તેણે ઓપનિંગમાં જોડી જમાવી તહેલકો મચાવી દીધેલો. એ સમયે હેડેન-લેંગર, માર્વન અટપટ્ટુ-સનથ જયસૂર્યા, ગીબ્સ-સ્મિથ જેવા અનુભવી ખેલાડીઓની ઓપનિંગ જોડીઓ સામે ગંભીર અને સહેવાગની જોડી ભારે પડી રહી હતી. કેલેન્ડરના એક વર્ષમાં તો રનોનો પહાડ ઉભો કરી ગંભીર અને સહેવાગ દુનિયાના ઘાતક ઓપનિંગ બેટ્સમેનોમાં સામિલ થઇ ગયા હતા.
જોત જોતામાં ગંભીરે મેદાન પર રેકોર્ડોની વણઝાર કરી દીધી હતી.

ગંભીરના કિર્તીમાનો

ગંભીરે પહેલો ભારતીય અને વિશ્વનો ચોથો એવો ક્રિકેટર છે, જેણે ટેસ્ટમાં લગાતાર 5 સેન્ચુરી ફટકારી હોય. વીવીએન રિચાર્ડ્સ બાદ ગંભીર એક માત્ર દુનિયાનો બીજો ખેલાડી છે જેણે 11 ટેસ્ટમાં સતત 11 અર્ધશતક ફટકાર્યા હોય. 4 ટેસ્ટમેચોની શ્રેણીમાં તેના નામે 300થી વધારે રન બોલે છે. વર્ષ 2008-09માં ગંભીરે એક વર્ષમાં 1299 રન ફટકારેલા. 2008માં વનડેમાં સૌથી વધારે સેન્ચુરીઓ ફટકારી હતી. કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતા ગંભીર અને ગેલે ગુજરાત લાયન્સ સામે 184 રનની પાર્ટનરશીપ કરી હતી. તેના આ પ્રદર્શનના કારણે જ તેને આઇસીસીએ 2008માં ટેસ્ટ પ્લેયર ઓફ ધ યેરનો ખિતાબ આપ્યો હતો. 2009માં અર્જૂન પુરૂષ્કાર મળ્યો હતો.

વિવાદ

2013માં આઇપીએલ સમયે ગંભીરે એગ્રેસિવ વિરાટ કોહલી સામે લડાઇ કરી. તેના આગલા વર્ષે જ મહેન્દ્ર સિંહ ધોનીએ તેની ફરિયાદ કરી હતી કે ગંભીર ખૂબ જ સ્વાર્થી ક્રિકેટર છે. જેના કારણે ટીમની એકતામાં ખલેલ પહોંચી રહી છે. 2007માં આફ્રિદી સાથે તેની લડાઇ થઇ ત્યારે ગંભીરનું નામ છાપાઓની હેડલાઇન અને સ્પોર્ટસ પેજ પર ચમકવા લાગ્યું હતું. 2010માં એશિયા કપ સમયે કામરાન અકમલે ગંભીરને આઉટ જાહેર કરવા અમ્પાયર સામે જોરદાર અપીલ કરી અને ગંભીરે મગજ ગુમાવ્યો. જે લડાઇ પણ જોરોશોરોથી ચાલી હતી. 2017માં ગંભીરને એ વાતનો ખ્યાલ આવ્યો કે એક પબ માલિક તેના નામે દારૂની દુકાન ચલાવી રહ્યો છે. ગંભીરને કોઇ વ્યસન નથી આ ખબર પડતા ગંભીરે તે માલિકની સામે ફરિયાદ દાખલ કરી દીધી. આખરે કોર્ટનો નિર્ણય ગંભીરના પક્ષમાં આવ્યો.

સિલ્વેસ્ટર સ્ટેલોનની ફિલ્મો જુએ છે

ડાબા હાથના આ ખેલાડીનો પ્રિય ક્રિકેટર પણ સૌરવ ગાંગુલી જ રહ્યો. જ્યારે ક્રિકેટ ન રમતો હોય ત્યારે ગંભીર ટ્રાવેલ અને બુક્સ વાંચવાનો શોખીન છે. રાજમા ચાવલ, દહી અને બટર ચિકન આ ખેલાડીને ખૂબ પ્રિય છે. સિલ્વેસ્ટર સ્ટેલોનની ફિલ્મો તે કોઇ દિવસ ચૂકતો નથી. રેમ્બો તેની ફેવરિટ સિરીઝ છે. તો બોલિવુડ ફિલ્મોમાં ચક દે ઇન્ડિયા, વિકી ડોનર, પાન સિંહ તોમર તેને ખૂબ ગમે છે. યૂનાઇટેડ કિંગડમ તેનું હરવા ફરવાનું પ્રિય સ્થળ છે. ગંભીર એટલો અંધશ્રદ્ધાળુ છે કે તે માને છે જ્યાર સુધી હું પેડ નહીં ઉતારું ત્યાં સુધી ટીમ મેચ નહીં જીતે.

લાખોમાં રમ્યો છે ગંભીર

ગંભીર જ્યારે ભારતીય ટીમ માટે ક્રિકેટ રમતો હતો ત્યારે પ્રતિ વર્ષ તેની કમાણી 25 લાખ રૂપિયા હતી. દરેક ટેસ્ટ રમવાના તેના ખાતામાં 7 લાખ રૂપિયા જતા હતા. દરેક વનડે રમવાના તેને 4 લાખ રૂપિયા આપવામાં આવતા હતા અને દરેક ટી ટ્વેન્ટી રમવાના આ ખેલાડી 2 લાખ રૂપિયા લેતો હતો. આ બધુ ભેગુ કરીએ તો તેની કુલ સંપતિ 120 કરોડની આંકવામાં આવે છે.

જે જીતનો પાયો નાખતો હતો

2007માં ગંભીરે ટી ટ્વેન્ટી રમી ત્યારે તેણે બીજા નંબરના સૌથી વધારે રન બનાવ્યા હતા. અને 2011ના વર્લ્ડ કપમાં 97 રન ન બનાવ્યા હોત તો ? એટલે કે ધોનીની કેપ્ટનશીપ ઉપરાંત ગંભીરની બેટીંગે પણ બંન્ને વર્લ્ડકપમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. પણ હવે ગંભીરની 15 વર્ષની લાંબી કરિયનો અંત આવી ગયો છે. ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લઇ લીધી છે. ભારતને તમામ ક્રિકેટર્સના રિપ્લેસમેન્ટ મળી ગયા, પણ સંકટ સમયે લાંબી ઇનિંગ ખેંચી જીતાડનાર ગંભીરનો રિપ્લેસમેન્ટ ક્યાં છે ?

READ ALSO

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!