ગેસની સબસિડીમાં બદલાઈ રહ્યાં છે નિયમો, હવે ગ્રાહકોને નહીં મળે ખાતામાં સબસિડી

સરકારે રાંધણગેસ મામલે એક મોટો નિર્ણય લીધો છે. ગ્રાહકો જરૂરિયાત ન હોવા છતાં સિલિન્ડર નોંધાવી સબસિડી અને બાટલાના વેચાણ થકી બેવડો લાભ લેતા હોવાનું સરકારને ધ્યાને આવતાં હવે સરકારે આ સબસિડી સીધી કંપનીના ખાતમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. ઘણા સમયથી આ પ્રકારના ચાલતા કૌંભાંડને પગલે સરકારને મોટો ફટકો પડતો હતો. હવે બે નંબરી સિલિન્ડરનું વેચાણ કરતા ગ્રાહકોના હાથમાં સબસિડીની પૈસા ન આવતાં તેઓ બુકિંગ ઘટાડશે તેવો સરકારનો મત છે.

એક નવી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે

સરકારે રાંધણ ગેસના વધતા ભાવોને જોતા સબસીડીની રકમ ગ્રાહકના ખાતામાં જમા કરવાની વ્યવસ્થામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. સરકારે આ ફેંસલો અનેક ગ્રાહકોને એક સાથે રકમ ચૂકવવામાં આવી રહેલી મુશ્કેલીઓને કારણે લીધો છે. હવે ગ્રાહકોને સબસીડીની કિંમત પર જ ગેસ સિલિન્ડર મળશે અને સબસીડીની રકમની ચૂકવણી સરકાર ગ્રાહકોને કરવાને બદલે સીધી પેટ્રોલિયમ કંપનીને કરશે. મળતી માહિતી મુજબ પેટ્રોલિયમ મંત્રાલય ગેસ સિલિન્ડરના વધતા ભાવોને જોતા સબસીડી આપવા માટેની એક નવી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરી રહી છે. આ માટે ગેસ સબસીડીનું નવુ સોફટવેર બનાવવામાં આવી રહ્યું છે જે હેઠળ ગ્રાહકોએ સિલિન્ડરની માત્ર સબસીડી કિંમત જ આપવી પડશે.સરકારે જે ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જે હેઠળ હાલ દિલ્હીમાં સિલિન્ડરના ૯૪૨.૫૦ ચૂકવવા પડે છે તેને બદલે હવે ગ્રાહકે રૂ. ૫૦૭.૪૨ ચૂકવવાના રહેશે.

જરૂરિયાત ન હોવા છતાં  સિલિન્ડરનું થાય છે બુકિંગ

ડીબીટીના આ નવા નિર્ણયથી ગેસ એજન્સીઓ અને ગ્રાહકોની મીલીભગત પર લગામ આવશે. ફરીયાદો આવી હતી કે ગ્રાહક જરૂરીયાત ન હોવા છતા પણ સિલિન્ડર બુક કરાવે છે અને સબસીડી ગ્રાહકના ખાતામાં આવી જાય છે અને બાટલો બીજા કોઈને વેચી દેવામાં આવતો હતો. સરકારને આવું કરવાની એટલા માટે જરૂર પડી કે ૪૦ ટકા ઉજ્જવલા લાભાર્થીઓએ જ વર્ષમાં સરેરાશ ૪ બાટલા બુક કર્યા હતા. ૬૦ ટકા લાભાર્થીઓએ આનાથી પણ ઓછા બાટલાની ખપત વર્ષ દરમિયાન કરી હતી.

ગેસ સિલિન્ડર મળ્યા બાદ ગ્રાહકે તે કોડ બતાડવાનો રહેશે

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે ડીબીટી માટે નવી રીતે ગેસ બુક થયા બાદ ગ્રાહકના મોબાઈલ પર એસએમએસ થકી એક કોડ મોકલવામાં આવશે. ગેસ સિલિન્ડર મળ્યા બાદ ગ્રાહકે તે કોડ બતાડવાનો રહેશે. તે પછી સરકાર સબસીડીની રકમ સીધા કંપનીના ખાતામાં જમા કરી દેશે. એવામાં ગ્રાહકે ફકત ગેસ સિલિન્ડરની સબસીડીના ભાવ જ ચૂકવવાના રહેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter