પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત બાદ ગેસ સિલિન્ડરની કિંમતમાં 10 ટકાનો વધારો કરવાની ઘોષણા કરી છે. આ ભાવ વધારો ઓક્ટોબર માસથી લાગૂ થશે.
ગેસ સિલિન્ડર બાદ સીએનજીના ભાવમાં પણ વધારો તોળાઈ રહ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના વિશ્લેષ્ણ સેલના જણાવ્યા પ્રમાણે પ્રાકૃતિક ગેસની કિંમતમાં વધારો થવાના કારણે ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
એક અંદાજ પ્રમાણે ઘરેલુ ગેસની કિંમતમાં ત્રણ વર્ષ બાદ વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘરેલુ ગેસની કિંમતમાં એક ડોલર પ્રમાણે વધારો કરવામાં આવશે તો ઓનએનજીની આવકમાં એક વર્ષમાં ચાર હજાર કરોડ રૂપિયાનો વધારો થશે.
જૂનમાં થયો હતો વધારો
પેટ્રોલ-ડીઝલ બાદ હવે ઘરેલુ ઉપયોગમાં લેવાતા એલપીજી ગેસ સિલિન્ડરમાં પણ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. જેમાં જૂનમાં જ સબસિડી વાળા ગેસ સિલિન્ડરમાં બે રૂપિયા 34 પૈસાનો ભાવ વધારો કરાયો છે.
સબસિડી વગરના એલપીજી સિલિન્ડર પર 48 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. સબસિડી વગરના ઘરેલુ ગેસ સિલિન્ડર 701 રૂપિયા 50 પૈસાના સ્થાને 751 રૂપિયા 50 પૈસાના ભાવે મળવાનો શરૂ થયો હતો. વગર સબસિડીના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવમાં 79 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને આ સિલિન્ડર હવે 1338 રૂપિયામાં મળી રહ્યો છે.
જુલાઇમાં પણ કંપનીએ વધાર્યા હતા ભાવ
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી તથા સબસિડી વગર રાંધણ ગેસમાં જુલાઇમાં ભાવ વધારો જાહેર કર્યો છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમીટેડે એલાન કર્યું કે સબસિડી વગરનો એલપીજી સિલિન્ડર 35.50 રૂપિયા મોંઘો થશે. જ્યારે કે સબસિડીવાળા સિલિન્ડરમાં 1.76 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.