GSTV
Home » News » પતિત પાવન ગંગામૈયાનો મહિમા, કેવી રીતે થઈ માં ગંગાની ઉત્પતિ ?

પતિત પાવન ગંગામૈયાનો મહિમા, કેવી રીતે થઈ માં ગંગાની ઉત્પતિ ?

ગંગામૈયાની ઉત્પત્તિની કથા

શ્રીમદ્ ભાગવતમાં ખૂબ અર્થપૂર્ણ કથા વર્ણવવામાં આવી છે કે, બલિરાજાના યજ્ઞમાં ભગવાન વામન અવતાર સ્વરૂપે પધાર્યા હતા. શ્રીહરિએ વામન સ્વરૂપે પધારી દાન સ્વરૂપે ત્રણ પગલા ભૂમિની યાચના બલિરાજા પાસે કરી. બલિરાજાએ વામન ભગવાનને કહ્યું, ‘હે પ્રભુ આપે માંગી માંગીને ફક્ત ત્રણ પગલાં ભૂમિ શું માંગી ? આપ કંઈક વધુ માંગો.’ પણ ભગવાને માર્મિક હાસ્ય કરતા પોતાની માંગ ઉપર જ અટલ રહ્યા. છેવટે, બલિરાજાએ ભગવાનને ત્રણ પગલાં ભૂમિ આપવાનો સંકલ્પ કર્યો. શ્રીહરિએ પ્રથમ પગલે પૃથ્વી અને પાતાળ આવરી લીધા, બીજા પગલે સ્વર્ગ તેમજ સર્વ દિશાઓને આવરી લીધી અને ત્રીજું પગલું જ્યારે બલિરાજાના મસ્તક ઉપર મૂકવા માટે પગ ઊંચો કર્યો ત્યારે શ્રીહરિનો ચરણ છેક સત્યલોક સુધી પહોંચ્યો અને બ્રહ્માજીએ પોતાના કમંડળથી શ્રીહરિના પગ ધોયા. શ્રીહરિના શ્રીચરણને સ્પર્શ કરી તે જળ અત્યંત પવિત્ર બન્યું અને તે જળ એજ શ્રીહરિની પાદોદભૂતા ગંગામૈયા.

ગંગામૈયા પૃથ્વી ઉપર કેવી રીતે અવતર્યા

સૂર્યવંશી રાજા બાહુ થઈ ગયો. બાહુનો પુત્ર સગર થયો અને સગરના સાઠ હજાર પુત્રો હતા. સગરે પૃથ્વી ઉપર ચક્રવર્તી રાજા થવાના સંકલ્પથી 100 યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. સગરના 99 યજ્ઞો નિર્વિઘ્ને પૂર્ણ થયા. પણ, 100મા યજ્ઞને સંપૂર્ણ કરવા માટે યજ્ઞના ઘોડાને પૃથ્વી ઉપર છૂટ્ટો મૂકવાનું વિધાન હોય છે. આ યજ્ઞનો ઘોડો ત્રિલોકમાં જ્યાં જ્યાં ભ્રમણ કરે તે રાજ્ય સગરને આધીન થાય તેવું વિધાન હોય છે. આ વિધાન પ્રમાણે ઘોડો છૂટો મૂક્યો. સગરના યજ્ઞનો આ ઘોડો નિર્ભય થઈ સર્વજગ્યાએ ભ્રમણ કરવા લાગ્યો. ઈન્દ્રને વિચાર આવ્યો કે સગર ખૂબ શક્તિશાળી રાજા થઈ રહ્યો છે અને તે મારું ઈન્દ્રાસન પણ પડાવી લેશે. આ ભયથી ઈન્દ્રએ આ ઘોડો છળકપટથી કપિલ મુનિના આશ્રમમાં સંતાડ્યો.

યજ્ઞનો ઘોડો આ પ્રગારે ગુમ થવાથી સગરના પુત્રો સૈન્ય સહિત ઘોડાને શોધવા નીકળ્યા. થોડા દિવસો પછી સગરપુત્રોએ યજ્ઞના ઘોડાને કપિલમુનિના આશ્રમમાં જોયો. ક્રોધથી સગરના પુત્રોએ કપિલમુનિનો આશ્રમનો ધ્વંસ કર્યો. કપિલમુનિ તે સમયે સમાધિમાં લીન હતા. મુનિશ્રી જ્યારે સમાધિમાંથી જાગ્રત થયા ત્યારે તેમણે આશ્રમનો વિનાશ જોયો અને સગરના સાઠહજાર પુત્રોને આશ્રમમાં માં દીઠા. સગરપુત્રોનું આ નીંદનીય કૃત્ય જોઈ મુનિશ્રી ક્રોધિત થયા અને કપિલમુનિએ આ સાંઠ હજાર પુત્રોને બાળી નાંખ્યા.

સગર રાજાને બે રાણી હતી. એક શૈબ્યા અને બીજી વૈદર્ભી. વૈદર્ભીના સાઠ હજાર પુત્રો હતા. જે કપિલમુનિના શાપથી બળી ગયા. પણ, શૈબ્યાનો પુત્ર અસમંજસ હતો અને અસમંજસ પુત્ર અંશુમાન થયો. આ અંશુમાને કપિલમુનિને રીઝવ્યા અને પોતાના પિતૃના મોક્ષ માટેનો ઉપાય મેળવ્યો. કપિલમુનિએ પ્રસન્ન થઈ કહ્યું કે, ‘સ્વર્ગમાંથી ગંગાનું અવતરણ પૃથ્વી ઉપર થાય અને તે જળથી તારા પિતૃઓના અસ્થિ પવિત્ર બનશે ત્યારે તારા સમગ્ર પિતૃઓનો ઉદ્ધાર થશે.’કપિલમુનિનો આ ઉપાય તે ગંગામાતાનું પૃથ્વી ઉપર અવતરણનું કારણ બન્યો.
ગંગામૈયાના પૃથ્વી ઉપર અવતરણ માટે અંશુમાને મહાન તપ કર્યું પણ ગંગામૈયા પ્રસન્ન ન થયા. અંશુમાનના સ્વર્ગવાસ બાદ તેના પુત્ર દિલિપે આકરું તપ કર્યું. દિલીપના મહાન તપ બાદ પણ ગંગામૈયાએ દર્શન ન દીધા. દિલીપના સ્વર્ગવાસ બાદ તેના પુત્ર ભગીરથે અન્ન-જળનો ત્યાગ કરી ખૂબ કઠીન તપ કર્યું ત્યારે ગંગામૈયા પ્રસન્ન થયા. ગંગામૈયાએ પ્રસન્ન થઈ ભગીરથને કહ્યું, ‘હે ભગીરથ ! હું પૃથ્વી ઉપર અવતરણ કરીશ તો આ મારા ધસમસતા પ્રવાહથી પૃથ્વી તણખલાંની જેમ મારા પ્રવાહમાં તણાઈ જશે અથવા હું પાતાળમાં ઊતરી જઈશ. આ બંને સંજોગોમાં તારા પિતૃઓનો મોક્ષ તું મારા જળ દ્વારા નહીં કરી શકું. માટે, તું શિવજીને પ્રસન્ન કર. શિવજી મારો ધસમસતો જળપ્રવાહ પોતાની જટામાં સમાવી લેશે અને ત્યારબાદ હું પૃથ્વી ઉપર અવતરણ કરીશ.’

ગંગામૈયાનો આદેશ સાંભળી ભગીરથે મહાદેવજીનું તપ કર્યું. મહાદેવજી તો ભોળાદેવ છે, ખૂબ ઝડપથી પ્રસન્ન થનારા દેવ છે. ભગીરથના તપથી મહાદેવજી પ્રસન્ન થયા અને ભગીરથની વિનંતી સાંભળી તેમણે ગંગામૈયાને પોતાની જટામાં સમાવવાની સંમતી આપી. ગંગામૈયા ધસમસતા પોતાના પૂર્ણપ્રવાહથી મહાદેવજીની જટામાં અવતર્યા અને મહાદેવજીએ ગંગાને જટામાં ઝીલી લીધા. ગંગામૈયા મહાદેવજીની જટામાં સમાઈ ગયા પછી મહાદેવજીએ પોતાની જટાની એક લટ ખોલી અને બિંદુસરોવર રૂપે ગંગાજીને વહાવ્યા.

ગંગામૈયાનો શાસ્ત્રોક્ત મહિમા

• શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં કહ્યું છે કે, ‘નદીઓમાં હું ગંગા છું.’ પૂર્ણ પુરૂષોત્તમ નારાયણે ગંગામૈયાને એક પ્રકારે પોતાનું સ્વરૂપ કહ્યું છે. શ્રીહરિનું આ વિધાન ગંગામૈયાનો પુણ્યમહિમા વર્ણવવા માટે પર્યાપ્ત છે. ગંગામૈયાનું દર્શન એટલે સાક્ષાત પૂર્ણપુરૂષોત્તમ નારાયણના દર્શન જ સમજવા.
• આપણા શાસ્ત્રો, મહાન સંતો, મુનિઓ, વિદ્વાનો ત્યાં સુધી કહે છે કે, ગંગામૈયાની સૌથી મોટી ભેટ એ ભિષ્મ પિતામહ છે. શાંતનુ અને ગંગામૈયાનું આઠમુ સંતાન એ ભિષ્મ હતા. ભિષ્મએ કર્તવ્ય પથની રાહ સમસ્ત જનસમુદાયને સારી પેઠે શીખવી છે.
• ગંગાના તીરે અગણિત તિર્થ આવેલા છે. કહેવાય છે કે, જેટલા તિર્થ ગંગાકિનારે આવેલા છે તેટલા બીજી કોઈ નદિના કિનારે નથી આવેલા.
• નર્મદાને તરુણ નદિ કહેવામાં આવે છે. એટલે યુવાન વયે યોગીઓ નર્મદા નદિના તીરે જપ-તપ કરે પણ વૃદ્ધાવસ્થામાં તો ગંગાના તીરે જ વસવાટ કરે.
• પ્રયાગરાજ આગળ ગંગા-યમુના-સરસ્વતીનો ત્રિવેણી સંગમ રચાય છે. ગંગાનું નીર ધોળુ જ્યારે યમુનાનું શ્યામ છે. ગંગા અને યમુનાનું જ્યારે મિલન થાય છે ત્યારે યમુનાજીનું શ્યામ જળ પણ ગંગામૈયા સાથે મળી શ્વેત રંગનું થઈ જાય છે.
• ગંગામૈયાના જળમાં રોગનિવારણની ગજબની શક્તિ રહેલી છે. (1900માં જયપુરના મહારાજા વિલાયત ગયેલા ત્યારે ત્રણ-ચાર મહિના ચાલે તેટલું ગંગાનું જળ સાથે લઈ ગયા હતા)
• ગંગાનું જળ પણ સફેદ અને પથ્થર પણ સફેદ.
• કવિ કાલીદાસે રઘુવંશના તેરમા સર્ગમાં કહ્યું છે કે – રામે સીતાને કહ્યું, હે પ્રિયે, કાળા જળવાળી યમુનાથી સંગમ પામેલા આ ગંગા જાણે ભસ્મલેપન કરાયેલી શિવની શ્વેત કાયા કાળા સર્પના આભૂષણોથી યુક્ત હોય તેવી શોભે છે.
ગંગામાતા દ્વારા જનસમુદાયને પ્રાપ્ત થતો ઉપદેશ-
• દુષ્ટ તેમજ સંત બેઉ ગંગાનું પાણી પી શકે છે. કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વિના પ્રત્યેક મનુષ્યે સેવાકાર્યમાં સદાય તલ્લીન રહેવું જોઈએ. આપણો દેશ વિવિધ ભાષા, જાતિ અને ધર્મથી યુક્ત છે. સંપ-સુહૃદભાવ અને એકતા રાખી આપણે વ્યક્તિગત અને સાર્વત્રિકહિત જળવાય તે પ્રમાણે કાર્ય કરવું જોઈએ.
• અવિરત વહન કરે છે. એટલે કે, કર્તવ્યનિષ્ઠ છે.
• ગંગામૈયા નાના-મોટા ખડકોને પાર કરી. દુર્ગમ માર્ગમાંથી પસાર થઈ પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચે છે. આપણે પણ કાર્યમાં નાસીપાસ થયા વિના આપણા લક્ષને હાંસલ કરવું જોઈએ. ગંગામૈયા પતિત પાવન છે, સૌનો ઉદ્ધાર કરે છે અને ક્યારેય કોઈની પાસેથી કોઈ અપેક્ષા રાખતી નથી.
• તેના ધ્વનિમાં ક્યારેય ફરક નથી પડતો સદાય મર્મર ધ્વનિ સાથે ગંગા વહન કરે છે. આપણે જ્યારે સફળતા મેળવીએ, ઊચ્ચસ્થાન હાંસલ કરીએ કે સમાજમાં યશ-માન મેળવીએ ત્યારે આપણા અવાજમાં થોડું અભિમાન દાખલ થઈ જાય છે. અરે કેટલીક વખત આપણી ચાલમાં મદ છલકાતો હોય છે. જ્યારે ગંગામૈયા સદાય મર્મર એટલે કે કર્ણપ્રિય કલરવ સાથે સદાય કાર્યશીલ હોય છે. શું આપણે પણ આ પ્રમાણે નિરાભિમાન, નિષ્કામ અને નિષ્કપટ કાર્ય ન કરી શકીએ ?
બોલો… હર હર ગંગે….

  • અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) (મો) 7069998609 ઈમેલ- harisahitya@gmail.com

READ ALSO

Related posts

કે.સી.પટેલનું રિપોર્ટ કાર્ડ : મોદી લહેરમાં વિજયી બનેલા સાંસદે પોતાના વિસ્તારમાં શું કર્યું ?

Mayur

આ બેઠક પર કડવા પાટીદાર વચ્ચે જંગ વચ્ચે લોકસભામાં લોકો કોનું મોઢુ મીઠું કરાવશે

Alpesh karena

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi