GSTV
Astrology Life Trending

શ્રી ગણેશપૂજાથી વિઘ્ન કેમ અને કેવી રીતે નાબૂદ થાય ?

કાર્યનો પ્રારંભ કરીએ તે વેળાએ જ આપણા મનમાં કાર્યની સફળતાની ખેવના હોય છે. કાર્યમાં કોઈપણ પ્રકારનું મોટું વિઘ્ન ન આવે તેવી મનશા પણ સતત હોય છે. આપણા સતશાસ્ત્રમાં આ પ્રત્યેક બાબતોનો ઝીણવટભર્યો વિચાર કરવામાં આવ્યો છે. પણ, આપણે ઝીણવટભર્યો વિચાર કરતા નથી. ઈશ્વર આરાધનામાં સમય આપવો એ કદાચ સમયનો બગાડ ક્યારેય ન સમજવો. દા.ત. એક કાર્યનો આપણે પ્રારંભ કરીએ અને તે કાર્ય સફળ ન થાય, તેમાં વિઘ્નો આવે અને આપણું લક્ષ સિદ્ધ ન થાય. જે તે કાર્ય સંપૂર્ણ થવા માટે આપણે અઠવાડીયાનો સમય નિર્ધારીત કર્યો હોય અને તે કાર્ય છ મહિને પણ સિદ્ધ ન થાય. આ ઘટના જીવનમાં ઘણી વખત ઘટતી હોય છે. એક પ્રકારે આપણો સમય ખોટા આંટાફેરામાં જ બરબાદ થઈ જાય છે.

કાર્યનો પ્રારંભ કરતા પહેલા જો આપણે શ્રીગણેશજીની પૂજા-ઉપાસના કરીને કરીશું તો આપણે મિથ્યા સંઘર્ષનો સામનો નહીં કરવો પડે. આપણી માનસિક સ્વસ્થતા જોખમાશે નહીં અને નિયત સમયે કાર્ય સિદ્ધ થશે અને સફળતાનો સ્વાદ ચાખવા પણ મળશે. આજે પ્રથમ પૂજ્ય દેવ શ્રી ગણેશજી વિશે આપને શાસ્ત્રોક્ત મહિમા વર્ણવી રહ્યો છું.

•     ગણેશજીની જન્મકથા

શ્રીગણેશજીનો જન્મ ભાદરવા સુદ ચોથના પવિત્ર દિવસે થયો હતો. સ્કંદપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, લીંગપુરાણ, શિવપુરાણ, મુદગલ પુરાણ, ગણેશપુરાણ જેવા જુદા અનેક પુરાણમાં ગણેશજીની કથાપ્રસંગ જોવા મળે છે. એક કથા એવી છે- દેવતાઓએ જ્યારે દેવોને અસુરોથી રક્ષણ આપવાની વિનંતી કરી ત્યારે શિવજીએ ગણેશજીનું પ્રાગટ્ય કર્યું. બીજી કથામાં કહેવાયું છે કે, શિવજી તો સ્વયં અલગારી દેવ છે. તેઓ પોતાનો મોટાભાગનો સમય સમાધિમાં જ ગાળે છે. એક દિવસ પાર્વતીજીને એમ થયું કે હું ઘરમાં એકલી કંટાળી જઉં છું. જો, મારે સંતાન હોય તો મારો સમય વધુ આનંદમાં પસાર થાય. એક દિવસ પાર્વતી માતાએ પોતાના તપોબળથી પોતાના શરીરની રજમાં ગણેશજીનું નિર્માણ કર્યું હતું. આમ, ગણેશજી નાયક વિના પ્રગટ થયા હતા માટે, ગણેશજી ‘વિનાયક’ પણ કહેવાયા.

ગણેશજીનું પ્રગટ્ય થયું ત્યારબાદ એક દિવસ પાર્વતીજી સ્નાન કરવા બિરાજ્યા ત્યારે તેમણે ગણેશજીને દ્રારપાળ તરીકેની જવાબદારી સોંપી. ગણેશજી દ્વારપાળ તરીકે પહેરો આપતા હતા ત્યારે તે સમયે શિવજી પધાર્યા. શિવજી ઘણા સમય પછી સમાધિમાંથી પધારતા હતા. શિવજી જેવા ઘરની અંદર પ્રવેશવા ગયા તેવામાં જ ગણેશજીએ તેમને અટકાવ્યા. શિવજી અને ગણેશજી વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ દરમિયાન શિવજીએ ગણેશજીનો શિરચ્છેદ કર્યો. થોડા સમય બાદ પાર્વતીજી પધાર્યા અને આ ઘટના જોઈ પાર્વતી અત્યંત ક્રોધિત થયા અને સ્વર્ગલોક અને પૃથ્વીલોકને ખાક કરી નાંખે તેવો ક્રોધ કર્યો.

પાર્વતી પાસેથી આખીય બાબત સમજી શિવજીએ પોતાની ગણસેનાને આજ્ઞા કરી કે ઉત્તર દિશામાં જે જીવીત પ્રાણી મળે તેનું મસ્તક લઈ આવો. ગણસેના હાથીનું મસ્તક લઈ આવ્યા. શિવજીએ હાથીનું મસ્તક ગણેશજીના ધડ ઉપર સ્થાપિત કર્યું. વળી, શિવજીએ તેમને સમસ્ત ગણસેનાના ગણાધ્યક્ષ પણ બનાવ્યા.

•     ગણેશજી એકદંત કેમ કહેવાય છે ?

એક દિવસ પરશુરામ શિવજીના આશિર્વાદ મેળવવા કૈલાસ પર પધાર્યા. આ સમયે ગણેશજી કૈલાસના રક્ષણાર્થે પહેરો ભરતા હતા. ગણેશજીએ પરશુરામને કૈલાસમાં પ્રવેશતા અટકાવ્યા. પરશુરામ અત્યંત ક્રોધી સ્વભાવના હતા. પરશુરામને પોતાનું સ્વમાનભંગ લાગ્યું અને ગણેશજી અને પરશુરામ વચ્ચે યુદ્ધ થયું. પરશુરામે યુદ્ધ દરમિયાન પોતાના પરશુથી ગણેશજીનો દાંત તોડી નાંખ્યો. આ મહાભયંકર યુદ્ધનાદ સાંભળી શિવજી બહાર પધાર્યા. શિવજીએ પરશુરામને સંપૂર્ણ હકીકતથી વાકેફ કર્યા. ત્યારબાદ પરશુરામને પોતાના કર્મનો પારાવાર પસ્તાવો થયો. પરશુરામે પ્રસન્ન થઈ ગણેશજીને વરદાન આપ્યું કે તમે એકદંત કહેવાશો. જે મનુષ્ય ઓમ એકદંતાય નમઃ મંત્રનો જાપ કરશે તેના વિઘ્નો સર્વકાળ ટળશે.

•     ચંદ્રને શ્રીગણેશજી દ્વારા અપાયેલો શાપ અને તેનું નિવારણ

ગણેશજી પોતાના વાહન ઉંદર ઉપર મોદક લઈ જતા હતા. ગણેશજી તો દુંદાળા દેવ છે. ગણેશજી પૂર્ણગતિથી પસાર થતા હતા તેવામાં તેઓ ઉંદર પરથી તેઓ સરકી પડ્યા. શ્રીગણેશજીની આ ઘટના ચંદ્ર નિહાળતો હતો આ ઘટના જોઈ ચંદ્રએ અટ્ટહાસ્ય કરી ગણેશજીનું માનભંગ કર્યું. ગણેશજીએ ચંદ્રને શાપ આપ્યો તું ત્રિલોકમાં કોઈને દર્શનયોગ્ય નહીં રહે. ગણેશજીના શાપના કારણે ચંદ્રની કળા ઓસરવા લાગી. પ્રકૃતિનું સંતુલન ખોરવાયું. દેવતાઓએ ચંદ્રને શ્રીગણેશજીનું તપ કરવા માટે માર્ગદર્શન કર્યું. ચંદ્રએ ગણેશજીનું આકરું તપ કર્યું ત્યારે ગણેશજીએ પ્રસન્ન થઈ ચંદ્રને કહ્યું, ભાદરવા સુદ ચોથે ચંદ્ર દર્શન નિષેધ રહેશે પણ કૃષ્ણની ચોથે ચંદ્રદર્શન કરવાથી જ મારા વ્રતનું ફળ પ્રાપ્ત થશે.’ સામાન્યતઃ મહિનામાં બે ચોથ આવે છે સુદ ચોથ એ વિનાયકી ચોથ અને વદની ચોથ સંકષ્ટ ચોથ, વળી મંગળવારે આવતી ચોથ અંગારકી ચોથ કહેવાય છે.

•     ગણેશજીને ક્યા સ્તોત્ર-પૂજાથી પ્રસન્ન કરી શકાય ?

ગણેશઅથર્વશીર્ષ, સંકટનાશન ગણેશ સ્તોત્ર, ગણેશગીતા, દેવુ થઈ ગયું હોય તો ગણેશજીનું ઋણહરણ સ્તવન કરવાથી પણ ઋણમુક્તિ થાય છે. ગણેશગાયત્રી મંત્ર, સંતાન પ્રાપ્તિ માટે સંતાન ગણપતિ સ્તોત્ર, ગણેશચતુર્થીનો વ્રત કરી શકાય, ઓમ ગં ગણપતયે નમઃ નો મંત્રજાપ કરવાથી અનિષ્ટનો નાશ થાય છે. ઓમ શ્રી ગજમુખાય નમઃ મંત્રનો જાપ કરવાથી શારીરિક પીડાનું શમન થાય છે. ગણેશજીને લાલ રંગ પ્રિય છે. ગુલાબનું પુષ્પ અથવા જાસૂદનું પુષ્પ ગણેશજીને અર્પણ કરવાથી ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જો જમીન-મકાન વિષયક મુશ્કેલી હોય તો ગણેશજીનું વ્રત કરવાથી મુશ્કેલી નષ્ટ થાય છે.

–     અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) (મો) 706 999 8609

ઈતિ શુભમ્

Read Also

Related posts

દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ

GSTV Web Desk

શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો

Akib Chhipa

પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો

GSTV Web Desk
GSTV