સમગ્ર રાજ્યમાં આ વર્ષે ચોમાસાની મોસમનો પ્રારંભ વહેલો થઇ ગયો હોય તેમ જુન માસના પ્રથમ સપ્તાહથી જ વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ બુધવારે મોડીરાત્રીએ શહેર અને જિલ્લામાં મન મુકીને મેઘરાજાએ મહેર કરી હતી. દહેગામમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે માણસા અને પાટનગરમાં બે ઇંચ તો ગાંધીનગર તાલુકામાં એક ઇંચ તથા કલોલમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડી જતાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા.
ચોમાસાના પ્રારંભે જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
આમ ચોમાસાની મોસમના પ્રારંભે મેઘરાજાએ પણ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેમ વરસાદ પડયો હતો.દર વર્ષે ૧૫મી જુનથી ચોમાસાની મોસમનો વિધિવત રીતે પ્રારંભ થતો હોય છે. ત્યારે આ વર્ષે ચોમાસાની સિઝનનો વહેલો પ્રારંભ થયો હોય તેમ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જુન માસના પ્રથમ સપ્તાહથી બદલાયેલા વાતાવરણના પગલે વરસાદ શરૃ થયો છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે, હવામાનમાં થયેલાં ફેરફારના પગલે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. આમ આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર ઉપર પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી અનુભવવા મળી રહી છે અને વરસાદી ઝાપટાં પણ પડયા હતા. ત્યારે બુધવારે મોડીરાત્રીએ અચાનક જ વાતાવરણમાં પલટો આવતાં ઠંડાપવનો ફુંકાયા હતા અને વાદળો છવાયા બાદ વરસાદ શરૃ થયો હતો.

ભારે પવન સાથે ધોધમાર વરસાદ
આમ ભારે પવન સાથે ધોધમાર વરસાદ સમગ્ર જિલ્લામાં રાત્રીના સમયે ખાબકી જતાં ઠેકઠેકાણે પાણી ભરાઇ ગયા હતા. આમ અઢી કલાક સુધી અવિરત વરસાદ વરસી જતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. તો ઉકળાટ ભર્યા વાતાવરણનો સામનો કરી રહેલાં લોકોને વરસાદ વરસતાં રાહત મળી હતી. ગાંધીનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેમ સૌથી વધુ દહેગામ તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે માણસા અને ગાંધીનગર શહેરમાં બે-બે ઇંચ વરસાદ પડયો હતો.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા
તો બીજી તરફ ગાંધીનગર તાલુકામાં એક અને કલોલમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તો શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતાં પાણી ભરાતાં જમીન બેસી જવાની ઘટનાઓ પણ બની હતી. તો બીજી તરફ ગાંધીનગર શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી જતાં તંત્રની કામગીરીની પોલ ખોલી નાંખી હોય તેમ ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાઇ જવાથી ગટરો પણ બેસી ગઇ હતી. તો સમયાંતરે ગટરલાઇનનું સમારકામ કરવામાં નહીં આવતાં ઘણી જગ્યાએ ગટરોની કામગીરી માટે ખોદકામ કરાયા બાદ વરસાદ વરસી જતાં આખે આખી ગટર લાઇન બેસી ગઇ હતી.

પાર્કિંગમાં પાણી ભરાઇ જવાથી અનેક વાહનચાલકો હેરાન પરેશાન
તો બીજી તરફ સે-૧૬માં સર્વિસ રોડ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી પાર્કિંગમાં પાણી ભરાઇ જવાથી અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતાં. આમ દર વર્ષે આ સમસ્યા સર્જાવા જતાં તંત્ર દ્વારા તેનું યોગ્ય નિરાકરણ પણ લાવવામાં આવતું નથી. જ્યારે દહેગામ તાલુકામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ વરસતાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ જવાથી સ્થાનિક રહિશો પણ ત્રસ્ત થઇ ગયાં છે. આમ આગામી દિવસોમાં હજુ વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે ત્યારે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતાં ખેડૂતોમાં પણ ખુશાલી વ્યાપી છે.
Read Also
- પાનના આ નુસખા અજમાવો, પૈસાનો વરસાદ થવા લાગશે, વાંચો પાનના કેટલાક ઉપાય
- જો તમારો જન્મ ઓક્ટોબરમાં થયો હોય તો કંઈક આવી રીતે હોય છે તમારું વ્યક્તિત્વ
- Flower/ બિહારમાં મહિલાઓ કરી કહી છે ફૂલોની ખેતી, જોત જોતામાં તો વધી ગઈ ઈનકમ
- અમદાવાદ / ઝોન 5 DCP દ્વારા 122 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે રાખી NDPSની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ, 6ની ધરપકડ
- જાણો આજનું તા.03.06.2023 શનિવારનું રાશિફળ, આજનું નક્ષત્રઃ વિશાખા