ભૂતકાળ બની ગયેલી આ રમતો જોઈ મુખ પર સ્મિત અને બાળપણની યાદ આવી જશે તેની ગેરંટી

આધુનિક જીવનશૈલીના પ્રભાવના કારણે બાળકો એકલા રહેવા ટેવાઈ જાય છે. ધીરે ધીરે આ સ્થિતી તેમને પણ ગમવા લાગે છે. બાળકો રમત રમવા માટે પણ ફોન અને કોમ્યૂટરની મદદ લેવા લાગે છે. બાળકો માટે આજકાલ તો સ્માર્ટફોન જ તેમના ખાસ મિત્ર બની જાય છે. તેમના ખાસ મિત્ર કોઈ હોતા નથી અને તેમનો સ્વભાવ પણ ચિડીયો થઈ જાય છે. તેવામાં બાળકોને એકલતાથી દૂર કરવા અને જીવનનું સાચું મહત્વ સમજાવવા માટે જરૂરી છે કે તેમને વર્ષો પહેલા રમાતી રમતોથી અવગત કરાવવામાં આવે. આ રમતો તેમને જીવન જીવવાનું મહત્વ સમજાવે છે. કઈ કઈ છે આ વિસરાયેલી રમતો ચાલો જણાવીએ તમને.

દોરડા કુદવા

રમત રમતમાં શરીરને સ્વસ્થ રાખતી આ શ્રેષ્ઠ રમત છે. દોરડા કુદવાથી મેટાબોલિઝમ વધે છે. આ રમતમાં બે બાળકો સામસામે ઊભી અને દોરડું પકડે છે જ્યારે ત્રીજું બાળક વચ્ચે ઊભું રહી અને દોરડું કુદે છે. આ રમત રમતા બાળકો સ્વસ્થ પણ રહે છે અને તેમના મિત્રોની સંખ્યા પણ વધે છે.

સતોડિયું

આ રમતમાં બાળકો એક ઉપર એક એમ સાત પથ્થર રાખે છે. આ રમત બે ટીમ રમે છે, એક ટીમના સભ્યો પથ્થર ગોઠવે અને બીજી ટીમના સભ્યો તેને દડા વડે વેખરવા માટે પ્રયત્ન કરે. આ રમત બાળકોને ટીમવર્ક શીખવાડે છે.

પોષમ પા

પોષમ પા રમતમાં ગીત ગાતા બાળકો એક બીજાને પકડવા માટે દોડે છે. જે વ્યક્તિ પકડાઈ જાય તે આઉટ થઈ જાય છે. આ રમત રમી બાળક સમજી શકે છે કે જીવનમાં સાવધાનીપૂર્વક કેવી રીતે બચવું.

લખોટી

અનેક લોકોની પ્રિય રમત લખોટી રહી હશે. બાળકો લખોટીઓનો સંગ્રહ કરતાં હોય છે. આ રમત બાળપણમાં દરેક વ્યક્તિએ રમી હશે. આ રમતમાં જેનું નિશાન અચૂક હોય તે જીતી જાય છે. આ રમત બાળકોને એકાગ્રતા, બેલેન્સ વર્ક કરતા શીખવતી.

લંગડી

એક પગે દોડી અને કુદકા મારી અન્યને પકડવાની આ રમત પણ અનેક લોકો નાનપણમાં રમી ચુક્યા હશે. આ રમત બાળકોને ધીરજ રાખી આગળ વધવા માટે પ્રેરણા આપે છે. આ રમતના કારણે બાળકો મિત્ર બનાવતા પણ શિખે છે. દરેક સ્થિતીમાં સંતુલન જાળવી અને જીત મેળવવા માટે આ રમત યોગ્ય છે.

થપ્પો

થપ્પો કે છુપાછુપી શબ્દથી પ્રચલિત આ રમત બાળકોને પ્રિય હોય છે. બાળકો આ રમત રમી અને સ્ફૂર્તિવાન બને છે અને સાથે જ તેઓ સતર્ક રહે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter