પેટ્રોલ ડીઝલની કિંમતમાં કેન્દ્ર સરકારે ભલે અઢી રૂપિયાનો ઘટાડો કર્યો. પણ ત્યાર બાદ પણ ભાવ સ્થિર રહ્યા નથી. અને દરરોજ વધી રહ્યાં છે. આજે પ્રતિ લીટર પેટ્રોલમાં 23 પૈસા અને ડીઝલમાં 29 પૈસાનો વધારો ઝીંકાયો છે. ત્યારે દિલ્હીમાં પ્રતિ લીટર પેટ્રોલ 82 રૂપિયા અને મુંબઈમાં 87 રૂપિયા પાર થયું છે. દિલ્હીમાં પ્રતિ લીટર પેટ્રોલ રૂ.82.26 અને ડીઝલ 74.11 થયું છે જ્યારે મુંબઈમાં પેટ્રોલ 87.73 અને ડીઝલ 77.68 રૂપિયા પર પહોંચ્યું છે.
એક્સાઇઝ ડયુટીમાં થોડો ઘટાડો થયો હોવાથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પાંચ ઓક્ટોબરે મામુલી ઘટાડો થયો હતો. જોકે તે બાદ સતત ત્રીજા દિવસે પણ ભાવ વધારો થયો છે. સોમવારે ફરી પેટ્રોલમાં 14 પૈસા અને ડિઝલમાં 29 પૈસાનો વધારો થયો હતો. જેને પગલે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 81-82 રૂપિયાએ પહોંચી ગયો છે. જ્યારે ડિઝલ 73.53 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલ 87.29 રૂપિયા અને ડિઝલ પ્રતિ લિટર 77.06 રૂપિયા પહોંચી ગયું છે. જ્યારે ચેન્નઇમાં પેટ્રોલ 85.09 રૂપિયા વેચાઇ રહ્યું છે. આ પહેલા શનિવારે પેટ્રોલનો ભાવ 18 પૈસા અને રવિવારે 13 પૈસા વધ્યો હતો. પાંચ ઓક્ટોબર બાદ દરરોજ ફરી પાછો ભાવ વધારો થવા લાગ્યો છે.
બીજી તરફ કોંગ્રેસે ફરી આ મામલે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલે જણાવ્યું હતું કે મોદી સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવ મુદ્દે સતત જનતાને લુટી રહી છે અને આ રીતે લૂંટ ચલાવવી ભાજપની ડયુટી બની ગઇ છે. ચેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલમાં 53 પૈસા જ્યારે ડિઝલમાં 87 પૈસા વધી ગયા છે.
થોડા દિવસ પહેલા સરકારે પેટ્રોલ અને ડિઝલ પર જે એક્સાઇઝ ડયુટી ઘટાડી હતી તે માત્ર જુમલો જ હતો. અને હવે ફરી લુટ ચલાવવાનું શરૂ કરી દીધુ છે. કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલીએ એક્સાઇઝ ડયુટી 1.50 રૂપિયા ઘટાડી હતી. જોકે બીજી તરફ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ત્રણ દિવસથી વધારો થઇ રહ્યો છે જેથી આ એક્સાઇઝ ડયુટીમાં ઘટાડો માત્ર જુમલો હતો.
કોંગ્રેસે જણાવ્યું હતું કે જો ખરેખર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવો હોય તો તેને જીએસટી હેઠળ લાવવું જોઇએ. જોકે પ્રિયંકા ચતુર્વેદીને જ્યારે પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ શાસીત રાજ્યોમાં જ પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો વિરોધ થઇ રહ્યો છે. જોકે પ્રિયંકાએ જણાવ્યું હતું કે આવો કોઇ જ વિરોધ નથી થઇ રહ્યો છે. કોંગ્રેસ સંપૂર્ણપણે સમર્થનમાં છે. જોકે મોદી સરકાર ઇચ્છતી જ નથી કે પેટ્રોલ અને ડિઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે.