સમગ્ર દેશમાં શોકનું મોજુ ફેલાવનાર મોરબીનો ઝુલતા પૂલ માનવસર્જિત ઘોર લાપરવાહીથી તુટી પડતા ૧૩૫ના કમકમાટીભર્યા મોત નીપજ્યા અને અનેક ઘાયલ થયા હતા. તેમાં આ ઝુલતો પૂલ પોતાને ગમતી શરતોએ સુધરાઈ પાસેથી કબજો લેનાર અજંતા મેન્યુફેક્ચરીંગ પ્રા.લિ. (ઓરેવા ગુ્રપ)ના જયસુખ પટેલ સુધી હજુ પોલીસ પહોંચી નથી. ત્યારે આ કેસમાં ચોકીદાર, ગાર્ડ, કોન્ટ્રાક્ટર, કંપનીના કર્મચારી સહિત પકડાયેલા નવ આરોપીઓએ કરેલી જામીન અરજીની સુનાવણીમાં એફ.એસ.એલ.નો રિપોર્ટ રજૂ કરાયો તેમાં વધુ ગંભીર લાપરવાહીઓ સામે આવી છે. આવતીકાલે જામીન અરજીનો ચૂકાદો જાહેર થશે.

ઓરેવા ગ્રુપ જેના મેઈન્ટેનન્સ અને મેનેજમેન્ટ માટે સીધું જવાબદાર હતું તે ઝુલતા પૂલમાં આ રિપોર્ટ મૂજબ (૧) દુર્ઘટનાના દિવસે તા.૩૦-૧૦-૨૦૨૨ના ૩૧૬૫ ટિકીટ ઈસ્યુ કરી દેવાઈ હતી. પૂલની ક્ષમતા મહત્તમ ૧૦૦ લોકોની હતી અને એ વાત વર્ષોથી જાણીતી હતી. છતાં કાઉન્ટર પરથી પૈસા કમાઈ લેવા ટિકીટો ઈસ્યુ થતી ગઈ. (૨) આરોપીઓ પૈકી ત્રણ સિક્યુરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, દિલિપ ગોહિલ અને મુકેશ ચૌહાણને પૂલ પર અવરજવર મેઈન્ટેન કરવા કોઈ તાલીમ જ અપાઈ ન્હોતી (૩) બ્રિજનો કેબલ કાટ ખાઈ ગયો હતો અને આ કેબલ અને દોરડાના આધારે જ પૂલ ટક્યો હતો તે જાણવા છતાં દતે બદલવામાં નથી આવ્યા. તુટેલા એન્કર પણ રિપેર નથી કરાયા. (૪) પૂલ પર કોઈ સ્વીમર કે લાઈફ ગાર્ડ કે બોટ જેવી સલામતિની કોઈ વ્યવસ્થા ના હતી. (૫) ભીડ વધી જાય ત્યારે દરવાજો બંધ કરવાનો હોય તેના બદલે લોકોને પુલ પર જમા થવા દેવાયા હતા. સીસીટીવી કેમેરા મુકવા છતાં તેનું મોનીટરીંગ કરાયું ના હતું. (૬) ઝુલતો પૂલ જર્જરિત થવાથી જ બંધ થયો હતો અને તેના બોલ્ટ ખુલી ગયા હતા, રસ્સી,એન્કર તુટેલા હતા છતાં ઓરેવા કંપનીએ કરારમાં તેનું રિનોવેશન કર્યું નથી. (૭) જરૃરી ગ્રીસ કે ઓઈલીંગ પણ કરવામાં ન આવ્યું હતું અને સડેલો સામાન બદલાયો ના હતો.

ઉલ્લેખનીય છે કે ઝુલતા પૂલ સંભાળતી વખતે માર્ચ-૨૦૨૨માં સુધરાઈ સાથે થયેલા કરારમાં અજન્તા મેન્યુ.પ્રા.લિ. (ઓરેવા ગુ્રપ)ના જ હસ્તાક્ષર છે અને પૂલનું ઉદ્ધાટન ઓરેવાના માલિક જયસુખ પટેલે કર્યું હતું. આમ, પ્રાાૃથમિક જવાબદારી તેની બને છે તે પ્રાથમિક તારણ પૂલ તુટયો ત્યારે જ નીકળ્યું હતું છતાં પોલીસે એફ.આઈ.આર.માં કપનીનું પણ નામ નહીં લખીને આજ ૨૩ દિવસ પછી પણ જયસુખ પટેલને આઝાદ ફરવા દીધેલ છે. શા માટે અટક નથી કરાઈ તે અંગે મગનું નામ મરી પડાતું નથી.
બીજી તરફ આ દુર્ઘટનામાં મુખ્ય આરોપી ભાજપના નેતાઓના સંબંધી છે તેમ કહીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આક્ષેપો કર્યા છે. વડાપ્રધાને મોરબીની મુલાકાત લીધી પછી પણ કંપનીના કોઈ માલિક પકડાયા નથી કે ક્લીન ચીટ પણ જાહેર થઈ નથી. મૃત્યુ પામેલાના વારસોને નજીવી સહાય અપાઈ છે અને કોઈના ઘરનો મોભી, યુવાન ચાલ્યો જાય ત્યારે આ રકમ નજીવી છે તો બીજી તરફ આ દુર્ઘટનાના મુળ દોષિતોને થાબડભાણાની ફરિયાદો વચ્ચે હજુ ન્યાય પણ મળ્યો નથી.
READALSO
- Mumbai / મહારાષ્ટ્રમાં હિંદુવાદીઓના કાર્યક્રમોથી શિંદે ચિંતામાં, હિન્દુ સંગઠનો દ્વારા જંગી રેલી
- શું તમે બ્લૂ-ટી વિશે જાણો છો? સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ફાયદાકારક
- અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી
- મોટા સમાચાર / પેપરલીક કાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ