પ્રખર વક્તા અને દેશના સૌથી સફળ રાજનેતાઓ પૈકીના એક એવા અટલ બિહારી વાજપેયીએ અર્થવ્યવસ્થાના મોરચે પણ ફતેહ હાંસલ કરી હતી. વર્તમાન સમયમાં દેશની અર્થવ્યવસ્થા ઘણી જ મજબૂત હોય તે તેની પાછળ અટલ બિહારી વાજપેઈએ લીધેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ જવાબદાર છે. પા-પા પગલી ભરતી દેશની અર્થવ્યવસ્થા વાજપેઇના ક્યા નિર્ણયોથી હરળફાળ ભરવા લાગી આવો જોઇએ…
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇએ ફક્ત દેશના ટોચના ચાર મેટ્રે શહેરો જ નહીં પરંતુ દૂરના તેમજ અંતરિયાળ ગામડાઓને પણ રોડ-રસ્તાથી જોડવા માટે યોજનાઓ શરૂ કરી છે. જેમાં સ્વર્ણિમ ચતુર્ભુજ અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સૌથી મહત્વપૂર્ણ છે. સ્વર્ણિ ચતુર્ભુજ યોજનાએ ચેન્નઇ, કોલકાત્તા, દિલ્હી અને મુંબઇને હાઇવે નેટવર્ક સાથે જોડ્યા છે. તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાએ દેશના દૂરના તેમજ અંતરિયાળ વિસ્તારોમાં રહેલા ગામડાઓ સુધી રોડ-રસ્તાની પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવાનું કામ કર્યું છે. પરિણામે આ ગામડાઓ પણ શહેરો સાથે આસાનીથી જોડાઇ શક્યા છે.

વડાપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળ દરમ્યાન અટલ બિહારી વાજપેઇ નાણાકીય જવાબદારી અધિનિયમ લાવ્યા. જેના વડે દેશની રાજકોષીય ખાધ ઓછી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. વાજપેયી સરકારના આ નિર્ણયે પબ્લિક સેક્ટર સેવિંગ્સને પ્રોત્સાહન આપ્યું છે. જેના પરિણામે વર્ષ 2000માં જે સેવિંગ્સ જીડીપીના 0.8 ટકા હતી. તે 2005માં વધીને 2.3 ટકા થઇ ગઇ હતી.
દેશમાં સંચાર ક્રાંતિ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી
વાજપેયી સરકારે દેશમાં સંચાર ક્રાંતિ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વાજપેઇ સરકારે જ ટેલિકોમ કંપનીઓ માટે ફિક્સ્ડ લાયસન્સ ફી હટાવી રેવન્યુ શેરીંગની વ્યવસ્થા દાખલ કરી છે. આ દરમ્યાન ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલ અસ્તિત્વમાં આવી હતી. જેના વડે નીતિ નિર્ધારણ અને સેવાઓની જોગવાઇઓને અલગ-અલગ કરી હતી. આ સાથે જ ટેલિકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ અપેલેટ ટ્રિબ્યુનલની પણ રચના કરી હતી. આ ટ્રિબ્યુનલે ટેલિકોમ સેક્ટરની ફરિયાદોનું નિવારણ તાત્કાલિક કરવાની વ્યવસ્થા તૈયાર કરી હતી…
ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું
અટલ બિહારી વાજપેઇએ પોતાના કાર્યકાળ દરમ્યાન સરકારની દખલગીરી ઓછી કરવા માટે ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું… વાજપેઇ સરકારે આ માટે એક અલગ ડિસઇન્વેસ્ટમેન્ટ મંત્રાલય ઉભું કર્યું… હાલના નાણાપ્રધાન અરૂણ જેટલી સૌપ્રથમ ડિસઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર બન્યા હતા… આ દરમ્યાન ભારત એલ્યુમિનિયમ કંપની એટલે કે બાલ્કો… હિન્દુસ્તાન ઝિંક… ઇન્ડિયા પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમીટેડ તેમજ વીએસએનએલ ડિસઇન્વેસ્ટમેન્ટના સૌથી પ્રખ્યાત ઉદાહરણો હતા.
સૌથી સફળ સામાજિક અભિયાનો પૈકીનું એક હતું સર્વ શિક્ષા અભિયાન
વાજપેઈ સરકારના સૌથી સફળ સામાજિક અભિયાનો પૈકીનું એક હતું સર્વ શિક્ષા અભિયાન. જેના વડે સરકારે 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ આપવાની જોગવાઇ કરી હતી… આ યોજનાની સફળતા એ હતી કે 2001માં શરૂ થયેલી આ યોજનાના ફક્ત 4 વર્ષના ગાળામાં જ સ્કૂલથી દૂર રહેનારા બાળકોની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો થયો હતો.