તો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું લાંબી બિમારી બાદ ગુરૂવારે સાંજે નિધન થયું છે. દિલ્હી એઇમ્સ હોસ્પિટલે આ જાણકારી આપી છે. એઇમ્સ હોસ્પિટલે જણાવ્યું કે અનેક પ્રયત્નો કરવા છતાં આપણે તેમને ગુમાવી દીધા છે. અટલ બિહારી વાજપેયીએ ગુરૂવારે સાંજે 5.05 વાગે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. વાજપેયીને 11 જુન 2018ના રોજ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.. છેલ્લા 36 કલાકથી અટલજીની તબિયત અત્યંત નાજુક થઇ ગઇ હતી. તેમને એઇમ્સમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર સારવાર આપવામાં આવી રહી હતી. તેઓ કિડનીની નળીમાં ઇન્ફેકશન અને ડિમેંશિયની બિમારીથી પીડાઈ રહ્યા હતા.
- અટલજીના પાર્થિવ દેહને એઇમ્સ હોસ્પિટલથી તેમના કૃષ્ણ મેનન માર્ગ સ્થિત નિવાસ સ્થાને લઇ જવામાં આવ્યો
- શુક્રવાર સવાર સુધી અટલજીના નશ્વર દેહને અહીં આવાસ પર જ રાખવામાં આવશે
- દેહને શુક્રવાર સવારે 9 વાગે ભાજપ મુખ્યાલયમાં લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે
વાજપેયીના નિધન બાદ એઇમ્સ હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા હતો. ત્યારબાદ અટલજીના પાર્થિવ દેહને એઇમ્સ હોસ્પિટલથી તેમના કૃષ્ણ મેનન માર્ગ સ્થિત નિવાસ સ્થાને લઇ જવામાં આવ્યો છે. વાજપેયીના નિધન બાદ રાજઘાટના શાંતિવન વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળ તૈનાત છે. એસપીજીને પણ તૈનાત કરી દેવાઇ છે. શુક્રવાર સવાર સુધી અટલજીના નશ્વર દેહને અહીં આવાસ પર જ રાખવામાં આવશે. જે બાદ દેહને શુક્રવાર સવારે 9 વાગે ભાજપ મુખ્યાલયમાં લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. શુક્રવાર બપોરે દોઢ વાગે વાજપેયીની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. આ અંતિમ યાત્રા ભાજપ કાર્યાલયથી સ્મૃતિ સ્થળ સુધી નીકળશે..