આતંકીઓને તાલીમ આપવાની ઉસ્તાદની ભૂમિકા રહેલી પાકિસ્તાનની સેના પર પાડોશી દેશમાં જ સવાલો ઉભા કરવામાં આવ્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના ભૂતપૂર્વ સાંસદ સૈયદ નેહલ હાશમીએ કહ્યુ છે કે પાકિસ્તાની સેનાએ આજ સુધી પાકિસ્તાન માટે કંઈ કર્યું નથી. પાકિસ્તાની સેના કરતા નેતાઓ દ્વારા પાકિસ્તાન માટે વધુ કામ કરવામાં આવ્યું છે.
કરાંચીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા હાશમીએ કહ્યુ છે કે પાકિસ્તાની આઠ લાખની સેનાએ ક્યારેય એક ઈંચ પણ જમીન પ્રાપ્ત કરી નથી. પરંતુ રાજકીય પરિવેશને કારણે આખા પાકિસ્તાનની તસવીર બદલાઈ છે. પીએમએલ-એનના ભૂતપૂર્વ સાંસદે કહ્યુ છે કે પાકિસ્તાનની સેના પાસે માત્ર દેખાડો કરવા માટે જ પરમાણુ બોમ્બ છે. પરંતુ પાકિસ્તાની સેના એક ઈંચ પણ જમીન લાવી શકી નથી. પાકિસ્તાની સેના કંઈ કરી દેખાડે એવું અશક્ય છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ સાંસદનું ભાષણ પાકિસ્તાનની ઘણી ટેલિવિઝન ચેનલોએ પ્રસારીત કર્યું હતું. તેના પછી પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીએ ચેનલોને નોટિસો ફટકારી છે. મહત્વપૂર્ણ છે કે સૈયદ નેહલ હાશમીને પહેલા જ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પાર્ટી દ્વારા હાશ્મીને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમણે તેનો ઈન્કાર કર્યો હતો. જેને કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે તાજેતરમાં હાશ્મીના બફાટ બાદ તેની પહેલા જ હકાલપટ્ટી થઈ ચુકી હોવાનું જણાવીને પીએમએલ-એન દ્વારા કાર્યવાહીનો ઈન્કાર કરવામાં આવ્યો છે.