GSTV
Home » News » કોંગ્રેસના પીઢ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું હાર્ટએટેકથી અવસાન

કોંગ્રેસના પીઢ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું હાર્ટએટેકથી અવસાન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ત્રણ વખતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું શનિવારે બપોરે એક ખાનગી હોસ્પિટલમાં હૃદય રોગના હુમલા બાદ નિધન થયું હતું. 81 વર્ષનાં દીક્ષિતે ફોર્ટીસ એસ્કોર્ટ્સ હાર્ટ ઈન્સ્ટિટયૂટમાં બપોરે 3.55 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

 ફોર્ટીસ એસ્કોર્ટ હોસ્પિટલના નિવેદન મુજબ હૃદય રોગના હુમલાની ગંભીર સ્થિતિમાં શનિવારે સવારે તેમને હોસ્પિટલ લવાયા હતા. હોસ્પિટલના ચેરમેન ડો. અશોક શેઠના નેતૃત્વમાં ડોક્ટરોની ટીમે તાત્કાલિક સારવાર હાથ ધરી હતી. તેમની સ્થિતિ કામચલાઉ રીતે સ્થિર થઈ હતી, પરંતુ હૃદય રોગના વધુ એક હુમલાને પગલે શનિવારે બપોરે 3.55 વાગ્યે તેમનું નિધન થયું હતું.

દીક્ષિતે ગયા વર્ષે ફ્રાન્સમાં હાર્ટ સર્જરી કરાવી હતી. નવેમ્બર 2012માં તેમણે એન્જિયોપ્લાસ્ટિ કરાવી હતી અને કેટલાક સમય અગાઉ તેમણે ઈન્ફેક્શનની પણ સારવાર કરાવી હતી. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ફોર્ટીસમાં ડો. અશોક શેઠના નિરિક્ષણ હેઠળ સારવાર કરાવી રહ્યાં હતાં તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

કોંગ્રેસના દિલ્હી એકમે જણાવ્યું હતું કે તેમનો દેહ નિઝામુદ્દિન પૂર્વ ખાતે તેમના નિવાસસ્થાને લઈ જવાયો છે અને નિગમબોધ ઘાટ ખાતે રવિવારે બપોરે 2.00 વાગ્યે અંતિમ સંસ્કાર કરાશે. શીલા દીક્ષિત દિલ્હી કોંગ્રેસ પ્રમુખ હતા. તેમણે 1998થી 2013 સુધી 15 વર્ષ માટે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. એટલું જ નહીં તેઓ કેરળના રાજ્યપાલપદે પણ રહી ચૂક્યાં હતાં.

તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં તેઓ ઉત્તર-પૂર્વ દિલ્હી મતવિસ્તારમાંથી લડયાં હતાં, પરંતુ તેમનો પરાજય થયો હતો. જોકે, લોકસભાની ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં કોંગ્રેસે સાતમાંથી પાંચ બેઠકોમાં આપના નેતાઓને ત્રીજા સ્થાને ખસેડી દીધા હતા અને કોંગ્રેસના વોટશેરમાં પણ વધારો થયો હતો.

આ વર્ષે જાન્યુઆરીમાં અજય માકને સ્વાસ્થ્યના કારણોસર ખસી જતાં 80 વર્ષની વયે શીલા દીક્ષિત લોકસભા ચૂંટણી પહેલાં દિલ્હી પ્રમુખપદે નિમાયા હતા. તેમણે જૈફ વયે પણ લોકસભા ચૂંટણીમાં લડવા અને રાજધાનીમાં પક્ષને સજીવન કરવાનો પ્રયાસ કર્યો હતો. દીક્ષિત વર્ષ 1984માં સૌપ્રથમ વખત ઉત્તર પ્રદેશમાં કન્નૌજ લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નજીકના સાથી હતાં અને તેમની કેબિનેટમાં મંત્રીપદે પણ રહી ચૂક્યાં હતાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના નિધન બદલ શોક વ્યક્ત કર્યો હતો.

રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું કે દીક્ષિતને રાજધાની નવી દિલ્હીના પરિવર્તન માટે હંમેશા યાદ રખાશે. નાયડૂએ તેમને એક સારા વ્યવસ્થાપક ગણાવ્યા હતા. દીક્ષિતને શ્રદ્ધાંજલી આપતાં મોદીએ જણાવ્યું હતું કે તેમણે દિલ્હીના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મોદીએ ટ્વીટ કરી હતી કે શીલા દીક્ષિતજીના નિધનથી ખૂબ જ દુ:ખ થયું છે. તેઓ સન્માનનીય પ્રતિભા હતા અને દિલ્હીના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ સમાચારથી તેમનું હૃદય ભાંગી પડયું છે. તેમણે દીક્ષિતને કોંગ્રેસ પક્ષના પ્રિય પુત્રી ગણાવ્યા હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે દેશે કોંગ્રેસના એક સમર્પિત અને પ્રતિભાશાળી નેતા ગુમાવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે દીક્ષિતનું નિધન દિલ્હી માટે મોટી ખોટ સમાન છે. રાજધાનીના વિકાસમાં તેમના યોગદાનને હંમેશા યાદ રખાશે.

શીલા દીક્ષિત અકસ્માતે જ રાજકારણમાં પ્રવેશ્યાં હતા

શીલા દીક્ષિત દિલ્હી કોંગ્રેસના વર્તમાન પ્રમુખ હતા. તેમણે જાન્યુઆરીમાં રાજધાનીમાં પક્ષનું સુકાન સંભાળ્યું હતું. તેમને લગભગ 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રીપદે સેવા આપવા બદલ અને દિલ્હીના વિકાસમાં યોગદાન બદલ યાદ કરાશે. જોકે, યુપીએ-2ના સમયમાં દિલ્હીમાં સુશાસન છતાં કેન્દ્રની સરકારના ભ્રષ્ટાચારના પગલે તેમણે સત્તા ગુમાવવી પડી અને 2015માં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સફાયો કરી દીધો હતો. શીલા દીક્ષિતની રાજકીય કારકિર્દી લાંબી હોવા છતાં તેઓ અકસ્માતે જ આ ક્ષેત્રમાં આવ્યા હતા.

1. શીલા દીક્ષિતના સસરા ઉમાશંકર દીક્ષિત સ્વાતંત્ર્ય સેનાની હતા. પાછળથી ઈન્દિરા ગાંધીની સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી બન્યા. આ સમયે શીલાજી તેમને કામમાં મદદ કરતા હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી તેમની વહીવટી કુશળતાથી ખુશ થયા અને તેમણે મહિલાઓની સ્થિતિના મુદ્દે સંબોધન માટે યુનાઈટેડ નેશન્સના ડેલિગેટ તરીકે તેમની નિમણૂક કરી. અહીંથી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો.

2. તેઓ 1970ના દાયકાના પ્રારંભથી યંગ વીમેન્સ એસોસીએશનના અધ્યક્ષા રહ્યાં હતાં.

3. તેમણે લોકસભાની એસ્ટિમેટ્સ સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી હતી.

4. તેમણે 1984થી 1989 સુધી મહિલાઓની સ્થિતિ અંગે યુનાઈટેડ નેશન્સ કમિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

5. શીલા દીક્ષિત 1986થી 1989 સુધી કેન્દ્રીય મંત્રી હતા અને તેઓ પીએમઓમાં રાજ્યકક્ષાના મંત્રી અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી તરીકે બે પદ ધરાવતા હતા.

6. તેમણે 1990માં મહિલાઓ પર અત્યાચાર સામે ચળવળ ચલાવી હતી.

7. શીલા દીક્ષિત 1998માં દિલ્હીના મુખ્યમંત્રી બન્યા અને સતત 15 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી.

8. તેમણે વિધાનસભા ચૂંટણીમાં 1998 અને 2003માં ગોલે માર્કેટ વિધાનસભા મતવિસ્તાર તેમજ 2008માં નવી દિલ્હી મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

9. 2015માં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતી ત્યારે કોંગ્રેસ પક્ષનો કારમો પરાજય થયો હતો. શીલા દિક્ષિતે ડિસેમ્બર 2013માં દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપ્યું હતું.

10. મનમોહન સરકારમાં માર્ચ 2014માં તેમની કેરળના રાજ્યપાલ તરીકે નીમણૂક થઈ હતી, પરંતુ મોદી સરકાર આવતાં પાંચ મહિના બાદ તેમને રાજીનામુ આપવા ફરજ પડાઈ હતી.

READ ALSO

Related posts

જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયો ના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં

Nilesh Jethva

જેટલીને યાદ કરીને ગળગળા થયા અમિત શાહ: કહ્યું- મુશ્કેલ સમયમાં હંમેશા મારો સાથ આપ્યો

Riyaz Parmar

પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચ્યાં, ઉપરાષ્ટ્રપતિએ સાસંદ તરીકે શપથ લેવડાવ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!