વાહ રે રૂપાણી સરકાર, ચોરોને 650 કરોડની માફી અને ખેડૂતોને “ખો”

ગુજરાતમાં ખેડૂતોની હાલત બદ્થી બદ્તર થઈ ગઈ છે. ખેડૂતોને સમયસર ટેકાના ભાવ મળી રહ્યાં નથી બજારમાં પાકના ભાવ ટેકાથી પણ ઓછા છે. ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ પણ સારી નથી. ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સના અહેવાલ મુજબ ગુજરાતમાં વર્ષ 2014-15ની સરખામણીમાં વર્ષ 2016-17માં ટર્મ લૉનની ટકાવારીમાં 40 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2014-15માં આ ટર્મ લૉન 10,597 કરોડની હતી જે વધીને વર્ષ 2016-17માં 20,412 કરોડ રૂપિયા અપાઈ છે. દેવાની બાબતમાં દેશની જે સ્થિતિ છે એ જ સ્થિતિ ગુજરાતની છે તેમાં ખાસ કોઈ ફરક નથી. ગુજરાતમાં પણ ખેડૂતો દેવાદાર છે. જેઓ મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં દેવાં માફીની યોજના બાદ ગુજરાતનું દેવું માફ કરવા માટે તેઓ બુમરાણ પાડી રહ્યાં છે પણ નીતિન પટેલે આ બાબતે ગઈકાલે સ્પષ્ટ નનૈયો ભણી દીધો હતો અને વીજચોરો માટે આજે સરકારે 650 કરોડ રૂપિયા માફ કરી દીધા છે.

16.74 લાખ ખેડૂતોએ લીધી છે લોન

ગુજરાતના ખેડૂતોની વાસ્તવિકતા જોઈએ તો, દરેક ખેડૂતને ખેતીનું પાક લેવા માટે માસિક રૂપિયા ૨૨૫૦નો ખર્ચ કરવો પડે છે. એમાંથી તેમને માસિક રૂપિયા ૫૭૭૩ની ઉપજ થાય છે. એવી જ રીતે તેમને પશુપાલન માટે માસિક રૂપિયા ૨૩૯૯નો ખર્ચ કરવો પડે છે. તેની સામે તેમને પશુપાલનમાંથી માસિક રૂપિયા ૪૮૭૪ની આવક મળે છે. ગુજરાતમાં ખેતી ક્ષેત્રે સંકળાયેલા કુલ ખેડૂતો પૈકી ૪૨.૬ ટકા એટલે કે, ૧૬.૭૪ લાખ ખેડૂતોએ તેમના વિવિધ ખેતીના પાકો માટે જે તે સહકારી બેંકો કે મંડળીઓમાં કૃષિ વિષયક લોનો લીધેલી છે. આવા ખેડૂતોને માથે સરેરાશ ૩૮,૧૦૦નું દેવું છે. એક જાણકારી મુજબ ૧ હેકટરથી વધુ ખેતીની જમીન હોય તેવા ખેડૂતોને માથે સરેરાશ ૨૪,૭૦૦ રૂપિયાનું દેવું છે. એવી જ રીતે ૧થી ૨ હેકટર જમીન હોય તેવા ખેડૂતોના માથે ૩૧,૧૦૦ રૂપિયા, ૨થી ૪ હેકટર સુધી જમીન ધરાવનાર ખેડૂતને માથે ૮૨,૬૦૦ રૂપિયા, ૪થી ૧૦ હેકટર સુધી જમીન હોય તેવા ખેડૂતને માથે ૧.૧૪ લાખ રૂપિયાનું દેવું છે.

સરકારની નીતિઓ પણ જવાબદાર

આ અહેવાલ મુજબ ગુજરાતના ખેડૂતોએ 54,277 કરોડ રૂપિયાનું દેવું લીધેલું છે. આ દેવામાંથી 20,412 કરોડ રૂપિયાનું દેવું ટર્મ લૉન તરીકે લીધેલું છે. આ લૉન ટ્રેક્ટર સહિત ખેતીને લગતાં ઓજાર અને યંત્રો ખરીદવા માટે લધેલી છે. લૉનમાંથી 5.43 લાખ ખેડૂત પરિવારોએ ટર્મ લોન લીધી હતી. ગુજરાતના ખેડૂતોની આ સ્થિતિ માટે નિષ્ણાતોના મતે ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે. ખેડૂતો દેવાદાર બન્યા તેના માટે દુષ્કાળની સ્થિતિ સાથે સરકારની નીતિઓ પણ જવાબદાર હોવાનું નિષ્ણાતો માને છે.

વીજચોરોને સરકારે માફ કરી દીધા

જસદણ પેટા ચૂંટણી સમયે જ રાજ્ય સરકારે 650 કરોડના બાકી વિજ ચોરી બિલ માફ કરવાની મહત્વની જાહેરાત કરી છે.વીજ ચોરી મામલે વીજ કંપનીએ ગ્રાહકોને જે બિલ આપ્યા હતા. તે વીજ ચોરીના બિલ ન ભરવાની ઉર્જા પ્રધાને જાહેરાત કરી છે. રાજ્યના ગામડાના 6 લાખ 22 હજાર વિજ ગ્રાહકોના વીજ ચોરીના બિલ માફ થયા છે. 650 કરોડના વીજચોરીના જે બિલ બાકી છે. તેમાં ખેતી અને કોમર્સિયલ બિલનો પણ સમાવેશ થાય છે અને આ તમામ વીજ ચોરીના બિલ માફ કરી દેવાયા છે. આ સાથે જ પાંચસો રૂપિયા ભરીને નવું કનેકશન લઈ શકાશે તેવી પણ જાહેરાત કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter