તાજેતરમાં ચીનના રાજદૂત લુઓએ ચીન-ભારત-પાકિસ્તાનની ત્રિપક્ષીય સમિટના આયોજનનું સૂચન કર્યું હતું. તેના પર પ્રતિક્રિયા આપતા અમેરિકાએ જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રીજા પક્ષકારની જરૂરત નથી. મહત્વપૂર્ણ છે કે પોતાના રાજદૂતના નિવેદન સાથે ચીન પણ સંમત નથી. ચીનના વિદેશ મંત્રાલયે પોતાના રાજદૂતના નિવેદનથી અંતર બનાવવાનું જ મુનાસિબ માન્યું છે.
ભારત અને પાકિસ્તાનના સંબંધો પર ભારતમાં ચીનના રાજદૂત લુઓ ઝાઓહુઈના નિવેદન પર વિવાદ વધી રહ્યો છે. લુઓએ ચીન, ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સમિટના આયોજનની વાત કરી હતી. જો કે ચીને જ આવા સૂચનને ફગાવી દીધું હતું. હવે અમેરિકા દ્વારા ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીરના મામલા પર પ્રતિક્રિયા આવી છે.
ટ્રમ્પ વહીવટી તંત્રે કાશ્મીર વિવાદના ઉકેલમાં કોઈ ત્રીજા પક્ષકારની ભૂમિકાને નકારી છે. અમેરિકાએ એમ પણ જણાવ્યુ છે કે આ મામલે કોઈપણ ચર્ચાનું નિર્ધારણ ભારત અને પાકિસ્તાને જ કરવાનું છે. અમેરિકાના વિદેશ વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યુ છે કે કાશ્મીર પર વોશિંગ્ટનની નીતિમાં કોઈ પરિવર્તન થયું નથી. અમેરિકાનું માનવું છે કે કાશ્મીર પર કોઈપણ પ્રકારની ચર્ચાની ઝડપ, અવકાશ અને પ્રકૃતિનું નિર્ધારણ ભારત અને પાકિસ્તાને કરવાનું છે.
તાજેતરમાં એક કાર્યક્રમમાં લુઓએ કાશ્મીર મામલાનો સંદર્ભ ટાંકતા કહ્યુ હતુ કે ચીન-ભારત-પાકિસ્તાને ત્રિપક્ષીય સમિટનું આયોજન કરવું જોઈએ. ચીનના રાજદૂતનું નિવેદન હતુ કે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના પૂર્ણ સદસ્ય બન્યા છે. તેવામાં એસસીઓ ભારત અને પાકિસ્તાનને નજીક લાવવામાં મદદગાર બની શકે તેમ છે. ચીની રાજદૂતના નિવેદન પર ભારતીય વિદેશ મત્રાલયે આકરી પ્રતિક્રિયા આપીને કાશ્મીરને દ્વિપક્ષીય મામલો ગણાવીને સંબંધિત સૂચનને સોય ઝાટકીને ફગાવ્યું હતું.
ચીને પણ એસસીઓના બેનર હેઠળ ભારત, ચીન અને પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય સહયોગ સ્થાપિત કરવાના પોતાના જ રાજદૂતના નિવેદનથી અંતર જાળવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગને જ્યારે રાજદૂત લુઓના નિવેદન સંદર્ભે સવાલ કરવામાં આવ્યો, તો તેમણે જણાવ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાન ચીનના મિત્ર અને પાડોશી દેશો છે. તેમણે કહ્યુ છે કે ચીન પાકિસ્તાન અને ભારત સહીતના પોતાના તમામ પાડોશીઓની સાથે સંબંધ જાળવી રાખવા માંગે છે. જેથી આ ક્ષેત્રના સારા વિકાસ અને સ્થિરતા માટે તેમનો સહયોગ મજબૂત બની શકે.
આ પહેલા પણ લુઓનું એક નિવેદન ચીન માટે આફત બની ગયું હતું. લુઓએ મે-2017માં નવી દિલ્હીમાં યોજાયેલી એક બેઠકમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનું નામ બદલીને ભારતની ચિંતાઓને ધ્યાને લઈ શકાશે તેવું સૂચન કર્યુ હતું. બાદમાં પાકિસ્તાને વાંધો ઉઠાવ્યા બાદ લુઓની ટીપ્પણીને વેબસાઈટ પર મૂકવામાં આવેલી ટ્રાન્સસ્ક્રિપ્ટમાંથી હટાવવામાં આવી હતી.