દિલ્હી હાઈકોર્ટે INX મીડિયાના કેસમાં ભૂતપૂર્વ નાણાંપ્રધાન અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમની ધરપકડ પર 1 ઓગસ્ટ સુધી રોક લગાવી છે. દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમને EDની તપાસમાં સહયોગ કરવા અને મંજૂરી વગર દેશ નહીં છોડવાના નિર્દેશ પણ આપ્યા છે. EDએ ચિદમ્બરમની માગણીનો વિરોધ કરતા કહ્યું કે INX મીડિયા કેસમાં તેમના પુત્ર કાર્તિએ પોતાના પિતાની સંમતિ અને જાણકારી સાથે FIPB દ્વારા મંજૂરી પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. મહત્વપૂર્ણ છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી.ચિદમ્બરમે INX મીડિયા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં 23 જુલાઈએ આગોતરા જામીનની અરજી દાખલ કરી હતી. ચિદમ્બરમે તેમના વકીલ પ્રમોદકુમાર દુબે અને અર્શદીપ સિંહના માધ્યમથી અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે FIRમાં કોંગ્રેસના નેતાની કોઈ ભૂમિકા જણાવવામાં આવી નથી. તેમને ED દ્વારા ધરપકડ થવાની આશંકા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમને પહેલા જ CBI તરફથી થનારી ધરપકડમાં હાલ મુક્તિ મળેલી છે.