GSTV
Others Sports Trending

કેટી લેડેકીએ મહિલાઓની 800 મીટર ફ્રી સ્ટાઇલમાં પાંચમીવાર જીત્યો ગોલ્ડ, માઈકલ ફેલ્પ્સ અને કાટિન્કા હોસ્ઝુની કરી બરોબરી

અમેરિકાની ૨૫ વર્ષની દિગ્ગજ સ્વિમર કેટી લેડેકીએ સિદ્ધિનું વધુ એક શિખર સર કરતાં ફિના વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૮૦૦ મીટર ફ્રિસ્ટાઈલ ઈવેન્ટનો ગોલ્ડ રેકોર્ડ પાંચમીવખત જીતી લીધો હતો. લેડેકીએ આ સાથે તેણે કારકિર્દીનો ૧૯મો ગોલ્ડ જીતીને સૌથી વધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ જીતવામાં બીજું સ્થાન મેળવી લીધું હતુ. જ્યારે રાયન લોક્ટે (૧૮ ગોલ્ડ) ત્રીજા ક્રમે ફેંકાયો હતો. ટોચના સ્થાને માઈકલ ફેલ્પ્સ ૨૬ ગોલ્ડ સાથે  છે. લેડેકીની કારકિર્દીનો આ કુલ ૨૨મો વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ હતો.

લેડેકીએ ૮ મિનિટ ૮.૦૪ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે આ વર્લ્ડ ચેમ્પિયનશિપનો તેનો ચોથો મેડલ હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાની કિયાહ મેલ્વેર્ટન તેના કરતાં ૧૦.૭૩ સેકન્ડ પાછળ રહેતા સિલ્વર જીતી હતી. જ્યારે ઈટાલીની સિમોના ક્યુડારેલા (૮ઃ૧૯.૦૦)ને બ્રોન્ઝ મળ્યો હતો.

અમેરિકન સ્વિમર લેડેકીએ આ જીતની સાથે એક જ ઈવેન્ટમાં પાંચ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને લેજન્ડરી સ્વિમર માઈકલ ફેલ્પ્સ અને હંગેરીની મહિલા સ્વિમર કાટિન્કા હોસ્ઝુની બરોબરી કરી લીધી હતી. ફેલ્પ્સ ૨૦૦૧, ૨૦૦૩, ૨૦૦૭, ૨૦૦૯, ૨૦૧૧ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૨૦૦ મીટર બટરફ્લાય ઈવેન્ટ જીત્યો હતો. જ્યારે કાટિન્કા ૪૦૦ મીટર ઈન્ડિવિડયુઅલ મેડલેમાં ૨૦૦૯, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૧૯માં ગોલ્ડ જીતી હતી.

આ અગાઉ લેડેકીએ ૨૦૧૩ની બાર્સેલોના, ૨૦૧૫ની કઝાન, ૨૦૧૭ની બુડાપેસ્ટ, ૨૦૧૯ની ગ્વાંગઝૂ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ૮૦૦ મીટર ફ્રિસ્ટાઈલનો ગોલ્ડ જીત્યો હતો.

સ્વિડનની ૨૮ વર્ષની સારાહ સ્જોસ્ત્રોમે ૫૦ મીટર બટરફ્લાય ઈવેન્ટમાં સતત ચોથી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી અનોખો ઇતિહાસ રચી દીધો હતો. તેણે ૨૪.૯૫ સેકન્ડનો સમય આપ્યો હતો અને કારકિર્દીમાં ૧૩મી વખત ૨૫ સેકન્ડથી ઓછો સમય આપ્યો હતો. ૫૦ મીટર બટરફ્લાયના ઈતિહાસમાં સારાહને બાદ કરતાં અન્ય કોઈ મહિલા સ્વિમર ૨૫.૦૭ સેકન્ડથી ઓછો સમય આપી શકી નથી. ફ્રાન્સની મેલાની હેનિક (૨૫.૩૧ સેકન્ડ)ને સિલ્વર મળ્યો હતો. ૨૯ વર્ષની ફ્રેન્ચ સ્વિમરે ૨૦૧૧ (બ્રોન્ઝ) પછી પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. ચીનની ઝ્હાંગ યુફેઈને ૨૫.૩૨ સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

ક્રિસ્ટોફર મિલાકે બીજા ગોલ્ડ સાથે ફેલ્પ્સ-લે ક્લોસની બરોબરી કરી

હંગેરીના સ્વિમર ક્રિસ્ટોફર મિલાકે ઘરઆંગણાના પ્રેક્ષકોની સામે શાનદાર દેખાવ કરતાં બીજો ગોલ્ડ જીતી લીધો હતો. તેણે ૨૦૦ મીટર બાદ ૧૦૦ મીટર બટરફ્લાય ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. તેણે ૫૦.૧૪ સેકન્ડનો સમય આપ્યો હતો. આ સાથે મિલાકે અમેરિકાના માઈકલ ફેલ્પ્સ અને સાઉથ આફ્રિકાના ચાર લે ક્લોસની બરોબરી કરી હતી. આ ત્રણ સ્વિમરો જ એક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બટરફ્લાયમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ જીતી શક્યા છે. ફેલ્પ્સે ૨૦૦૭ અને ૨૦૧૧માં અને લે ક્લોસે ૨૦૧૩માં આવી સિદ્ધિ મેળવી હતી. જાપાનના નાઓકી મિઝુનુમા (૫૦.૯૪)ને સિલ્વર અને કેનેડાના જોશ લિન્ડો (૫૦.૯૭)ને બ્રોન્ઝ મળ્યો હતો.

કાયલી મેક્યુને ૦.૦૪ સેકન્ડથી ફિબી બેકનને હરાવી ગોલ્ડ મેળવ્યો

ઓસ્ટ્રેલિયાની કાયલી મેક્યુને ભારે રોમાંચક હરિફાઈ બાદ અમેરિકાની ફિબી બેકનને ૦.૦૪ સેકન્ડથી હરાવીને ૨૦૦ મીટર  બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીતી લીધો હતો. છેલ્લા ૧૫૦ મીટર બાકી હતા ત્યારે બેકન આગળ હતી. જોકે કાયલીએ જોરદાર કમબેક કરતાં ૨ મિનિટ અને ૦૫.૦૮ સેકન્ડ સાથે ગોલ્ડ મેળવ્યો હતો. જ્યારે બેકનને (૨ઃ૦૫.૧૨) સિલ્વરથી સંતોષ માનવો પડયો હતો. અમેરિકાની રાયન વ્હાઈટ (૨ઃ૦૬.૯૬) ત્રીજા ક્રમે રહી હતી.

ઓસ્ટ્રેલિયાને ૪ બાય ૧૦૦ ફ્રિસ્ટાઈલ મિક્સ રિલેમાં ટાઈટલ

ઓસ્ટ્રેલિયાએ ૪ બાય ૧૦૦ મીટર ફ્રિસ્ટાઈલ મિક્સ રિલેમાં ૩ઃ૧૯.૩૮ના સમય સાથે અમેરિકાનો વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેક કાર્ટરાઈટ, કાયલે ચાલ્મેર્સ,મેડિસન વિલ્સન અને મોલી ઓ’કેેલેહને અમેરિકાએ ૨૦૧૯માં નોંધાવેલા ૩ઃ૧૯.૪૦ વર્લ્ડ રેકોર્ડને તોડયો હતો. ૨૦૧૫થી શરૃ થયેલી આ ઈવેન્ટમાં આ પહેલી વખત અમેરિકા ગોલ્ડ જીતી શક્યું નહતુ. કેનેડાને (૩ઃ૨૦.૬૧) સિલ્વર અને અમેરિકાને (૩ઃ૨૧.૦૯) બ્રોન્ઝ મળ્યો હતો.

Related posts

અમદાવાદમાં પ્રોપર્ટીટેકસની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકાશે, 15 દિવસમાં થઇ જશે અરજીનો નિકાલ

Damini Patel

વધુ એક ફલાઇટમાં ખામી સર્જાઈ/ એલાર્મ વાગ્યા બાદ કોઈમ્બતુરમાં Go First ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, બધા મુસાફરો સુરક્ષિત

Binas Saiyed

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

GSTV Web Desk
GSTV