GSTV
Home » News » પદ્માવત રિલીઝ પહેલા અમદાવાદમાં પ્રચંડ વિરોધ, કરણી સેનાએ કેન્ડલ માર્ચ યોજી

પદ્માવત રિલીઝ પહેલા અમદાવાદમાં પ્રચંડ વિરોધ, કરણી સેનાએ કેન્ડલ માર્ચ યોજી

ગુજરાતમાં પદ્માવત ફિલ્મ આગામી 25 તારીખે રિલીઝ થવા જઇ રહી છે ત્યારે અમદાવાદમાં આ ફિલ્મને લઇને પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં રાજપૂત સેનાએ ઇન્કમ ટેક્સ સર્કલ ખાતે  સંજય લીલા ભણસાળી તેમજ ફિલ્મ પદ્માવતીના વિરોધમાં સુત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. તો અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજથી ફિલ્મ પદ્માવતના વિરોધમાં શરૂ થયેલી કેન્ડલ માર્ચમાં ગણતરીની મિનિટોમાં જ હિંસા પરિવર્તિત થઇ ગઇ. તો ઉશ્કેરાયેલા ટોળાંએ એસ.જી.હાઇવે પર એક બાઇકને સળગાવીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.

અમદાવાદ: ફિલ્મ પદ્માવતના વિરોધમાં કરણી સેનાની કેન્ડલ માર્ચ

અમદાવાદના ઇસ્કોન બ્રિજથી ફિલ્મ પદ્માવતના વિરોધમાં શરૂ થયેલી કેન્ડલ માર્ચ ગણતરીની મિનિટોમાં જ હિંસામાં પરિવર્તિત થઇ ગઇ. કરણી સેનાના મોટી સંખ્યામાં આવેલા કાર્યકરો જેમાં મહિલાઓ પણ સામેલ હતી. તેઓએ એસજી હાઇવે પર આવેલા સિનેમાઘરોને ટાર્ગેટ કર્યા હતા. જેમાં ઉગ્ર વિરોધ અને હોબાળાની સાથે ઇસ્કોન બ્રિજની સામે આવેલા મોટાભાગના શોરૂમમાં હલ્લાબોલ કર્યો હતો. તો તોફાની ટોળાએ અમુક શોરૂમમાં નુકસાન પણ પહોંચાડ્યુ હતું.

થોડો સમય માટે પરિસ્થિતી એટલી તંગ બની ગઇ હતી કે પોલીસ માટે પણ પરિસ્થિતીને કાબૂ કરવી પડકારજનક બની ગઇ હતી. મોટી સંખ્યામાં આવેલા રાજપૂત સમાજના લોકોએ ઇસ્કોન બ્રિજ નીચેનો ટ્રાફિક જામ કરી નાખ્યો હતો ત્યાં સુધી કે ત્યાં ચાલતી બીઆરટીએસ બસોને પણ અટકાવી દીધી હતી અને પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. ગણતરીની સંખ્યામાં હાજર પોલીસ જવાનો આ પરિસ્થિતીને કાબૂ કરી શકે તેવી પરિસ્થિતીમાં ન હતા. એસજી હાઇવે પર આવેલા થિયેટર્સ અને મોલ પર ટોળાએ એટલી હદે હોબાળો કર્યો કે ત્યાં હાજર લોકોમાં પણ થોડા સમય માટે ગભરાટનો માહોલ પ્રસરી ગયો હતો.

પદ્માવતના વિરોધમાં ઉશ્કેરાયેલા ટોળાંનો પથ્થરમારો

અમદાવાદના એસ.જી હાઇવે પર ફિલ્મ પદ્માવતિનો કેન્ડલ માર્ચથી શરૂ થયેલો વિરોધ જોતજોતામાં હિંસક બની ગયો. ઉશ્કેરાયેલા ટોળાએ એસ.જી.હાઇવે પર એક બાઇકને સળગાવીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. વિરોધ કરનાર લોકોએ થિયેટર સામે હોબાળો કર્યો. ત્યારબાદ કોઇ સામાન્ય માણસના સ્કૂટરને સળગાવીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. નોંધનીય છે કે, અમદાવાદના એસજી હાઇવે પરના થિયેટર્સમાં પોલીસ બંદોબસ્ત સાથે ફિલ્મ રિલિઝ થવાની તૈયારી થઇ હતી. પરંતુ હવે કરણી સેનાનો વિરોધ જોતાં ફિલ્મ રિલિઝ થશે કે કેમ તેને લઇને પ્રશ્નાર્થ સર્જાયા છે.

અમદાવાદના એસજી હાઇવે પર ફિલ્મ પદ્માવતના વિરોધમાં થયેલા હોબાળા બાદ ડ્રાઇવ ઇન રોડ પર હંગામો થયો હતો. જેમાં ડ્રાઇવ ઇન રોડ પર આવેલા હિમાલયા મોલ પર ફિલ્મ પદ્માવતનો વિરોધ કરવાની સાથે આગચંપી કરવામાં આવી હતી. જોકે બાદમાં પોલીસે પરિસ્થિતી થાળે પાડી હતી.

રાજકોટ: વિવિધ સમાજના આગેવાનોની મીટિંગ મળી

જોકે ચુસ્ત બંદોબસ્ત હોવાથી વિરોધ કરી રહેલા યુવાનોની પોલીસે અટકાયત કરી હતી. તો રાજકોટમાં પણ વિવિધ સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી. મિટિંગમાં જાહેર કરાયું હતું કે ફિલ્મને કોઈ પણ સંજોગોમાં રિલીઝ કરવા દેવામાં આવશે નહી. કરણી સેના, ગરાસિયા રાજપૂત સમાજ, કારડીયા રાજપૂત સમાજ તેમજ લોહાણા મહાજન સમાજ અને દાઉદી વ્હોરા સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામે એક સાથે ફિલ્મનો વિરોધ કર્યો હતો.

સુરત: થિયેટર માલિકોએ 25મી તારીખે ફિલ્મ રિલીઝ કરવાનો ઈનકાર કર્યો

તો જામનગરમાં પણ એક પણ સિનેમાઘરમાં પદ્માવત ફિલ્મ રિલિઝ ન કરવાનો થિયેટર સંચાલકોએ નિર્ણય કર્યો છે ત્યારે કરણી સેના દ્વારા લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામા આવી છે. સુરતમાં વિરોધને પગલે સુરતના પોલીસ કમિશનરે થિએટર માલિકો સામે મિટીંગ કરી હતી. આ મિટીંગમાં થિએટર માલિકોએ 25મી તારીખે પદ્માવત રિલીઝ કરવાનો ઇન્કાર કર્યો છે. જોકે, જે થીયેટર માલિકો ફિલ્મ રિલીઝ કરવા માંગતા હોય તેને પોલીસે પૂરતી સુરક્ષા આપવાની બાંહેધરી આપી છે. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને સુરક્ષા બાબતે જે નિર્દેશ આપ્યા છે તે પ્રમાણે સુરતમાં થિએટરની સુરક્ષાની તકેદારી જાળવવામાં આવશે.

Related posts

કારગીલમાં ફરજ બજાવતા ખેરાલુનો જવાન શહિદ, સીએમ રૂપાણીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

Riyaz Parmar

વાડી પોલીસ દ્વારા ફરિયાદમાં કાર્યવાહી ન કરતા કલેક્ટર કચેરીમાં પુજારીએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

Kaushik Bavishi

વરસાદ ન થવાથી કપાસ અને મગફળીનો પાક સુકાયો, ખેડૂતોએ યોજ્યુ મગફળીનું બેસણું

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!