રોનાલ્ડો અને મેસીને પછડાટ, અા વર્ષે ક્રોએશિયાના ખેલાડીઅે જીત્યો શ્રેષ્ઠ ફૂટબોલરનો અેવોર્ડ

ક્રોએશિયાને ફિફા વર્લ્ડ કપમાં ફાઈનલમાં પ્રવેશ અપાવવાની સાથે સાથે વર્ષ દરમિયાન સ્પેનિશ કલબ રિયલ મેડ્રીડ કલબ તરફથી સતત શાનદાર દેખાવ કરનારા લુકા મોડ્રીકને ફિફા વર્લ્ડ ફૂટબોલર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મોડ્રીકે દુનિયાના શ્રેષ્ઠ ફૂટબોલરના એવોર્ડની રેસમાં યુવેન્ટ્સમાં જોડાયેલા પોર્ટુગીઝ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને લીવરપૂરના ઈજીપ્તિશીયન ખેલાડી મોહમ્મદ સાલાહને પાછળ રાખીને આ એવોર્ડ જીત્યો હતો. ફિફા વર્લ્ડ પ્લેયર ઓફ ધ યરના એવોર્ડના ઈતિહાસમાં વર્ષ 2007 પછી પહેલી વખત રોનાલ્ડો કે મેસી સિવાયનો ખેલાડી આ એવોર્ડ જીતવામાં સફળ રહ્યો હતો. છેલ્લે 2007માં બ્રાઝિલીયન ફૂટબોલર કાકાએ આ એવોર્ડ જીત્યો હતો. જે પછી છેલ્લા 10 વર્ષથી રોનાલ્ડો કે મેસી જ આ એવોર્ડ જીતતા આવ્યા હતા. જોકે આ વખતે મેસી તો એવોર્ડના છેલ્લા ત્રણ હરિફોમાં પણ સ્થાન બનાવી શક્યો ન હતો. જ્યારે રોનાલ્ડો મોડ્રીક સાથેની રેસમાં હારી ગયો હતો, જેના કારણે તે એવોર્ડ સમારંભમાં પણ હાજર રહ્યો નહતો.

આ એવોર્ડના વિજેતાનો નિર્ણય દુનિયાભરના ફૂટબોલ ચાહકોની સાથે સાથે મીડિયા તેમજ દરેક દેશોના કોચીસ અને કેપ્ટન્સના વોટને આધારે થાય છે. મોડ્રીકની સફળતાને પગેલે રોનાલ્ડો સતત ત્રીજી વખત બેસ્ટ પ્લેયરનો એવોર્ડ ચૂકી ગયો હતો. લીવરપૂરના ઈજીપ્તિશીયન ફૂટબોલર મોહમ્મદ સાલાહને વર્ષનો શ્રેષ્ઠ ગોલ બદલ ફેરેન્ક પુસ્કાસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

બ્રાઝિલની મહિલા ખેલાડી માર્ટા કારકિર્દીમાં છઠ્ઠી વખત અને વર્ષ 2010 પછી પહેલી વખત વિશ્વની શ્રેષ્ઠ મહિલા ફૂટબોલર જાહેર થઈ હતી. 32 વર્ષની માર્ટા હાલમાં અમેરિકાની ઓર્લાન્ડો પ્રાઈડ ટીમ તરફથી રમી રહી છે. તેણે બેસ્ટ મહિલા ફૂટબોલરની રેસમાં ઓલિમ્પિકે લિયોનની એડા હેજેરબર્ગ અને ઝસેનિફર મારોઝ્સાનને હરાવી હતી.

વર્ષના શ્રેષ્ઠ ફૂટબોલ સુપરસ્ટાર્સ

બેસ્ટ પ્લેયર (મેલ) : લુકા મોડ્રીક (ક્રોએશિયા)

બેસ્ટ પ્લેયર (ફિમેલ) : માર્ટા (બ્રાઝિલ)

બેસ્ટ ગોલ (પુસ્કાસ એવોર્ડ) : મોહમ્મદ સાલાહ (ઈજીપ્ત)

બેસ્ટ મેન્સ કોચ : ડિડિયર ડેસ્ચેમ્પ્સ (ફ્રાન્સ)

બેસ્ટ ગોલકિપર : થિબાઉલ કોર્ટોઈસ (બેલ્જીયમ)

બેસ્ટ વિમેન્સ કોચ : રેયનાલ્ડ પેડ્રોસ (ફ્રાન્સ)

ફેર પ્લે એવોર્ડ : લેન્નાર્ટ થાઈ (જર્મની)

ફિફા ફેન એવોર્ડ : પેરુ

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter