GSTV
Home » News » સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને કરી ખેતી, નસીબના સહારે જે થયું તે જાણી દંગ રહી જશો

સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને કરી ખેતી, નસીબના સહારે જે થયું તે જાણી દંગ રહી જશો

ફળ તેમજ શાકભાજી પાકનું સેવન કરવામાં લોકો જાગૃત થયા છે.. ઔષધીય પાક ગણાતા ફ્રૂટનો પણ રોજિંદા આહારમાં ઉપયોગ વધી રહ્યો છે. સમતોલ આહાર માટે લોકો ફળફળાદીને પણ આગવું સ્થાન આપે છે. ઘણાં એવા ફળ છે જે સિઝન દરમિયાન મળતા હોય તો તેનું મૂલ્યવર્ધન પણ થઈ શકે છે. ઘણાં ફ્રૂટ સિજન દરમિયાન ખાવા મળતા હોય છે. પંચતારક હોટલોમાં સલાડ તરીકે વપરાતા ડ્રેગનફ્રૂટ હવે ઘર ઘરનું સભ્ય બની ગયું છે. મેલેરિયા, ડેન્ગ્યૂ જેવા તાવમાં ડ્રેગનફ્રૂટનું સેવન લાભદાયી બને છે. ખેડૂતોને પણ ઓછા ખર્ચમાં ડ્રેગનફ્રૂટની ખેતી ઊંચી માગને લીધે ઉત્તમ આવક અપાવી રહી છે. આજે આપણે કૃષિ વિશ્વમાં આવાજ પ્રગતિશીલ ખેડૂતોની ડ્રેગનફ્રૂટની વાડીની મુલાકાત કરીશું.

ખેતી માટે ખેડૂતો હંમેશાં સતત નવું કરવા પ્રયોગશીલ રહેતા હોય છે. ત્યારે ખેતીમાં નવી નવી બાબતોનું સાહસ કરવામાં ડભોઈ તાલુકાના હરમાનભાઈ દયાળભાઈ પટેલ અગ્રેસર બન્યાં છે. વડોદરા જિલ્લાના મોટા હબીપુરા ગામના આ ખેડૂત છેલ્લા ૩૫ વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે. તેઓએ ઓઈલપામની ખેતીમાં પણ હાથ અજમાવ્યો હતો. પરંતુ વાતાવરણ સાનુકૂળ ન રહ્યું. જે પછી હાલમાં તેઓએ ડ્રેગનફ્રૂટની ખેતીમાં સાહસ કર્યું છે.

હરમાનભાઈ પરંપરાગત રીતે છેલ્લા ૩૫ વર્ષથી કપાસ, દિવેલા, તુવેર જેવા પાકની ખેતી કરતા હતા. પરંતુ સોશ્યલ મીડિયામાં વિડિયો જોતા તેમણે કંઈક અલગ કરવાનું મન બનાવ્યું. અને ડ્રેગનફ્રૂટની ખેતી અપનાવી. હાલમાં તેમના ખેતરમાં ૬ વીઘામાં ડ્રેગનફ્રૂટનો પાક લહેરાઈ રહ્યો છે. શરૂઆતમાં ૧૦૦ થાંભલા પર ડ્રેગનફ્રૂટના રોપા લગાવી ખેતીની શરૃઆત કરી. અને આજે સારામાં સારી આવક મળી રહી છે.

ડ્રેગન ફ્રૂટના વાવેતર કરતા પૂર્વે હરમાનભાઈ ઘણી વાડીઓની મુલાકાત કરી આવ્યા હતા. ત્યાર પછી તેમની વાડીમાં આરસીસીના ૧૦૦ જેટલા થાંભલા લગાવી ડ્રેગનફ્રૂટના રોપા લગાવ્યા. તે પછી ધીમે ધીમે વધારો કરતાં આજે ૬ વીઘામાં કુલ ૨૦૮૦ પોલ પર ડ્રેગનફ્રૂટનું વાવેતર છે. જેમાં તેઓએ ૧૦ ફૂટ બાય ૮ ફૂટ અને ૧૨ ફૂટ બાય ૮નો ગાળો રાખીને વાવેતર કર્યું છે.  જેમ જેમ છોડનો ગ્રોથ વધે તેમ તેમ ઉત્પાદન વધશે. રોપાનો ગ્રોથ વધતાં આરસીસીના પોલ પર સીમેન્ટની રીંગ ગોઠવી છે. રીંગ સહિત આખો પોલ લગભગ ૬૦૦ રૂપિયાના નજીવા ખર્ચમાં તૈયાર કર્યો છે.

ડ્રેગન ફ્રૂટના રોપા લગાવ્યા પછી તેનો ગ્રોથ ચાલુ થઈ જાય છે. જેમ જેમ રોપો વધતો જાય તેમ તેમ રોપાને કપડાની પટ્ટી કે સુતળીથી બાંધી શકાય છે. જેમ જેમ રોપા વધે તેમ તેમ તેને બાંધતા રહેવા પડે છે. રોપામાં શરૂઆતમાં જે મુખ્ય શાખામાંથી પીલાં નીકળે તેને કાપીને દૂર કરવા પડે છે.  ૬ મહિના પછી રીંગ તૈયાર કરીને ગોઠવી દેવામાં આવે છે. રીંગમાંથી બધી ડાળીઓ પાસ કરી દેવાની હોય છે. દર બેથી ત્રણ મહિને રોપાની કટિંગ કરીને માવજત કરવી પડે છે. ડ્રેગનફ્રૂટમાં પાણીનું મેનેજમેન્ટ પણ સમયસર કરવું જરૂરી છે. ઉનાળામાં પાણી ઓછું પડે તો છોડનો ગ્રોથ અટકે છે. વધુ પાણી આપવાથી મૂળ વિસ્તારમાં ફંગસ પણ આવે છે.

ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યા પછી છોડની માવજત પાછળ વર્ષ દરમિયાન ૧ એકરમાંથી ૧૦થી ૧૫ હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે. પહેલા વર્ષે થાંભલા તથા રોપાની નવી ખરીદી હોય ખર્ચ વધુ આવે છે. તે પછીથી ફક્ત રોપ મેઈન્ટેનન્શ કરવા પાછળનો જ ખર્ચ આવે છે. ડ્રેગનફ્રૂટમાં છોડનો ગ્રોથ સારો રહ્યો હોય તો ૨થી ૫ કિલો ઉત્પાદન મળે છે. બીજા વર્ષે ૧૦ કિલો જેટલું ઉત્પાદન મળે અને તે પછીથી સતત છોડના ગ્રોથ મુજબ ઉત્પાદન ચાલુ થઈ જાય છે. ડ્રેગનફ્રૂટની શાખાઓ ઉપર પહેલા નાના ફળ ખીલે છે. જે ધીમે ધીમે મોટા થાય છે. ફળ સાથેનું ફૂલ સુકાય એટલે તેનું કટિંગ કરવામાં આવે છે.

હરમાન ભાઈ ડ્રેગનફ્રૂટનું ૧ નંગના ૭૦ રૂપિયા આસપાસ વેચાણ કરે છે. તો કિલોના તેઓને ૨૫૦ રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. ડ્રેગનફ્રૂટની ખેતીમાં સાવ નજીવા ખર્ચે તેઓને ઉત્તમ આવક ચાલુ થઈ ગઈ છે.  તેમણે ૬૦ રૂપિયાના ભાવે ડ્રેગનફ્રૂટના ૪૦૦ રોપા લાવી શરૂઆત કરી હતી. તે પછીથી તેઓએ જાતે જ તમામ રોપા તૈયાર કર્યા છે. હાલમાં તેઓ અન્ય ખેડૂતોને પણ રોપાઓ આપે છે. 

Read Also

Related posts

ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યા મામલે આવ્યો નવો વળાંક, ઘરનો વ્યક્તિ જ નિકળ્યો આરોપી

Nilesh Jethva

આ શહેરમાં એક શખ્સને મુસાફરી માટે વાહન ન મળ્યું તો, આ વસ્તુ ચોરી પહોંચી ગયો પોતાની મંઝીલ પર

Ankita Trada

કર્ણાટકનું કોકડું ફરી એક વાર ગૂંચવાયું, CM યેદિયુરપ્પાથી ભાજપના જ 25 ધારાસભ્યો નારાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!