ગુજરાતના ખેડૂતો માટે આવી ખુશખબર, રવી પાક માટે સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે. રાજય સરકારે ખેડૂતો માટે રવી સિઝનમાં 4 પાણ અાપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેને પગલે રવી સિઝનમાં ખેતી કરતા ખેડૂતોને સૌથી મોટો ફાયદો થશે. અા વર્ષે નર્મદામાં અોછા પાણી વચ્ચે સરકાર ઉનાળુ સિઝનમાં સિંચાઈ માટે પાણી અાપે તેવી શક્યતા ઘણી અોછી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, નર્મદા નદીમાં કેવડીયાથી ભરૂચના દરિયા સુધીના વિસ્તારમાં પાણીનો પ્રવાહ યથાવત રહે, નર્મદા કાંઠે વસતા લોકોને બારે મહિના નર્મદાના મીઠા નીર ઉપલબ્ધ થાય અને દરિયો આગળ વધતો અટકે એવા તમામ પર્યાવરણીય હેતુ માટે નર્મદા બંધ અને ગરુડેશ્વર વિયરમાંથી હેઠવાસમાં પાણી છોડવામાં આવે છે. આ માટે ગરુડેશ્વર વિયરની ઉપરવાસમાં એટલે કે સરદાર સરોવર બંધ અને વિયરની વચ્ચે સંગ્રહ કરાતું પાણી એ પાણીનો વેડફાટ નથી. પરંતુ પર્યાવરણીય જરૂરીયાત છે. 

રવિ સિંચાઈ માટે પાકોની જરુરીયાત મુજબ ચાર પાણી અપાશે

નર્મદાના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ ઓછો થયો હોવા છતાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં સમયસર નિર્ણયો લીધા છે અને 28મી ફેબ્રુઆરી સુધીમાં ખેડૂતોને રવિ સિંચાઈ માટે પાકોની જરુરીયાત મુજબ ચાર પાણી અપાશે. નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, નર્મદા કંટ્રોલ ઓથોરિટીના નિર્દેશ મુજબ બંધની હેઠવાસમાં પર્યાવરણીય જરુરિયાત સંતોષવા સતત 600 ક્યુસેક પાણી છોડવાનું હોય છે. જે અત્યાર સુધી પોન્ડ નં. 3 માંથી ગોડબોલે ગેટ દ્વારા છોડવામાં આવતું હતું. જે હવે ગરુડેશ્વર વિયરમાં પણ ગેઇટ લાગી જતાં તેના મારફતે હેઠવાસમાં છોડવામાં આવે છે. આ માટે ગરુડેશ્વર વિયરની ઉપરવાસમાં પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે, જે પાણીનો બગાડ નથી. નિર્ધારીત થયેલ 600 ક્યુસેક પાણી હેઠવાસમાં સતત છોડાઇ રહેલ છે.

ગુજરાતને ફાળે 6.83 મિલિયન એકર ફીટ પાણી આવવા સંભવ

સરકારના ખેડૂતલક્ષી અભિગમ વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે, સામાન્ય વર્ષે ગુજરાતને ફાળે આવતાં 9 મિલિયન એકર ફીટ પાણીના જથ્થાની સામે ચાલુ સાલે નર્મદાના સ્રાવ વિસ્તારમાં વરસાદ ઓછો થતાં ગુજરાતને ફાળે 6.83 મિલિયન એકર ફીટ પાણી આવવા સંભવ છે.  આમ, લગભગ 25% ઓછું પાણી મળેલ હોવા છતાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં સમયસર યોગ્ય નિર્ણયો લઈ ખરીફ ઋતુમાં ટેકાની સિંચાઇ માટે ‌‌આશરે 1.75 મિલિયન એકર ફીટ પાણી આપેલ છે. તેમજ ચાલુ રવિ ઋતુમાં પણ સરકારે સમયસર જાહેરાત કરી તે પ્રમાણે 12 નવેમ્બરથી દરરોજ 18 થી 20 હજાર ક્યુસેક પાણી આપવામાં આવે છે જે અત્યાર સુધીમાં 1.15 મિલિયન એકર ફીટ જેટલો જથ્થો થાય છે. અગાઉથી જાહેરાત કર્યા મુજબ તા. 28 ફેબ્રુઆરી સુધી રવિ સિંચાઇ માટે પાકોની જરૂરિયાત મુજબ કુલ લગભગ ચાર પાણ આપવામાં આવશે. 

60,169 કિલોમીટર લંબાઇનું નહેર માળખુ પૂર્ણ

નહેર માળખાનાં કામો હજુ બાકી હોવા અંગે જણાવતાં નીતિનભાઈ પટેલે કહ્યું કે, નહેર માળખાની કૂલ અંદાજીત 71,000 કિલોમીટર લંબાઇ સામે વાસ્તવિક પરિસ્થિતિ જોતાં લગભગ 68,000 કિલોમીટર થવા સંભવ છે. આ પૈકી નવેમ્બર 2018 ના અંત સુધીમાં 60,169 કિલોમીટર લંબાઇનું નહેર માળખુ પૂર્ણ થયેલ છે એટલે કે 88% કામો પૂર્ણ થયા છે.  છેલ્લાં ચાર વર્ષોમાં આશરે 34,000 કિલોમીટર લંબાઇના કામો પૂર્ણ થયા છે. હવે બાકી રહેતા કામો મુખ્યત્વે નાની વહન ક્ષમત્તા વાળી સબ માઈનોર નહેરોનાં છે એટલે એ દિશામાં પણ સંતોષકારક કામગીરી થઈ રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter