અણઘડ આયોજનનું શ્રેષ્ઠ ઉદાહરણ, મગફળી વેચ્યાને 6 દિવસ થઇ ગયા પણ ખેડૂતોના પૈસા ક્યા ?

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કર્યા બાદ સરકાર સતત એક પછી એક વિવાદોમાં સપડાઇ રહી છે. ત્યારે બનાસકાંઠાના ખેડૂતો પણ સરકારના અણઘડ આયોજનનો ભોગ બન્યા છે. જિલ્લાના 10 હજારથી વધુ ખેડૂતોએ તેમની મગફળી વેચ્યાને 6 દિવસ જેટલો સમય થઇ ગયો છે. તેમ છતાં હજુ સુધી પૈસા ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

બનાસકાંઠામાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત બાદ જિલ્લાભરના 10 હજાર કરતા વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જે બાદ સરકારે મગફળીની ખરીદી શરૂ કરી હતી. પરંતુ ખરીદી શરૂ કર્યાને 6 દિવસ પસાર થઇ ગયા હોવા છતાં ખેડૂતોને તેમના પૈસા હજુ સુધી નથી મળ્યા.

પરિણામે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મગફળીના વળતર માટે ખેડૂતો દરરોજ ડીસા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ પર પહોંચી રહ્યા છે. પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. આ ઉપરાંત ખરીદ કેન્દ્રો પર મગફળી વેચવા માટે આવતા ખેડૂતોની મગફળી સારી ગુણવત્તાવાળી હોવા છતાં તેને રિજેક્ટ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોને તેમની ઉપજના નાણાં ન મળતા જિલ્લા કિસાન સંઘના પ્રમુખે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ચિમકી ઉચ્ચારી હતી કે જો ખેડૂતોને પાકના યોગ્ય ભાવ નહીં મળે અને સમયસર મગફળી ખરીદીના નાણાં નહીં ચૂકવાય તો સરકાર વિરૂદ્ધ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ગત વર્ષે મગફળીની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. અને આ મામલે રાજ્ય સરકારની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. ત્યારે આ વર્ષે પણ અણઘડ આયોજનને કારણે મગફળીની ખરીદીમાં સરકારની મુશ્કેલી વધી શકે છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter