GSTV

મોદી સરકાર હવે ખેડૂતોના મામલે ભરાઈ : સંસદના આ બિલો સરકારની વધારશે મુશ્કેલીઓ, અકાલીએ સાથ છોડ્યો

મોદી

ખેડૂતોએ સરકારની નીતિઓના વિરોધમાં અવારનવાર સડકો પર ઉતરી આવવું પડે એ ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં સારો સંકેત ન ગણી શકાય પરંતુ ખેડૂતોએ વ્યાપક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને અનેક વખત માગણી કરવા છતાં સરકાર તેમની સમસ્યા ઉકેલી શકી નથી.

દેશભરના ખેડૂતોએ સરકાર વિરુદ્ધ શરૂ કર્યા આંદોલનો

છેલ્લા બે અઠવાડિયાથી દેશના જુદાં જુદાં રાજ્યોમાં ખેડૂતો ફરી પાછા સરકાર સામે આંદોલને ચડયાં છે. કોરોનાની પરવા કર્યા વિના પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં ખેડૂતો આંદોલન માટે એકઠા થયાં હતાં. ખેડૂતોની નારાજગી કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલા ત્રણ કૃષિ બિલ અંગે છે. અગાઉ પાંચ જૂને સરકારે ત્રણ વટહુકમ લાવી હતી અને હવે સંસદના મોનસૂન સત્રમાં સરકારે બિલ તરીકે રજૂ કર્યાં છે.

અગાઉ વટહુકમ જાહેર કરતી વખતે સરકારે કહ્યું હતું કે એ ખેડૂતોના હિતમાં છે. સરકારનો દાવો છે કે આ બિલ દ્વારા ખેડૂતો પર લાગેલા બંધનો દૂર થશે અને તેમને ખેતપેદાશોની વધારે સારી કિંમત મેળવવામાં સરળતા રહેશે. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ વટહુકમો માર્કેટની વર્તમાન વ્યવસ્થા અંતર્ગત તેમને જે સંરક્ષણ હાંસલ છે એ સમાપ્ત કરી દેશે. સરકારે રજૂ કરેલા ત્રણ બિલમાંથી પહેલુ બિલ ખેડૂતોને માર્કેટ સિવાય પણ કૃષિપેદાશો વેચવાની પરવાનગી આપે છે. બીજા બિલમાં આવશ્યક વસ્તુઓની યાદીમાં સુધારો કરીને અનાજ, દાળ, તેલ જેવા ઉત્પાદનોને ગમે તેટલી માત્રામાં ખરીદવાની અને સંગ્રહ કરવાની છૂટ આપે છે. ત્રીજા બિલમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો રસ્તો ખોલવામાં આવ્યો છે.

રૂપાણી સરકાર

અમેરિકા બાદ ભારત પાસે દુનિયાની સૌથી વધારે ખેતીલાયક જમીન

ખેડૂતોએ સરકારની નીતિઓના વિરોધમાં અવારનવાર સડકો પર ઉતરી આવવું પડે એ ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં સારો સંકેત ન ગણી શકાય. આખી દુનિયામાં ભારત જ એક માત્ર દેશ છે જ્યાં ખેડૂતને જગતના તાતનું બિરુદ મળ્યું છે. પરંતુ ખેડૂતોને ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં જ વ્યાપક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે જમીન ઉપર પાક લેવાનો છે એ જમીન જ ખેડૂતોની સૌથી મોટી સમસ્યા છે. વર્ષ ૨૦૧૫ના વર્લ્ડ બેંકના એક રિપોર્ટ અનુસાર ભારતની આશરે ૬૦.૩ ટકા ભૂમિ ખેતીલાયક છે. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા રચવામાં આવેલા ટ્રસ્ટ ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશનનો રિપોર્ટ પણ કહે છે કે અમેરિકા બાદ ભારત પાસે દુનિયાની સૌથી વધારે ખેતીલાયક જમીન છે.

એવામાં સવાલ થવો વાજબી છે કે શા માટે ખેતીલાયક જમીન હોવા છતાં પણ દેશનો ખેડૂત ન તો ઉત્પાદન વધારી શકે છે કે ન તો નફો કમાઇ શકે છે. છેલ્લા કેટલાંક દાયકાથી સરેરાશ ખેતીલાયક જમીનનો વિસ્તાર પણ ઘટી રહ્યો છે. વર્ષ ૨૦૧૨-૧૩ના કૃષિ રિપોર્ટ અનુસાર દેશમાં નાના ખેતરોની સંખ્યા કુલ ખેતરોના ૮૫ ટકા જેટલી છે. પરંતુ આવા ખેતરોનું કુલ ક્ષેત્રફળ માત્ર ૪૪ ટકા જેટલું જ છે. મતલબ કે દેશમાં કેટલાંક ખેડૂતો શ્રીમંત છે તો કેટલાંક ભૂમિવિહોણા છે. આ માટે જાણકારો દેશના વારસાના કાયદાને જવાબદાર માને છે. આ કાયદા અનુસાર પિતાની સંપત્તિ સંતાનોમાં બરાબરીના ધોરણે વહેંચી દેવામાં આવે છે. જેના કારણે જમીનના નાના નાના ટુકડા થતાં રહે છે. જમીનના આવા નાના ટુકડા ઉપર થતી ખેતીના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે.

બીજ બન્યા ખેડૂતો માટે મોટી મુશ્કેલી

ખેડૂતોની બીજી સમસ્યા છે બીજની. સારા ઉત્પાદન માટે સારી ગુણવત્તાના બીજની જરૃર રહે છે. પરંતુ ભારે કિંમતોના કારણે સારી ક્વૉલિટીના બીજ સીમાંત અને નાના ખેડૂતોની પહોંચની બહાર જ રહે છે. આ સમસ્યાને ઉકેલવા માટે કૃષિ મંત્રાલયે ૧૯૬૩માં રાષ્ટ્રીય બીજ નિગમની સ્થાપના કરી, એ સાથે જ ૧૩ રાજ્યોમાં બીજ નિગમ સ્થાપવામાં આવ્યાં કે જેથી ખેડૂતોની જરૃરિયાત પૂરી થઇ શકે. પરંતુ આજે પણ ખેડૂતોએ સારી ક્વૉલિટીના બીજ મેળવવા માટે ભટકવું પડે છે. ત્રીજી સમસ્યા છે કમ્પોસ્ટ, ફર્ટિલાઇઝર અને કીટનાશકોની ઉપલબ્ધતા. દેશમાં છેલ્લા કેટલાંય દાયકાથી ખેતી થતી આવી છે જેના કારણે જમીનનું મોટું ક્ષેત્ર પોતાની ફળદ્રુપતા ગુમાવી રહ્યું છે. એ પરિસ્થિતિમાં પાકની ગુણવત્તા જાળવી રાખવા માટે ખાતર અને ફર્ટિલાઇઝરના ઉપયોગનો વિકલ્પ જ બચે છે. પાકને કીટકોથી બચાવવા માટે કીટનાશકોનો ઉપયોગ પણ અનિવાર્ય બની ગયો છે. આ વધી રહેલી જરૃરિયાતોના કારણે ખેડૂતોને મળતા નફામાં ઘટાડો થયો છે. કેટલીક વખત ફળદ્રુપ જમીન ઉપર પણ હવા અને પાણીના વહેણના કારણે માટીનું ક્ષારણ થાય છે જેના કારણે ભૂમિ પોતાની ફળદ્રુપતા ગુમાવી બેસે છે અને તેની અસર પણ ઉત્પાદન ઉપર પડે છે.

કૃષિક્ષેત્રમાં યંત્રોનો ઉપયોગ વધી રહ્યો છે પરંતુ હજુ પણ અનેક વિસ્તારો એવા છે જ્યાં ઘણું ખરું કામ ખેડૂતો અને ખેતમજૂરો હાથ વડે કરે છે. આવા લોકો ખેતીવાડીમાં પારંપરિક ઉપાયો પ્રયોજતાં હોય છે. ખાસ કરીને આવા મામલા નાના અને સીમાંત ખેડૂતોમાં વધારે જોવા મળે છે. આની સીધી અસર પણ ખેતઉત્પાદનોની ગુણવત્તા અને ખર્ચ ઉપર પડે છે. દેશના અનેક ગ્રામીણ વિસ્તારોમાં અનાજનો સંગ્રહ કરવાની સુવિધાઓની કમી છે જેના કારણે ખેડૂતો ઉપર વહેલામાં વહેલી તકે ખેતપેદાશોનો સોદો કરવાનું દબાણ રહે છે અને કેટલીયે વખત ખેડૂતો નજીવા દામે ખેતપેદાશોનો સોદો કરી લેતા હોય છે. સંગ્રહ સુવિધાઓને લઇને કોર્ટે અનેક વખત કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફટકાર પણ લગાવી છે પરંતુ જમીનીસ્તરે પરિસ્થિતિ હજુ સુધરી નથી.

ખેડૂતો ઓછી કિંમતે ખેતપેદાશો વેચવા મજબૂર

ભારતીય કૃષિના વિકાસમાં મોટો અવરોધ સારી પરિવહન વ્યવસ્થાના અભાવનો પણ છે. આજે પણ દેશના અનેક ગામ અને કેન્દ્ર એવાં છે જે બજારો અને શહેરો સાથે જોડાયેલાં નથી. અનેક સડકો એવી છે જે અમુક મોસમમાં ખસ્તાહાલ બની જાય છે. એવામાં ખેડૂતો સ્થાનિક બજારોમાં જ ઓછી કિંમતે ખેતપેદાશો વેચી દેતાં હોય છે. આ સમસ્યાને નિવારવા માટે મોટી ધનરાશિ ઉપરાંત મજબૂત રાજકીય પ્રતિબદ્ધતા પણ જરૃરી છે.

આ તમામ સમસ્યાઓ ઉપરાંત પાક ઉપર મળતું ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) પણ ખેડૂતો માટે મોટી સમસ્યા બની રહ્યું છે. સરકારે ટેકાના ભાવ જાહેર કરી દે છે પરંતુ આ ભાવનો લાભ કેટલા ખેડૂતોને મળે એ મોટો સવાલ છે. એક અનુમાન પ્રમાણે માત્ર દસ ટકા ખેડૂતો જ ટેકાના ભાવે પોતાની ખેતપેદાશો વેચી શકે છે. જ્યારે ૯૦ ટકા ખેડૂતોને બજારમાં બેઠેલા વચેટિયાઓને ખેતપેદાશો નજીવા દામે વેચી દેવી પડે છે. કેન્દ્ર સરકાર ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય તો જાહેર કરી દે છે પરંતુ તેની વ્યવસ્થા રાજ્ય સરકારો કરતી હોય છે.

ખેડૂતોની મજબૂરી હોય છે તેઓ બજારમાં મૂકેલી તેમની ખેતપેદાશોની કિંમત તાત્કાલિક વસુલી શકે કારણ કે પાક તૈયાર થવામાં લાંબી રાહ જોવાની રહે છે અને પાક તૈયાર થાય ત્યાં સુધી ખેડૂતોની હાલત જર્જર થઇ ગઇ હોય છે અને તેમનો તમામ દારોમદાર પાકની કિંમત ઉપર જ આધાર રાખે છે. આ દરમિયાન ખેડૂતો દેવા કરીને પણ પરિવારનો ગુજારો કરવા માટે મજબૂર બની જાય છે. નાના અને સીમાંત ખેડૂતો જ્યારે તેમની પરસેવો પાડીને ઉપજાવેલી ખેતપેદાશો બજારમાં લઇ જાય છે ત્યારે તેના ખિસ્સા સાવ ખાલી હોય છે અને તેમને નાણાની તાતી જરૃરિયાત હોય છે. ખેડૂતોની આ મજબૂરીનો તગડો લાભ વેપારીઓ ઉઠાવે છે અને ખેતપેદાશોનો બધો નફો ખાઇ જાય છે.

રૂપાણી સરકાર

આ કારણે ખેડૂતોની હાલત બની કફોડી

આજે ખેડૂતોને લોન આપવા માટે ઘણી સરકારી સંસ્થાઓ આગળ આવી છે પરંતુ ઓછું ભણેલાં કે અભણ ખેડૂતો માટે લોન મેળવવાની પ્રક્રિયા સરળ નથી. જેના પરિણામે ઘણાં ખેડૂતો આજે પણ બેંકો પાસેથી લોન લેવાના બદલે શાહુકારો અને મહાજનો પાસેથી નાણાં ઉધાર લે છે. ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા આ લોકો ખેડૂતો પાસે વાર્ષિક ૨૪થી ૬૦ ટકા જેટલું વ્યાજ વસૂલે છે. કેટલાંય અભ્યાસમાં બહાર આવ્યું છે કે આવા દેવા જ આગળ જતાં ખેડૂતોની આત્મહત્યાના કારણ બને છે. ખેતી દ્વારા બે વખતની રોટી કમાવા માટે ખેડૂતોને નાના રોકાણની જરૃર હોય છે પરંતુ કૃષિપ્રધાન દેશ હોવા છતાં ખેડૂતોની આર્થિક જરૃરિયાતોને પૂરી કરવા માટે વ્યવસ્થિત તંત્ર વિકસી શક્યું નથી. આમ, ખેડૂતોની બજાર સુધીની મર્યાદિત પહોંચ, વચેટિયાઓની ભૂમિકા, અપૂરતી અન્નસંગ્રહ ક્ષમતા અને મૂડીની કમી જેવા પરિબળોએ ખેડૂતોની હાલત ઓર દયનીય કરી દીધી છે.

કૃષિક્ષેત્રમાં યંત્રોનો ઉપયોગ વધી રહ્યો છે પરંતુ હજુ પણ અનેક વિસ્તારો એવા છે જ્યાં ઘણું ખરું કામ ખેડૂતો અને ખેતમજૂરો હાથ વડે કરે છે. આવા લોકો ખેતીવાડીમાં પારંપરિક ઉપાયો પ્રયોજતાં હોય છે. ખાસ કરીને આવા મામલા નાના અને સીમાંત ખેડૂતોમાં વધારે જોવા મળે છે. આની સીધી અસર પણ ખેતઉત્પાદનોની ગુણવત્તા અને ખર્ચ ઉપર પડે છે. દેશના અનેક ગ્રામીણ વિસ્તારોમાં અનાજનો સંગ્રહ કરવાની સુવિધાઓની કમી છે જેના કારણે ખેડૂતો ઉપર વહેલામાં વહેલી તકે ખેતપેદાશોનો સોદો કરવાનું દબાણ રહે છે અને કેટલીયે વખત ખેડૂતો નજીવા દામે ખેતપેદાશોનો સોદો કરી લેતા હોય છે. સંગ્રહ સુવિધાઓને લઇને કોર્ટે અનેક વખત કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફટકાર પણ લગાવી છે પરંતુ જમીનીસ્તરે પરિસ્થિતિ હજુ સુધરી નથી.

આઝાદીના ૭૦ વર્ષોમાં ખેડૂતો માટે વિટંબણા કહી શકાય એવી બાબત એ રહી છે કે તેઓ કદી એક સ્વરે અવાજ ઉઠાવી નથી શક્યાં. જુદાં જુદાં પ્રદેશો, ખેતપેદાશો, વર્ગ અને જાતિના આધારે ખેડૂતો અલગ અલગ અવાજ ઉઠાવતા રહ્યાં છે. જેના કારણે ખેડૂતોનો અવાજ સત્તાધીશોના કાન સુધી પહોંચ્યો જ નથી. સરકારે ખેડૂતોનો વિચાર કરીને કૃષિક્ષેત્રમાં સંશોધનના ઉપાયો પ્રયોજવા જોઇએ. તો વિપક્ષે પણ ખેડૂતોના હિતમાં જ પોતાની ભૂમિકા નક્કી કરવી જોઇએ. ખેડૂતો અને કૃષિક્ષેત્રને મજબૂત કરવાની પ્રાથમિકતા હોવી જોઇએ કારણ કે એમાં જ ભારત વસે છે.

Read Also

Related posts

ગુજરાતમાં કોરોનાએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ: 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ, ડરાવનારો છે આંકડો

Bansari

સરદહ તણાવ / ભારતની ચીનને ખુલ્લી ચેતવણી, જરૂર પડશે તો ફાયરીંગ પણ કરીશું

Mansi Patel

જીએસટી વળતરના રૂપિયા મોદી સરકારે બીજે વાપરી દીધા, કોરોનાનું બહાનું કાઢતી સરકારની ખૂલી પોલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!