ખેડૂતો માટે ખુશખબર, મોદી સરકાર આપી શકે છે દર મહિને 500થી વધારે રૂપિયા

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ સંકેત આપતા જણાવ્યું હતું કે નાના ખેડૂતોને કેશ ડોલ તરીકે રૂપિયા ૫૦૦ કરતાં પણ વધુ મળી શકે છે. સરકારના આવકના સ્ત્રોત વધશે તેમ તેમાં વધારો થશે અને રાજ્યો પોતાની આવક પ્રમાણે વધુ રકમ આપી શકશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ૧૭ રૂપિયા એ ખેડૂતનું અપમાન નિવેદનનો જવાબ આપતાં જેટલીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાને પુખ્ત થવાની જરૂર છે. તેઓ કોલેજની ચૂંટણી નહીં પણ રાષ્ટ્રીય ચૂંટણી લડવાના છે. ૧૨ કરોડ ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયા ઉપરાંત સરકારની મફત આરોગ્ય સેવા, મફત સેનિટેશન, વીજળી, ગેસ કનેકશન વિગેરેમાં ઘણી સહાયની યોજનાઓ છે. આ પ્રથમ વર્ષ છે કે જેમાં ખેડૂતોની આવકની ગેરંટી શરૂ થઈ છે.

જમીન વિહોણા ૧૫ કરોડ ખેડૂતોને આ યોજનામાંથી બાકાત રખાયા છે તેમના માટે મનરેગા છે. કોંગ્રેસ દાવો કરે છે કે યુપીએ સરકારે ખેડૂતોના ૭૦,૦૦૦ કરોડના દેવા માફ કરેલા પરંતુ ખરેખર ૫૨,૦૦૦ જ હતા અને બધા જ પૈસા વેપારી અને ઉદ્યોગપતિને મળેલા.  ન્યુયોર્ક ખાતે સારવાર લઈ રહેલા અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે ખેડૂતોની સમસ્યા દૂર કરવી તેમની જવાબદારી છે. સરકારે ૭૫૦૦૦ કરોડથી શરૂઆત કરી છે. ઘણાં રાજ્યોએ તેમાં વધારો કર્યો છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસના શાસિત રાજ્યોમાં તેની પહેલ કરી સહકાર આપવો જોઈએ.

પી. ચિદમ્બરમે કરેલી ટીકાનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે આ બજેટ ‘એકાઉન્ટ ફોરવોર્ટ’ હોય કે ‘વોટ ઓન એકાઉન્ટ’ હોય તેમાં કોઈ ફરક પડતો નથી પણ ચિંતા એ વાતની છે કે પૈસા ખાનગી એકાઉન્ટમાં ન જવા જોઈએ. પોતાની સરકાર કરતાં અગાઉની સરકાર વધુ લાંબા સમય માટે સત્તામાં હતી છતાં તેમણે કાંઈ જ કર્યું નહોતું. ગ્રામ્ય અને શહેરી વિકાસ ભારતની મોટી સમસ્યા છે. સરકારે બંને તરફ સમગ્રપણે જોવું જોઈએ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter