ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેડૂતો કરી રહ્યા છે આંદોલન અને સરકાર કયા ખોવાઈ

મોરબીના ખાખરેચી-ખીરઈ ગામના ખેડૂતો પાણીના મુદ્દે રોષે ભરાયા છે. અને ૪ ડિસેમ્બર સુધીમાં સિંચાઈનો પ્રશ્ન ન ઉકેલાય તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. સરકારે ખેડૂતોને 90 દિવસ સુધી કેનાલ મારફતે પાણી આપશે એવી જાહેરાત કરી પણ ખોટી પડતા ખેડૂતો પરેશાન થઇ રહ્યાં છે. ખેડૂતો લાંબા સમયથી આંદોલન ચલાવે છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. ત્યારે 4 ડિસેમ્બર સુધી ખીરઈ સુધી પાણી નહિ મળે તો માળીયા મામલતદાર કચેરીએ ખેડૂતો આત્મવિલોપન કરશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.

કાંકરેજ તાલુકાના ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા છે. તાલુકાના ખેડૂતો મામલતદારની કચેરીએ પહોંચીને તેમને ઘાસચારા બાબતે આવેદન આપ્યું છે. રાજયમાં ઓછા વરસાદને લીધે પીવાના તથા સિંચાઇના પાણી સાથે ખેડૂતોને તેમના સંતાન સમાન પશુઓ માટે ઘાસચારાની પણ તંગી વર્તાઇ રહી છે. પશુપાલકોને ઘાસ ન મળતા તેમની કફોડી સ્થિતિ થઇ ગઇ છે આથી પશુઓ માટે સત્વરે ઘાસ વિતરણ માટેની યોગ્ય વ્યવસ્થા કરવા ખેડૂતોએ આવેદન દ્વારા માગ કરી.

મોરબીના હળવદમાં ખેડૂતોએ પાણી આપવાની માગ સાથે હલ્લાબોલ કર્યો. હળવદની મામલતદાર કચેરીએ પાંચ ગામના ખેડૂતો એકઠા થયા હતા. જ્યા ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર પાઠવી સિંચાઈ માટે પાણી આપવા ઉગ્ર માગ કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે, સિંચાઈ વિભાગ દ્વારા પાણી આપવામાં આવતું નથી. સિંચાઈ વિભાગની કચેરીએ રજૂઆત કરવા જઈ એ તો ત્યાં તાળા મારેલા હોય છે. જેથી પાણી અંગે રજૂઆત કરવી તો કોને કરવી. ખેડૂતોની માંગ છે કે, સરકાર દ્વારા ટુંક સમયમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવે.

જામનગરના ખીજડીયા ગામે સરપંચોનું સંમેલન આયોજીત કરાયું. આ સંમલનમાં જામનગર તાલુકાના લગભગ 100 જેટલા ગામના સરપંચોએ પોતાની હાજરી નોંધાવી. સરપંચોના આ સંમેલનમાં વરસાદ ઓછો પડવાથી ઉભી થયેલી પાણીની અછતને કારણે જામનગર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની કરી માંગ કરાઇ. આ સાથે તાલુકામાં પાકવીમા માટે વીમા કંપની દ્વારા જે ક્રોપ કટીંગ કરવામા આવ્યું છે તે અન્યાયી હોવા સહિત પાક વીમા બાબતે પણ સરપંચો દ્વારા રજૂઆત કરવામા આવી. આ ઉપરાંત જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત સ્તરે કનડતા વિવિધ પ્રશ્નોની સરપંચોએ બેઠકમાં ચર્ચા કરી હતી.

જૂનાગઢના માણાવદરમાં ખેડૂતોને ટપક સિંચાઈ યોજનામાં મળતી સબસિડીમાં ઘટાડો કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોએ પુરેપુરી સબસિડી મળે તેવી માગ સાથે માણાવદરના મામલતદારને આવેદન પત્ર પાઠવ્યુ હતું. ખેડૂતોનું કહેવું છે કે, ટપક સિંચાઈ યોજનામાં મળતી સબસિડી 70 ટકાથી ઘટાડી 33 ટકા કરવામાં આવી છે. જેથી દુકાળની પરિસ્થિતિમાં સરકારે ખેડૂતોને પડતા પર પાટુ માર્યુ છે. ખેડૂતોની માગ છે કે, સરકાર દ્વારા વહેલી તકે પટક સિંચાઈ યોજનામાં મળતી સબસિડી શરૂ કરવામાં આવે નહીતો ઉગ્ર આંગોલન કરવામાં આવશે.

અમરેલી જિલ્લામાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી છે. લાઠીના કાચરડી ગામે ખેડૂતે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. 39 વર્ષના કમલેશભાઇ બાવચંદભાઇ વસાણી નામના ખેડૂતે મેથળી ગામ નજીક રેલવે ટ્રેક પર માલગાડી નીચે કૂદીને પોતાના જીવનનો અંત આણ્યો. પરિવારજનોએ આ મામલે દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે કમલેશભાઇ ખેતીમાં પાક નિષ્ફળ જવાના કારણે અંતિમ પગલુ ભર્યું છે. પરંતુ પોલીસે મૃતક ખેડૂતને માનસિક રીતે અસ્થિર હોવાની આશંકા વ્યક્ત કરતા મૃતકના પરિવારમાં રોષ ફેલાયો છે.

બનસાકાંઠાના સુઈગામ તાલુકાના ત્રણ ગામના ખેડૂતોએ સિંચાઈ માટે આપણી આપવા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું. શિયાળુ પાક માટે પાણી ન મળવાના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. જેથી ખેડૂતો સતત પાણીની માગ કરી રહ્યા છે. ત્યારે બે દિવસમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter