મોદી સાહેબ જગતના તાતને આ છે મુશ્કેલીઓ, જરા આ લિસ્ટ પર નજર કરજો

ભારતમાં ખેડૂતો વરસાદ આધારિત ખેતી પર નિર્ભર રહે છે. ત્યારે તેમને પાકની વાવણીથી લઇને પાકના વેચાણ સુધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખેડૂત દ્વારા લેવામાં આવતા પાકનો મુખ્ય આધારા સારા બીજ પર રહેલો છે. ત્યારે પાકના સારા બીજ માટે પણ ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સારી ક્વૉલિટીના બીજ

ખેતરમાં પાક માટેના બીજ પણ ખેડૂતોની એક સમસ્યા છે. સારા ઉત્પાદન માટે સારી ગુણવત્તાના બીજની જરૂર રહે છે. પરંતુ ભારે કિંમતોના કારણે સારી ક્વૉલિટીના બીજ સીમાંત અને નાના ખેડૂતોની પહોંચની બહાર જ રહે છે. આ સમસ્યાને ઉકેલવા માટે કૃષિ મંત્રાલયે ૧૯૬૩માં રાષ્ટ્રીય બીજ નિગમની સ્થાપના કરી, એ સાથે જ ૧૩ રાજ્યોમાં બીજ નિગમ સ્થાપવામાં આવ્યાં કે જેથી ખેડૂતોની જરૂરિયાત પૂરી થઇ શકે. પરંતુ આજે પણ ખેડૂતોએ સારી ક્વૉલિટીના બીજ મેળવવા માટે ભટકવું પડે છે.

કમ્પોસ્ટ, ફર્ટિલાઇઝર અને કીટનાશકોની ઉપલબ્ધતા

અન્ય એક સમસ્યા છે કમ્પોસ્ટ, ફર્ટિલાઇઝર અને કીટનાશકોની ઉપલબ્ધતા. દેશમાં છેલ્લા કેટલાંય દાયકાથી ખેતી થતી આવી છે જેના કારણે જમીનનું મોટું ક્ષેત્ર પોતાની ફળદ્રુપતા ગુમાવી રહ્યું છે. એ પરિસ્થિતિમાં પાકની ગુણવત્તા જાળવી રાખવા માટે ખાતર અને ફર્ટિલાઇઝરના ઉપયોગનો વિકલ્પ જ બચે છે. પાકને કીટકોથી બચાવવા માટે કીટનાશકોનો ઉપયોગ પણ અનિવાર્ય બની ગયો છે. આ વધી રહેલી જરૂરિયાતોના કારણે ખેડૂતોને મળતા નફામાં ઘટાડો થયો છે.

ફળદ્રુપ જમીન

કેટલીક વખત ફળદ્રુપ જમીન ઉપર પણ હવા અને પાણીના વહેણના કારણે માટીનું ક્ષારણ થાય છે જેના કારણે ભૂમિ પોતાની ફળદ્રુપતા ગુમાવી બેસે છે અને તેની અસર પણ ઉત્પાદન ઉપર પડે છે. દેશના અનેક ગ્રામીણ વિસ્તારોમાં અનાજનો સંગ્રહ કરવાની સુવિધાઓની કમી છે જેના કારણે ખેડૂતો ઉપર વહેલામાં વહેલી તકે ખેતપેદાશોનો સોદો કરવાનું દબાણ રહે છે અને કેટલીયે વખત ખેડૂતો નજીવા દામે ખેતપેદાશોનો સોદો કરી લેતા હોય છે.

સારી પરિવહન વ્યવસ્થાના અભાવ

ભારતીય કૃષિના વિકાસમાં મોટો અવરોધ સારી પરિવહન વ્યવસ્થાના અભાવનો પણ છે. આજે પણ દેશના અનેક ગામ અને કેન્દ્ર એવાં છે જે બજારો અને શહેરો સાથે જોડાયેલાં નથી. અનેક સડકો એવી છે જે અમુક મોસમમાં ખસ્તાહાલ બની જાય છે. એવામાં ખેડૂતો સ્થાનિક બજારોમાં જ ઓછી કિંમતે ખેતપેદાશો વેચી દેતાં હોય છે. આ સમસ્યાને નિવારવા માટે મોટું ભંડોળ ઉપરાંત મજબૂત રાજકીય પ્રતિબદ્ધતા પણ જરૂરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter