ખેડૂતો રાહ જોઈ થાક્યા, આખરે બનાવી બિરબરની ખિચડી, જાણો કેમ?

નાનપણમાં તમે અકબર-બિરબલની વાર્તાઓ તો સાંભળી જ હશે અને તેમાં પણ બિરબલે પકાવેલી ખિચડીની વાર્તા તો તમે ભૂલ્યા જ નહિં હોવ. બિરબલની આ જ ખિચડી હવે સૈકાઓ બાદ ફરી પકાવાઇ રહી છે રાજકોટના જેતપુરમાં અહીં 15 ગામના ખેડૂતો એકઠા થઇને બિરબલની ખિચડી પકાવી રહ્યા છે.

નાનપણમાં અકબર અને બિરબલની વાર્તાઓ પૈકી બિરબલની ખિચડીની પ્રખ્યાત વાર્તા આપણે સૌએ સાંભળી છે. જેમાં બિરબલે ખિચડી પકાવવા આગ તો પેટાવી પરંતુ ખિચડીનો ઘડો બહુ ઉંચે રાખ્યો હતો. અકબરની સાન ઠેકાણે લાવવા બિરબલે ખિચડીનો તુક્કો અજમાવ્યો જે સફળ રહ્યો.

બિરબરની ખિચડીની વાર્તાનું આ અદ્દલ દ્રશ્ય ભજવાયું જેતપુરના દેરડી ગામે. કે જ્યાં 15 જેટલા ગામોના ખેડૂતોએ એકઠા થઇ બિરબલની ખિચડી પકાવી. ખેડૂતોએ વર્ષ 2016-17નો પાક વીમો મેળવવા અનેક વખત રજૂઆતો કરી. તેમ છતાં હજુ સુધી વીમો ન મળતા ખેડૂતોએ ખિચડી પકાવી નવતર વિરોધ કર્યો. દેરડીના ગરબી ચોકમાં એક મટુકીમાં ખિચડી ભરી તેને ઉંચે લટકાવી નીચે અગ્નિ પેટાવવામાં આવી. ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું કે જેમ બિરબલની ખિચડી એક તુક્કો છે તેમ સરકારનો પાક વીમો પણ તુક્કો જ છે. જે ક્યારેય પાકતો નથી.

પાક વીમાની માંગણી સાથે મહિલાઓએ રામધુન યોજી સરકાર વિરોધી સુત્રોચ્ચાર પણ કર્યા. બિરબલે બનાવેલી ખિચડીથી બાદશાહ અકબરની સાન તો ઠેકાણે આવી હતી. પરંતુ પોતાને ખેડૂતોની હામી ગણાવતી ભાજપ સરકારના નેતાઓની આંખ આ વિરોધ પ્રદર્શનથી ઉઘડે છે કે કેમ તે જોવું રહ્યું.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter