દેશમાં કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ આ કાયદાના અમલ પર રોક લગાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનુ સ્વાગત તો કર્યુ છે, પણ કિસાન નેતાઓનું માનવું છે કે, આ સમસ્યાનું સમાધાન નથી. ખેડૂત નેતાઓનું માનવું છે કે, કોર્ટે આ મામલે વિચાર કરવા માટે જે કમિટી બનાવી છે, અને તેમાં જે લોકોને સામેલ કરાયા છે, તેઓ પહેલાથી જ આ કાયદાના સમર્થક રહ્યા છે. અને તેઓ સરકાર તરફથી પણ સક્રિયતા બતાવતા રહ્યા છે.
ત્યારે આ તમામની વચ્ચે સુપ્રીમ કોર્ટે બે મહિનાની અંદર રિપોર્ટ રજૂ કરવા કહ્યુ છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ હતું કે, પ્રથમ 10 દિવસમાં જ તેના માટે બેઠક મળવી જોઈએ.


અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિએ મંગળવારના રોજ કહ્યુ હતું કે, કાયદાનો અમલ કરતા રોકવાને બદલે તેને ખતમ કરવાનો આદેશ આપવો જોઈએ. સરકારે તેને પાછા ખેંચવા જ પડશે. આ બાબત દરેકે સમજવી પડશે કે, ખેડૂત અને ભારતના લોકો આ કાયદાની વિરુદ્ધમાં છે. તેમણે ફરી એક વાર કહ્યુ હતું કે, કોર્ટના આદેશ પર બની રહેલી કમિટીમાં તેઓ ભાગ નહીં લે. તેમણે તો આરોપ પણ લગાવ્યો હતો કે, અમુક એવી તાકાત છે, જે ન્યાયાલયને પણ ભ્રમિત કરી રહી છે.
સુપ્રીમ કોર્ટનો આદેશ- બે મહિનાની અંદર રિપોર્ટ તૈયાર કરી સોંપો
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણે કૃષિ કાયદા ઉપર આગલી સુનવણી સુધી સ્ટે મુક્યો છે. સાથે જ આ મુદ્દાના સામાધાન માટે એક સમિતિનું ગઠન પણ કર્યુ છે. ચાર સભ્યોની સિમિતિને બે મહિનાની અંદર રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કમિટિની અંદર ભૂપિંદર સિંહ માન, પ્રમોદ કુમાર જોશી, અશોક ગુલાટી અને અનિલ ઘનવંત સામેલ છે.
ત્યારે ખેડૂત સંગઠનોની સાથે કોંગ્રેસે પણ આ સિમિતિ અંગે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, કૃષિ કાયદાઓનું લિખિત સમર્થન કરવાવાળા વ્યક્તિઓ પાસે ન્યાયની આશા રાખી શકાય? આ સંઘર્ષ ખેડૂતો – મજૂરો વિરોધી કાયદાઓના પરત લેવા સુધી શરુ રહેશે.
કોંગ્રેસે કટાક્ષ કરવાની તક ઝડપી લીધી
તો કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે ચિંતા વ્યક્ત કરી છે તેમનું અમે સ્વાગત કરીએ છીએ, પરંતુ જે ચાર સભ્યોની કમિટિ બનાવવામાં આવી છે તે ચોંકાવનારી છે. આ ચારે સભ્યો પહેલા જ આ કાળા કાયદાનું સમર્થન કરી ચુક્યા છે. તેઓ ખેડૂતો સાથે કેવો ન્યાય કરશે? આ ચારેય લોકો તો મોદીજીની સાથે છે.
કોંગ્રેસ નેતા જયવીર શેરગિલે કહ્યું કે સિમિતિમાં ચાર સભ્યો છે, જેમાંથી ત્રણ સભ્યો પહેલાથી જ કાયદા પરત લેવાની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય અડધો ગ્લાસ ખાલી અડધો ગ્લાસ ભરેલો તેવો છે.
છેલ્લા દોઢેક મહિનાથી દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. નવા કૃષિ કાયદાઓને પરત લેવાની માંગ સાથે ખેડૂતો દિલ્હીની સીમાઓ પર અડિંગો જમાવીને બેઠા છે. સરકાર સાથે અનેક બેઠકો છતા આ મુદ્દાનું કોઇ સામાધાન ના મળતા મંગળવારે સુપ્રીમ કોર્ટે તેમાં દખલ આપી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે આ ત્રણ કૃષિ કાયદાઓ પર સ્ટે મુકયો છે. આ સાથે જ કોર્ટે આ મુદ્દાના સામાધાન માટે ચાર સભ્યોની કમિટિ પણ બનાવી છે.

કમિટીમાં ચારેય સભ્યો પર સરકાર તરફી વલણ ધરાવતા હોવાનો આરોપ
આ કમિટિમાં ચાર સભ્યો છે. જેમાં ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ભૂપિંદર સિંહ માન, શેતકારી સંગઠનના અનિલ ઘનવટ તથા કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી અને ડૉ. પ્રમોદ જોષી સામેલ છે. આંદોલનકારી ખેડૂતોએ ત્રણે કૃષિ કાયદા પર સ્ટે મુકવાના કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યુ છે, પરતું આંદોલન હજુ પણ શરુ રહેશે તેવો નિર્ણય જાહેર કર્યો છે. કેટલાક ખેડૂત નેતાઓએ તો ત્યાં સુધી કહ્યું કે અમે કોર્ટ પાસે માત્ર આ કૃષિ કાયદાઓ પરત લેવાની માંગ કરી હતી, કોઇ કમિટિ બનાવવાની માંગ કરી નથી.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યા પ્રમાણે સરકારે બનાવેલી સમિતિ સાથે વાત કરવી કે નહીં તે ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરવામાં આવશે. કોર્ટે સમિતિ બનાવી છે તેની અંદર કોઇ કૃષિ અર્થશાસ્ત્રી છે તો કોઇ પદ્મ શ્રી પણ છે.
ભૂપિંદર સિંહ માન
ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ છે. ઓલ ઇન્ડિયા કિસાન કો ઓર્ડિનેશન કમિટિના ચેરમેન છે. 1990માં રાજ્યસભા સાંસદ બન્યા અને ખડૂતો માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે.
પ્રમોદ કુમાર જોશી
કૃષિ અર્થશાસ્ત્રી અને ખાદ્ય નીતિના નિષ્ણાંત છે. સાઉથ એશિયા ઇન્ટરનેશનલ ફૂડ પોલિસિ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર છે. ભારત સરકારમાં રાઇટ ટૂ ફૂડ સમિતિના સભ્ય રહી ચુક્યા છે. કૃષિ ક્ષેત્ર પ્રશાસનમાં કામ કરવાનો લાંબો અનુભવ ધરાવે છે.
અશોક ગુલાટી
અશોક ગુલાટી પણ કૃષિ અર્થશાસ્ત્રી છે. ટેકાના ભાવ અંગે સલાહ આપનાર કમિટિ CACPના ચેરમેન પણ રહી ચુક્યા છે. 2015માં તેમને પદ્મ શ્રીનું સન્માન પણ આપવામાં આવ્યું છે. વર્તમાન સમયે ICRIER સંસ્થામાં ઇન્ફોસિસ ચેયર પ્રોફેસર ઓફ એગ્રિકલ્ચર છે.
અનિલ ઘનવટ
ખેડૂતોના શેતકારી સંગઠનના અધ્યક્ષ છે. શેતકારી સંગઠન ખેડૂતો માટે કામ કરે છે. તેઓ મહારાષ્ટ્રના રહેવાસી છે. ખેડૂતો સાથે કામ કરવાનો તેમને ઘણો અનુભવ છે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….