આ બેંન્કના કવોલિટી મેનેજમેન્ટના અધિકારીઓ અને 11 ખેડૂતોએ કર્યું કૌભાંડ

ગોંડલમાં ધાણાજીરૂનાં જથ્થાને અવેજ તરીકે બતાવી રૂા ૪.૪૫ કરોડની લોન મેળવી લીધા બાદ બાચકામાં ભુસુ ભરીને ખરો જથ્થો બારોબાર વેંચી નાંખી કૌભાંડ આચરવામાં આવ્યાનો ભાંડો ફૂટતા ૧૧ ખેડૂતો સહિત ૧૫ ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. નોંધનીય ચે કે, ગોંડલમાં જ ગત સપ્ટેમ્બર માસમાં પણ આવું જ કારસ્તાન પકડાયું હતું. જેના સુત્રધારોની પણ હાલનાં કૌભાંડમાં સંડવોણી ખુલી છે.

વિગત એવી છે કે, રાજકોટનાં ત્રિકોણબાગ પાસે આવેલી કરૂર વૈશ્ય બેંન્કમાંથી ગત માર્ચ – ૨૦૧૭ દરમિયાન ૧૧ ખેડૂતો હિતેશ પરબત બરવાળીયા, રાજેન્દ્રસિંહ રાહુભાઈ સીણોલ, બળવંતસિંહ રાહુભાઈ સીણોલ, અજીતસિંહ રાહુલભાઈ સીણોલ, કનૈયાલાલ દલસુખ પંચાલ, દશરથસિંહ ભુરાભાઈ સીણોલ, પરસોતમ જીવાભાઈ સાવલીયા, કિશોર કરસનભાઈ વેકરીયા, મહેશ અંબાલાલ પંચાલ, વશરામ પોપટ બરવાડીયા અને ભરતસિંહ ઘનશ્યામસિંહ સીણોલનાં ધાણા અને જીરૂનાં જથ્થા ઉપર રૂા. ૪.૪૫ કરોડની લોન લેવામાં આવી હતી. આ લોન સામે બેન્ક ગેરેન્ટી અવેજ તરીકે ધાણા – જીરૂનો જથ્થો બતાવીને ગોંડલમાં ઘોઘાવદર રોડ પર કાનજીભાઈ કાપડીયાનું ગોડાઉન ભાડે રાખીને સંગ્રહ કરવામાં આવ્યો હતો.

કરૂર વૈશ્ય બેન્ક માટે કવોલિટી મેનેજમેન્ટ અને ગેરેન્ટીનું કામ કરતી સિલ્વર એગ્રી એકસપોર્ટ કંપની અને સ્ટાર એગ્રી વેરહાઉસ કંપનીનાં જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ જીગર પ્રવીણભાઈ મિસ્ત્રી, રાહુલ પરસોતમ સાવલીયા, કલ્પેશ જયંતીલાલ વઘાસીયા અને પ્રવીણ દલસુખ પંચાલે સાંઠગાંઠ રચીને ૧૧ ખેડૂતો સાથે મળી ધાણા – જીરૂનાં જથ્થાની ગુણવત્તા તથા કિંમત માપણીનાં ખોટા રીપોર્ટ બનાવી રૂા ૪.૪૫ કરોડની લોનની રકમ તફડાવી લીધી હતી. એટલું જ નહીં, બાદમાં અવેજ તરીકે રખાયેલો ધાણા – જીરૂનો ખરો જથ્થો બારોબાર વેંચી નાંખીને તેના બાચકામાં ભુસુ તથા ડાળખા ભરી દીધા હતાં.

ગત તા.૩૧.૩.૨૦૧૭થી તા.૭.૧૦.૨૦૧૮ દરમિયાન આચરવામાં આવેલા કૌભાંડ બાદ લોનનાં હપ્તા નહીં ભરાતા કરૂર વૈશ્ય બેન્ક દ્વારા તપાસ કરવામાં આવી હતી. અને સમગ્ર ચીટીંગ કાંડનો ભાંડો ફૂટયો હતો. જેના આધારે બેન્કનાં મેનેજર ચંદ્રેશભાઈ છોટાલાલ બલદેવ (રહે: રાજકોટ) એ પોલીસ ફરિયાદ નોંધાવતા ગોંડલ સિટી પી.એસ.આઈ. ઝાલા સહિતની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, ગોંડલનાં જામવાડીમાં પણ ગત સપ્ટેમ્બર માસમાં આવું જ જીરૂ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં ગોંડલ અને જસદણની એકસીસ બેન્કમાંથી રૂા ૨.૫૦ કરોડની લોન મેળવીને અવેજ તરીકે રખાયેલા રૂા ૧.૪૦ કરોડનાં ૪૦૦ ગુણી જીરૂનું બારોબાર વેચાણ કરી નાખવામાં આવ્યાનો ભાંડો ફૂટતાં એલ.સી.બી. ટીમે સ્ટાર એગ્રી વેરહાઉસ કંપનીનાં સુપરવાઈઝર ભાવિન ગોસાઈ અને પ્રવીણ પંચાલની ધરપકડ પણ કરી હતી. જેમાં સુત્રધાર તરીકે કલ્પેશ વઘાસીયાનું નામ ખુલ્યું હતું. હાલનાં કૌભાંડમાં પણ કલ્પેશ અને પ્રવીણ પંચાલની સંડોવણી ખુલતા ચકચાર જાગી છે.

ધાણા-જીરૂ કૌભાંડમાં સંડોવાયેલી ચીટર – ગેંગ

* કલ્પેશ જયંતી વઘાસીયા (જસદણ)

* રાહુલ પરસોતમ સાવલીયા (જસદણ)

* જીગર પ્રવીણભાઈ મિસ્ત્રી (જસદણ)

* પ્રવીણ દલસુખભાઈ પંચાલ (સુરત)

*  દિનેશ પરબત બરવાળીયા (ભંગડા)

* રાજેન્દ્રસિંહ રાહુલભાઈ સીણોલ (આણંદ)

* બળવંતસિંહ રાહુભાઈ સીણોલ (આણંદ)

* અજીતસિંહ રાહુભાઈ સીણોલ (આણંદ)

* કનૈયાલાલ દલસુખ પંચાલ (સુરત)

* દશરથસિંહ ભુરાભાઈ સીણોલ (આણંદ)

* પરસોતમ જીવાભાઈ સાવલીયા (જસદણ)

* કિશોર કરસનભાઈ વેકરીયા (શિવરાજપુર)

* મહેશ અંબાલાલ પંચાલ (સુરત)

* વશરામ પોપટભાઈ બરવાડીયા (ભંગડા)

* ભરતસિંહ ઘનશ્યામસિંહ સીણોલ (આણંદ)

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter