આજે વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો કે જે વિકાસ મોડલની દુહાઇઓ આપવામાં આવે છે તેનું શિક્ષણસ્તર કેવું છે

લોકરક્ષકની ભરતીની પરીક્ષા મોકૂફ રહેતા લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. બોર્ડ દ્વારા આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ તો જાહેર કરવામાં આવશે. પરંતુ પરીક્ષા આપવા આવેલા હજારો વિદ્યાર્થીઓએ જે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તેનું શું ? અનેક વિદ્યાર્થીઓ 200-300 કિલોમીટર દૂરથી પરીક્ષા આપવા કેન્દ્રો પર પહોંચ્યા હતા. પરંતુ પેપર લીક થતાં તમામ વિદ્યાર્થીઓ રોષ અને હતાશા સાથે પરત ફર્યા હતા.

જેના વિકાસ મોડલની દુનિયાભરમાં દુહાઇઓ આપવામાં આવે છે તે ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેટલું ખોખલું છે તે આ હજારો વિદ્યાર્થીઓનો સરકાર પ્રત્યેનો ઉગ્ર રોષ કહી આપે છે. લોકરક્ષક ભરતીનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. પરિણામે દૂર-દૂરના ગામડાઓ અને નાના નગરોથી આવેલા હજારો વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ સરકાર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

કોઇ ગરીબ વિદ્યાર્થી ઉછીના પૈસા લઇને પરીક્ષા આપવા આવ્યો હતો. તો કોઇ મજૂરનો પુત્ર માંડ બચાવેલી મુડી લઇને પરીક્ષા આપવા આવ્યો હતો. અનેક વિદ્યાર્થીઓના નંબર તેના ઘરથી 200-300 કિલોમીટર દૂરના કેન્દ્રો પર આવ્યો હતો. આથી આ વિદ્યાર્થીઓ બસ અને હોટલનું ભાડું ખર્ચી પરીક્ષા આપવા આવ્યા હતા.

વળી પરીક્ષા મોકૂફ રહી છે તેની અનેક ઉમેદવારોને તો જાણ પણ નહોતી. આથી પરીક્ષા રદ્દ થતાં ઘણા વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા. તો પરીક્ષા માટે આવેલા કર્મચારીગણને પણ ભારે હાલાકી પડી હતી.

પરીક્ષા મોકૂફ રહ્યા બાદ દૂરથી આવેલા વિદ્યાર્થીઓ તેમના ઘરે પરત ફરતા રાજ્યના મોટા ભાગના શહેરોમાં એસટી ડેપો પર ભારે ભીડ જોવા મળી. બસમાં જગ્યા મેળવવા વિદ્યાર્થીઓએ ધક્કામુક્કી કરી હતી. બસ ન મળતા હજારો વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. હતાશ થયેલા વિદ્યાર્થીઓ સરકારને એક જ સવાલ પૂછી રહ્યા છે અમારો વાંક શું ?

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter