GSTV
GSTV લેખમાળા Gujarat Election 2022 India News Trending

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશિન કરે છે આ રીતે કામ, વિશ્વમાં ભારતે જ કરી હતી EVM ની શરૂઆતઃ1999ની ચૂંટણીમાં થયો હતો પ્રયોગાત્મક ઉપયોગ

હવે મતદાન કરવા માટે કોઈ પક્ષના ચિહ્ન પર સિક્કો મારવાનો નથી. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશિન (EVM) દ્વારા એક બટન દવાબી મત આપી શકાય છે. મતદારો ટચૂકડા યંત્ર ઈવીએમના ઉપયોગથી સત્તાના સમિકરણો નક્કી કરે છે. ચૂંટણી પ્રક્રિયામાં થોડે-ઘણે અંશે ક્રાંતિ લાવનારા યંત્ર ઈવીએમ વિશે કેટલીક જાણકારી મેળવવાનું મન થાય તે સ્વાભાવિક છે. આખા જગતમાં ઈ.વી.એમ.નો ઉપયોગ ભારતે જ આરંભ્યો છે. ૧૯૯૯ની ચૂંટણી વખતે EVM નો પ્રયોગાત્મક ધોરણે ઉપયોગ થયો હતો. તેમાં સફળતા મળતાં ૨૦૦૪ની કેન્દ્ર સરકારની ચૂંટણી સંપૂર્ણપણે ઈ.વી.એમ. દ્વારા યોજાઈ હતી. સૌથી પહેલાં જોકે કેરળના ઉત્તર પરવુર વિધાનસભા બેઠકની ચૂંટણી વખતે ૫૦ પોલિંગ સ્ટેશનો પર ઈ.વી.એમ. વાપરી તેની વ્યવહારૃતા ચકાસાઈ હતી.

એક ભાગ કન્ટ્રોલિંગ યુનિટ તરીકે અને બીજો ભાગ બેલોટિંગ યુનિટ

ભારતના ચૂંટણી પંચની સૂચનાથી બેંગાલુરુ સ્થિત ભારત હેવી ઈલેક્ટ્રોનિક અને હૈદરાબાદ સ્થિત ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ EVM ની રચના કરી છે. આ બે સંસ્થાઓ જ ભારતમાં વપરાતા બધા ઈ.વી.એમ. બનાવે છે. દેખાવે એક લાગતું ઈ.વી.એમ. હકીકતે બે ભાગમાં વહેંચાયેલું છે. એક ભાગ કન્ટ્રોલિંગ યુનિટ તરીકે અને બીજો ભાગ બેલોટિંગ યુનિટ તરીકે ઓળખાય છે. મતદાર તરીકે આપણે કન્ટ્રોલિંગ યુનિટ સાથે કોઈ લેવા-દેવા નથી હોતી. પણ મત આપવા જેનું બટન દાબીએ એ બેલોટિંગ યુનિટનો વપરાશ કરીએ છીએ. પાંચેક મિટર લાંબા કેબલથી બન્ને ભાગો જોડાયેલા હોય છે. કન્ટ્રોલિંગ યુનિટ થોડે દૂર હોય, જ્યારે બેલોટિંગ યુનિટ મતદારોને દેખાય એમ રાખ્યું હોય છે. આપણે આપેલો મત કન્ટ્રોલિંગ યુનિટ દસ વર્ષ સુધી સાચવી શકે છે.

પ્રોગ્રામમાં ક્યારેય ફેરફાર ન કરી શકાય એવી ગોઠવણી

ઈ.વી.એમ.ની સુરક્ષા માટે તેના પ્રોગ્રામમાં ક્યારેય ફેરફાર ન કરી શકાય એવી ગોઠવણી કરવામાં આવી છે. એટલે એક વખત ઈ.વી.એમ. બની ગયા પછી બનાવનારી કંપનીઓ તેના પ્રોગ્રામમાં ફેરફાર કરી શકતી નથી. જોકે તો પણ ભારતના ઈ.વી.એમ.માં  કેટલીક ખામીઓ સામે આવી છે, કેમ કે આખરે તો એ મશિન છે.

ઈ.વી.એમ.માં રહેલી ૬ વોલ્ટની આલ્કલાઈન બેટરી તેને કાર્યરત રાખે છે. એમાંય કેટલાક મતદાન વખતે લો-બેટરીની સમસ્યા સર્જાતા આ વખતે ચૂટણી પંચે સતત ૪૦ કલાક ચાલી શકે એવી બેટરીવાળા ઈ.વી.એમ. તૈયાર કરાવ્યા છે.

એક ઈ.વી.એમ.માં વધારેમાં વધારે ૬૪ ઉમેદવારોના નામ મુકી શકાય. મતલબ કે એક જ બેઠક પરથી વધુમાં વધુ ૬૪ ઉમેદવારો ઊભા હોય ત્યાં સુધી એક ઈ.વી.એમ.થી કામ ચાલી જાય છે. જોકે એક બેલોટિંગ યુનિટમાં વધુમાં વધુ ૧૬ ઉમેદવારોના નામ હોય છે. ઉમેદવારોની સંખ્યા ૧૬ કરતાં વધે ત્યારે કન્ટ્રોલિંગ યુનિટ સાથે બીજું બેલોટિંગ યુનિટ જોડી દેવાય.

એક જ બટન વારંવાર દાબીને વધારે મત આપવાનું શક્ય નથી. એ રીતે એક કરતાં વધારે બટનો મચડવાથી અલગ અલગ ઉમેદવારોને મત આપી શકાતા નથી. વોટ થયા પછી આડા-અવળા બટન દબાય તેની નોંધ ઈ.વી.એમ. લેતું નથી એટલે એક જ ઉમેદવારને એક જ મત મળે.

ઈ.વી.એમ. સૂટકેસ જેવડી પેટીમાં સમાઈ જતાં હોવાથી તેની હેરાફેરી સરળ

૧૯૮૯-૯૦માં ઉત્પાદન શરૃ થયું ત્યારે એક ઈ.વી.એમ.ની કિંમત ૫૫૦૦ રૃપિયા જેટલી બેસતી હતી. પણ સામે પક્ષે લાખો ટન કાગળ છાપવાં, તેની હેરાફેરી કરવી, સિક્કા માટે શાહી વાપરવી વગેરે જફામાંથી બચી શકાય છે. ઈ.વી.એમ. સૂટકેસ જેવડી પેટીમાં સમાઈ જતાં હોવાથી તેની હેરાફેરી સરળ છે. કેન્દ્ર સરકારની સામાન્ય ચૂંટણી વખતે ઈ.વી.એમ.ના વપરાશથી ૧૦,૦૦૦ ટન જેટલા કાગળ (એટલે કે લગભગ ૨ લાખ વૃક્ષો)નો વપરાશ ટાળી શકાયો છે. ૨૦૦૯ની ચૂંટણી વખતે આખા ભારતમાં ૧૩,૬૮,૪૩૦ ઈ.વી.એમ. વપરાયા હતાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું

Siddhi Sheth

ભાણા સાથે લગ્ન કરવાની જીદ પર અડી 60 વર્ષની મામી, લગ્ન તોડાવીને ઉઠાવ્યું આ પગલું

Siddhi Sheth

પાકિસ્તાનના વડા પ્રધાન માટે “આગે કૂવા પીછે ખાઈ“ જેવો ધાટ

GSTV Web Desk
GSTV