GSTV

કોરોના ટ્રાવેલ ટિપ્સ / ભારતથી બહાર જવું છે? વાંચો Vaccine Passportના જુદા જુદા નિયમોની સરળ સમજાવટ

Vaccine Passport

Last Updated on August 31, 2021 by Lalit Khambhayata

આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે કેટલાક સમયથી વિવિધ દેશોએ Vaccine Passportના નિયમો લાગુ કર્યા છે. શું છે વેક્સિન પાસપોર્ટ?
1લી જુલાઈથી શરૂ થયેલા યુરોપિયન સંઘના ડિજિટલ કૉવિડ સર્ટિફિકેટ પ્રોગ્રામ હેઠળ જેમણે યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) દ્વારા સ્વીકૃત ચારમાંથી એક વેક્સિન લીધી હોય તેમને પ્રવાસમાં છૂટછાટ આપવામાં આવી છે. આમાં વેક્સજેવરિયા (ઑસ્કફોર્ડ-એસ્ટ્રાજેનેકા), કોમિરનાટી (ફાઇજર-બાયોન્ટેક), સ્પાઈવેક્સ (મૉર્ડના) અને જાનસેન (જૉનસન ઍન્ડ જૉનસન) વેક્સિન સામેલ છે. આ લિસ્ટમાં ભારતમાં બનેલી કોવિશિલ્ડ અને કૉવેક્સીનને સામેલ કરવામાં નથી આવી કેમ કે તેને EMAએ અપ્રૂવ નથી કરી. ચોંકાવનારી બાબત એ છે કે, કોવિશિલ્ડને પણ મંજૂરી નથી આપી જે ઑસ્કફોર્ડ એક્સ્ટ્રાજેનેકા દ્વારા બનાવાયેલી વેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયા (SII)ના લાઇસન્સ હેઠળ તે તૈયાર કરવામાં આવી છે. અને તેના ઇમરજન્સી ઉપયોગ માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (WHO)એ પણ મંજૂરી આપી દીધી છે.

વિદેશ મુસાફરી માટે ગ્રીન પાસ કોઈ શરૂઆતી શરત નથી, પરંતુ તે મુસાફરોને અન્ય દેશમાં જવા માટેની કરવી પડતી ઑફિશિયલ પ્રોસેસ અને ક્વૉરન્ટિનને લગતી પ્રક્રિયામાંથી છૂટકારો અપાવે છે. કેમ કે, દરેક દેશ મુજબ નિયમો બદલાય છે અને તેમાં ફરજિયાત ક્વૉરન્ટિન પ્રોસેસ તથા ટેસ્ટિંગથી જોડાયેલી બાબતો સામેલ હોય છે.

વેક્સિન પાસપોર્ટને લઈને ભારતનું વલણ શું છે?  

ભારતે પહેલા જ વેક્સીન પાસપોર્ટને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે, વિકાસશીલ દેશો પાસે વેક્સીનની અછત છે. તેમના માટે આ પગલું પક્ષપાતી થઈ શકે છે. જ્યારે યુરોપિયન સંઘ ગ્રીન પાસની જાહેરાત થઈ ત્યારે નવી દિલ્હીએ કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, ભારત કોવિશિલ્ડ અને કૉવેક્સીનને માન્યતા આપનાર દેશોના નાગરિકને મુસાફરીમાં નિયમોમાં છૂટ આપશે. આફ્રિકન યુનિયને પણ આ સંદર્ભે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં  દલીલ કરવામાં આવી હતી કે ડિજિટલ સર્ટિફિકેટ પ્રોગ્રામ અસમાનતામાં વધારો કરે છે. અને આનો કોઈ નિશ્ચિત સમયગાળો પણ નહીં હોય. કેમ કે, યુરોપિયન યુનિયનના સભ્યો EMA લિસ્ટની બહારની કોઈપણ વેક્સીનને માન્યતા આપીને પોતાની નીતિ બનાવી શકે છે. એટલે જ ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, જર્મની, આયરલેન્ડ, સ્લોવેનિયા, ગ્રીસ, એસ્ટોનિયા, સ્પેન સહિતના શેનગન જોનના સભ્ય રાષ્ટ્ર સ્વિટ્જરલેન્ડ અને આઈસલેન્ડે કોવિશિલ્ડની માન્યતા આપી છે.

જોકે, યુરોપિયન સંઘનું કહેવું છે કે જે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયા (SII)એ યુરોપિયન મેડિસિન એજન્સી (EMA)ને મંજૂરી માટે અરજી જ નહોતી કરી. તેમ છતાં યુરોપિયન સંઘે ભાર દઈને કહ્યું કે વેક્સિન ક્લિઅરન્સ માટે કોઈ ઑટોમેટિક સિસ્ટમ નથી, વેક્સિન જૈવિક પ્રક્રિયાનું પરિણામ છે અને તેનું મૂલ્યાંકન પણ સત્તાવાર રીતે થવું જોઈએ. જોકે, આ વ્યવસ્થા વેક્સિન્સ વચ્ચે કૃત્રિમ ભેદભાવ ઊભા કરે છે. જેમની વેક્સિન બનાવવાની રીતો સરખી જ છે, પરંતુ ઉત્પાદક જુદા છે તેમને ભેદભાવ થાય છે. 8 જુલાઈ સુધી કોવેક્સ દ્વારા 134 દેશોમાં 95 મિલ્યન રસીના ડોઝ મોકલવામાં આવ્યા છે, તેમાંથી મોટાભાગના ડોઝ કોવિશિલ્ડ છે. કૉવેક્સનું લક્ષ્ય ઓછી આવક ધરાવતા દેશોને રસી પહોંચાડવાનું છે. હવે અહીં પણ એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, બધી રસી એક સરખી જ માન્યતા ધરાવે છે? અને જો નહીં તો તેનાથી સમાનતા, ભેદભાવ અને નિષ્પકક્ષાતાના સુદ્ધાંતોને નુક્શાન પહોંચી શકે છે.

વેક્સિન પાસપોર્ટ અંગે થઈ રહેલી દલીલો

વેક્સિન પાસપોર્ટ કોઈ નવી વાત નથી. અમુક ખાસ જગ્યાએ ટ્રાવેલિંગ માટે યેલો ફિવર વેક્સિનેશનની સાબિતી તરીકે તેનો ઉપયોગ પહેલાં પણ થઈ ચૂક્યો છે. કોરોના મહામારીની વાત કરીએ તો પહેલાં જેવી સામાન્ય સ્થિતિ પાછી લાવવા માટેની ગેરંટી વેક્સિન જ આપશે. વેક્સિન પાસ અમુક પ્રકારના હેલ્થને લગતા તથા આર્થિક ફાયદા સુનિશ્ચિત કરી શકે છે: લોકોને વેક્સિન માટે પ્રેરિત કરીને ધીમે ધીમે અર્થવ્યવસ્થાના મુખ્ય સેક્ટર જેમકે પ્રવાસન, મનોરંજન અને ખાણીપીણીથી જોડાયેલા બિઝનેસને ચાલુ કરી શકાય છે.

જોકે, જેની વ્યાપક આંતરરાષ્ટ્રીય અસર થાય એવી કોઇપણ નીતિ માટે મોટી સંખ્યામાં કાનૂની, નૈતિક અને વાસ્તવિક વિચારણાઓ પર હજુ ચર્ચા થઈ નથી. સૌથી મોટો પડકાર તો દુનિયાભરમાં વેક્સિનની પહોંચ, તેના નિર્માણ અને વિતરણનો છે. તાજેતરના આંકડા મુજબ, અત્યાર સુધીમાં જેટલા દેશોને વેક્સિન આપવામાં આવી છે તેમાંથી 85 ટકા ડોઝ ફક્ત ઉચ્ચ અને ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશોને મળ્યા છે, જ્યારે ફક્ત 0.3 ટકા ડોઝ ઓછી આવકવાળા દેશોને મળ્યા છે. આફ્રિકા ખંડમાં રસીકરણ દર સૌથી ઓછો છે અને કેટલાંક આફ્રિકન દેશોએ હજુ સામુહિક રસીકરણ અભિયાન શરુ કરવાનું બાકી છે. એવું અનુમાન છે કે દુનિયાના સૌથી ગરીબ 92 દેશો 2023ની આસપાસ અથવા એ પછીના સમયમાં 60 ટકાના રસીકરણના દર સુધી પહોંચે એવી શક્યતા છે.

એવામાં બીજાની સરખામણીએ ઓછી અને મધ્યમ આવકવાળા દેશોના લોકોને પ્રવાસ કરવાની આઝાદી ઓછી મળશે અને તેમને દસ્તાવેજી અને સુરક્ષાત્મક પ્રક્રિયાનો વધુમાં વધુ સામનો કરવો પડશે. અમીર દેશોએ વેક્સિન ઉત્પાદક દેશો પાસેથી પહેલાં જ વેક્સિન ખરીદવાને લઈને સમજૂતી કરી લીધી હતી અને પ્રારંભિક ડોઝની અસાધારણ માત્રા ખરીદી લીધી હતી જેથી વિશ્વના બાકીના દેશો પૂરતા ડોઝ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વેક્સિન ગ્રીન પાસ હાલની વૈશ્વિક અસમાનતાને વધુ ખેંચશે, વિભાજનને પ્રેરશે એટલે તેનાથી દેશો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ભેદભાવ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સૂચવ્યું છે કે, કોવિડ વેક્સિનની અસરકારકતા, એટલે કે વેક્સિન બાદ લોકો કેટલા દિવસ સુધી સુરક્ષિત રહી શકે છે અને તે સંક્રમણ રોકવામાં કેટલી અસરકારક છે તે અંગેની વૈજ્ઞાનિક જાણકારી હજુ પૂરેપૂરી નથી મળી. કોરોનાના નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે ત્યારે હાલ ઉપલબ્ધ વેક્સિન ક્યાર સુધી ઇમ્યુનીટી પૂરી પાડી શકે છે એ પ્રશ્નનો જવાબ હજુ નથી મળ્યો. ચિંતા તો આ વાતને લઈને પણ છે કે જે અસમાનતા હમણાં પેદા થઈ છે ભવિષ્યમાં તે વધવાની શક્યતા પ્રબળ છે. જો બૂસ્ટર ડોઝ અસરકારક સાબિત થાય તો એવી શક્યતા છે કે અમીર દેશોને ગરીબ દેશોથી પહેલાં જ બૂસ્ટર ડોઝ મળી જાય અને એથી અમીર અને ગરીબ દેશો વચ્ચેનું અંતર હજુય વધી જશે.

ટ્રાવેલ માટે વેક્સિનના પ્રૂફના કારણે ઘરેલુ નીતિની પ્રાથમિકતાઓ ફંટાઈ જશે. પ્રવાસીઓ માટે જરૂરી વેક્સિનેશનના અભિયાનને લીધે વેક્સિનનો સપ્લાય વધી જશે અને એ દેશોમાં રસીની અછત સર્જાશે જ્યાં તેની સૌથી વધુ જરૂર છે. એટલું જ નહીં, પ્રાઈવસી અને ડેટા પ્રોટેક્શનનો મુદ્દો પણ વિચારવા લાયક છે. જેમકે, કોવિડ વેક્સિનેશન સ્ટેટસ અંગેની માહિતી કોની પાસે છે, આ સંવેદનશીલ ડેટા સુરક્ષિત છે કે નહીં અને આ ડેટાનો ઉપયોગ કઈ રીતે થશે વગેરે. ઇઝરાયલ દુનિયાનો પહેલો દેશ છે જ્યાં હોટેલ, જિમ, રેસ્ટોરન્ટ, થિએટર અને સંગીત સમારોહમાં જવા માટે વેક્સિન પાસપોર્ટ લાગુ કર્યો છે. આ પ્રકારના નિયમોને લીધે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ સાથે ભેદભાવ થશે અને તેનાથી વ્યક્તિગત આઝાદીને અસર થશે. ભવિષ્યના નિયમ અને નીતિઓ એ રીતે લાગુ કરવામાં આવે જેથી ડેટા સુરક્ષિત રહી શકે અને જે ડેટાનો ઉપયોગ થાય છે તે સંમતિપૂર્ણ, સુરક્ષિત અને પારદર્શક હોય.

વેક્સિન પાસપોર્ટમાં ફેરફારની આવશ્યકતા ખરી?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને કોઇપણ દેશમાં પ્રવેશવા માટે વેક્સિનેશન સર્ટિફિકેટ જરૂરી છે એ અંગે હાલ સમર્થન નથી કરતું. જોકે, માર્ચમાં WHOએ ‘સ્માર્ટ વેક્સિન સર્ટિફિકેટ માટે વચગાળાનો નિર્દેશ’ જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આવા સર્ટિફિકેટ સમાનતા, સુલભતા, ગોપનીયતા સંરક્ષણ, માપનીયતા અને સ્થિરતા પર આધારિત હશે. આવા સિદ્ધાંત ગ્રીન પાસને લઈને આદર્શ નીતિઓના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આમ પણ એવી નીતિ કે જેની અસર દુનિયાના લાખો લોકો પર થવાની હોય તેને વૈજ્ઞાનિક પુરાવાના આધારે બનાવવામાં આવે અને તે ભેદભાવ વિના, પ્રાઈવસી જાળવીને સમાનતાના દરેક કાનૂની માપદંડને અનુસરે એ જરૂરી છે. વેક્સિનની અસમાન ફાળવણી હજુ વધવાની શક્યતા છે અને જો કોઈ ખાસ વર્ગને પ્રાથમિકતા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે તો એના લીધે નવા પ્રકારની અસમાનતા પેદા થશે. દુનિયા માટે વેક્સિન એક આશા છે પણ જ્યાં સુધી તેનું વિતરણ અસમાન રહેશે ત્યાં સુધી જુદા-જુદા દેશોએ પારસ્પરિકતાના સિદ્ધાંતોના આધારે વેક્સિન પાસપોર્ટ સંબંધિત નીતિઓનો વિસ્તાર કરવાની જરૂર છે.

Related posts

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt

IND vs PAK: વિરાટ કોહલીની કેપ્ટન્સીથી લઇને ઓપનરોનો ફ્લોપ શૉ, આ છે ટીમ ઇન્ડિયાની કારમી હારના 5 મોટા કારણો

Bansari

દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો/ કર્મચારીને ગેરકાયદે બરતરફ કરવા બદલ એઇમ્સને રૂ. 50 લાખ ચૂકવવા આદેશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!