પ્રસિદ્ધ જૈન તિર્થધામ મહુડીમાં વિશેષ પૂજન પરંપરાને 100 વર્ષ થયા પૂર્ણ

સુખડીનું અખંડ સદાવ્રત ચાલે છે તેવા ગાંધીનગર નજીક આવેલા પ્રસિદ્ધ જૈન તિર્થધામ મહુડીમાં કાળી ચૌદશના રોજ હવન અને ઘંટાકર્ણ મહાવીર સ્વામીનું વિશેષ પૂજન કરવામાં આવે છે. આ ધાર્મિક પરંપરા છેલ્લા ૧૦૦ વર્ષથી ચાલી આવે છે ત્યારે આ વખતે પણ આ પૂજનવિધીમાં એક લાખથી પણ વધુ ભક્તો જોડાયા હતા. એટલું જ નહીં, ભગવાન ઘંટાકર્ણ મહાવીર સ્વામી ઉપર લાખો રૂપિયાનો કેસરનો ચઢાવો ચઢાવવા ઉપરાંત ધૂપ, ફૂલ,મુગટઅને આભૂષણનું પૂજન કરી ભગવાનની દીવ્ય મૂર્તિ પર સોનાનો વરખ ચઢાવાયો હતો. તો બીજી બાજુ ઓમ શ્રી ઘંટાકર્ણના ચમત્કારિક મહામંત્રના ૧૦૮ જાપ સાથે નાળાછડીમાં શ્રધ્ધાની અતૂટ ગાંઠ વાળવાની પરંપરામાં પણ લાખો ભક્તો જોડાયા હતા.

અંધકારના વધતા જતા વ્યાપની અસરમાંથી લોકોની મુક્તિ માટે શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબે ગાંધીનગર નજીક મહુડી ખાતે દિવ્ય ઘંટાકર્ણ મહાવીર દેવની સ્થાપના કરી હતી. વિક્રમ સંવત ૧૯૭૫ના માગસર સુદી છઠ્ઠના રોજ મહુડીના સ્થાપન વખતે બુદ્ધિસાગર સુરીશ્વરજી મ.સા.એ કેટલાક અદ્ભૂત અને અકલ્પ્ય નિયમો બનાવ્યા હતા. જે મુજબ શ્રી ઘંટાકર્ણવીરની રોજેરોજ પૂજા કરવાના બદલે ૧૨ મહિનામાં એકવાર કાળી ચૌદશના દિવસે કેસરની પૂજા કરવાની પરંપરા ચાલી આવી રહી છે. ત્યારે આજે કાળી ચૌદશ નિમિત્તે મહુડી જૈન તિર્ર્થધામમાં ભગવાન ઘંટાકર્ણ મહાવીરનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું.આ વખતે આ ધાર્મિક પરંપરાને સો વર્ષ થતા હોઇ ભક્તોની સંખ્યા પણ વધુ હતી. 

આ  વિશેષ હવનમાં તેમજ ભગવાન ઘંટાકર્ણ મહાવીર દેવના દર્શન માટે જૈન-જૈનેતર ભક્તો મોટી સંખ્યામાં ઉમટયા હતા.ધનતેરસ એટલે કે, સોમવારની રાતથી જ મહુડીના આ  તિર્થધામમા ભક્તોની ભીડ ઉમટી પડી હતી. સુખડીનું અંખડ સદાવ્રત ચાલે છે તેવા મહુડી જૈન તીર્થમાં કાળી ચૌદશ નિમિત્તે મહાવીર ભગવાનનું ધૂપપૂજન, આભૂષણપૂજન, મુગટપૂજન,કેસરપૂજન તેમજ ફૂલ પૂજન કરવામાં આવ્યું હતું. જો કે, ભગવાનના આ વિવિધ પૂજન માટે ભક્તો પડાપડી કરતા નજરે પડયા હતા. તો આ પૂજન માટે લાખો રૂપિયાનો ચઢાવો પણ ચઢાવવામાં આવ્યો છે.

વર્ષમાં ફક્ત એક જ વખત થતા આ પૂજનમાં સૌ પ્રથમ સવારે પાંચ વાગે પદ્મ પ્રભુની પ્રક્ષાલપૂજન કર્યા બાદ ૬ વાગ્યાથી શ્રી ઘંટાકર્ણવીરની પક્ષાલન વિધિ શરૂ થઇ હતી. જે મોડે સુધી ચાલી હતી.તો કાળીચૌદશે મહુડી તિર્થધામમાં ભગવાન મહાવીર સ્વામિના હોમ એટલે કે હવનનું ખુબ જ મહત્વ હોવાના કારણે ૧૨.૩૯ શરૂ થયેલા આ હવનમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે ઓમ શ્રી ઘંટાકર્ણના ચમત્કારિક મહામંત્રના ૧૦૮ જાપ સાથે નાળાછડીમાં શ્રદ્ધાની ગાંઠ વાળવાની પરંપરામાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મહુડી તિર્થધામમાં યોજાયેલા આ પવિત્ર પ્રસંગ વચ્ચે મહુડીના ઘંટાકર્ણ મહાવીરના જયઘોષ પણ સાંભળવા મળ્યા હતા અને બહાર મેળા જેવો માહોલ જોવા મળતો હતો. 

જીન શાસનમાં ત્રીસમાં વીર ભગવાનની 6 વિશેષ પૂજા

મહુડી તિર્થમાં કાળી ચૌદશ નિમિત્તે યોજાયેલા ઘંટાકર્ણ મહાવીર ભગવાનની વિવિધ પૂજન વિધીમાં ચઢાવાની બોલીથી મહુડી તીર્થને કરોડો રૂપિયાની આવક થઈ છે. જીન શાસનના ત્રીસમાં વીર ભગવાન ઘંટાકર્ણ મહાવીર ભગવાનની મૂર્તીની ૧૨ મહિને એક વખત થતી પૂજન વિધિમાં પ્રક્ષાલ પૂજન ઉપરાંત ધૂપપૂજન, ૧૦૮ ફૂલ પૂજન, આભૂષણ પૂજન, મુગટપૂજન, કેસર પૂજન તથા સોનાના વરખની પૂજન એમ વિવિધ પૂજન કરવામાં આવ્યું હતું. આ વખતે આ ધાર્મિક પરંપરાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા હોઇ ભક્તોની ભીડ વધુ હતી એટલુ જ નહીં, વિવિધ પૂજન માટે ભક્તોએ આ વખતે પણ ઉંચી બોલી બોલી હતી. તેમાં સૌથી વધારે પક્ષાલન પૂજનની બોલી બોલાઈ હતી જે લાખો રૂપિયામાં હતી. ઘંટાકર્ણ મહાવીરના ચમત્કારિક મંત્રની સમાપ્તિની સાથે ઘંટના નાદ સાથે જ નાળાછડીમાં ગાંઠ પણ ભક્તો વાળતા નજરે પડતા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter