માણસને પાન ખાવાનો શોખ હોય એમ આપણે માની શકીએ પરંતુ, તમને કોઇ એમ કહે કે કોઇ હાથી પાન ખાવાનો શોખીન છે તો તમે નાકનું ટેરવું ચઢાવશો. પરંતુ, આ ખરેખર સાચું છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક હાથી મીઠા પાનનો બંધાણી થઇ ગયો છે. હાલ તો આ હાથી પોતાના પાનના શોખના કારણે મશહૂર થઇ ગયો છે.
સામાન્ય રીતે આપણે હાથીને કેળા ખાતા જોઇએ છીએ પરંતુ, આજકાલ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના એક ગજરાજ પાનના શોખના કારણે ચર્ચાનો વિષય બન્યો છે. આ હાથીને પાન ખાવાનો અજબ પ્રકારનો શોખ છે. જેના કારણે તેનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે, આ હાથી પાનનો એવો તો ચસકો લાગ્યો છે કે, તે જાહેર માર્ગ પરથી પસાર થતાં જ પાનની દુકાન જોતા ત્યાં રોકાઇ જાય છે. દુકાનમાંથી પાન ખાધા વગર તે ત્યાંથી હઠતો નથી. પાનના વેપારી અનુસાર, લગભગ 12 વર્ષથી આ હાથી પાન ખાવા માટે તેમની દુકાને આવે છે. હાથીની આ આદતથી શહેરના કોઇપણ દુકાનદારને કોઇ પરેશાની નથી. તેઓ પણ હાથીને જોતાની સાથે જ મોટા આકારનું પાન બનાવી લે છે.
જ્યારે મહાવત જમીન ખાને કહ્યું કે, કેટલાક વર્ષ પહેલા આ હાથીને અચાનક પાન ખાવાની આદત પડી ગઇ હતી. શહેરના કેટલાક પાનની દુકાનો તેની ખાસ પસંદ છે. પાનના વેપારીઓ પણ ગજરાજને પાન ખવડાવવામાં કોઇ હિચકાટ અનુભવતા નથી અને દરરોજ તેના પસંદનું મીઠું પાન તૈયાર રાખે છે.