GSTV
5 State Elections-2022 Goa Results India News Punjab Results Trending UP Results Uttarakhand Result

ચૂંટણી પરિણામ સર્વે / આખરે કેવી રીતે તૈયાર થાય છે એક્ઝિટ પોલ, કાઉન્ટિંગ પહેલાં જ પરિણામોની આ રીતે મેળવાય છે અંદેશો

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે 7માં અને છેલ્લા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. સાંજે મતદાન પૂરું થતાં જ એક્ઝિટ પોલ બતાવાશે. આ એક્ઝિટ પોલ ઉત્તર પ્રદેશ તેમજ પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે હશે. એક્ઝિટ પોલથી ચૂંટણી પરિણામોના અંદાજો આવતા હોય છે. જોકે, ક્યારેક એક્ઝિટ પોલ ખોટા સાબિત થાય છે.

કેવી રીતે હાથ ધરવામાં આવે છે એક્ઝિટ પોલ?

એક્ઝિટ પોલ્સમાં એક સર્વે કરવામાં આવે છે, જેમાં મતદારોને ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. મતદાતાઓને પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો છે. આ સર્વે મતદાનના દિવસે કરવામાં આવે છે. સર્વે એજન્સીઓની ટીમ મતદાન મથકની બહાર મતદારોને વિવિધ સવાલો કરે છે. અને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેના આધારે ચૂંટણી પરિણામોની આગાહી કરવામાં આવે છે. ઘણી એજન્સીઓ ભારતમાં એક્ઝિટ પોલ કરાવે છે.

ત્રણ પ્રકારના હોય છે ચૂંટણી સર્વે

પ્રી પોલ અર્થાત મતદાન પહેલાં ધરાતો સર્વે કહેવા છે. ચૂંટણીની તારીખો જાહેર થયા પછી અને મતદાનની શરૂઆત પહેલાં હાથ ધરવામાં આવે છે. 5 રાજ્યોની ચૂંટણીની તારીખો 9 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી હતી અને 10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું હતું, એટલેકે 9 જાન્યુઆરી પછી અને 10 ફેબ્રુઆરી પહેલાં ચૂંટણી પહેલાંના સર્વેક્ષણો કરવામાં આવ્યા હશે.

એક્ઝિટ પોલ:
એક્ઝિટ પોલ એ મતદાનની તારીખના દિવસે જ હાથ ધરવામાં આવે છે. જેમાં મતદારોના મનની વાત જાણવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ છે. આવી સ્થિતિમાં આ સર્વે દરેક તબક્કાના મતદાનના દિવસે કરવામાં આવે છે. મતદાન મથકની બહાર મતદાન કરીને આવતા મતદાતાઓના મનને જાણીને કરાતો સર્વે છે.

પોસ્ટ પોલ
આ સર્વે વોટિંગ પૂરું થયા પછી થાય છે. જેમ કે આજે એટલે કે 7 માર્ચે ચૂંટણી પૂરી થશે. હવે કાલ અથવા એકાદ બે દિવસ પછી પોસ્ટ પોલ સર્વે શરૂ થશે. એમાં સામાન્ય રીતે એ જાણવાનો પ્રયાસ કરાતો હોય છે કે ક્યા પ્રકારના મતદાતાએ કોને અર્થાત ક્યા પક્ષને વોટિંગ કર્યું છે.

એક્ઝિટ પોલ સંબંધિત માર્ગદર્શિકા

એક્ઝિટ પોલ અંગે ભારતમાં 1998માં પ્રથમ વખત માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. ચૂંટણી પંચે કલમ 324 હેઠળ 14 ફેબ્રુઆરી 1998ના રોજ સાંજે 5 વાગ્યાથી 7 માર્ચ 1998ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ટીવી અને અખબારોમાં એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલના પરિણામોના પ્રકાશન અથવા પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો. 1998ની સામાન્ય ચૂંટણીનો પ્રથમ તબક્કો 16 ફેબ્રુઆરીએ અને છેલ્લો તબક્કો 7 માર્ચે યોજાયો હતો. આ પછી, સમયે સમયે ચૂંટણી પંચ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડે છે. રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ્સ એક્ટ 1951 મુજબ, મતદાનના તમામ તબક્કાઓ પૂરા ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલ બતાવી શકાતા નથી. એક્ઝિટ પોલના પરિણામો છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થયાના અડધો કલાક પછી બતાવાઈ શકે છે.

માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા પર થાય છે સજા

કાયદા હેઠળ, જો કોઈ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક્ઝિટ પોલ અથવા ચૂંટણી સંબંધિત કોઈપણ સર્વે દર્શાવે છે અથવા ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે છે, તો તેને બે વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંનેની સજા થઈ શકે છે. આ વખતે પણ ચૂંટણી પંચે પાંચ રાજ્યોની ચૂંટણી માટે એક્ઝિટ પોલ ગાઈડલાઈન જારી કરી હતી. જેમાં 10 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી 7 માર્ચના રોજ સાંજે 6:30 વાગ્યા સુધી એક્ઝિટ પોલના પરિણામો બતાવવા પર પ્રતિબંધ છે. ચૂંટણી પંચની આ માર્ગદર્શિકા માત્ર ટીવી ચેનલો કે મીડિયાને જ નહીં પરંતુ સામાન્ય લોકોને પણ લાગુ પડે છે.

2004માં એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા

એક્ઝિટ પોલના પરિણામો ક્યારેક એકદમ સચોટ સાબિત થાય છે તો ક્યારેક ખોટા પણ હોય છે. 2004ની લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલના પરિણામો અને ચૂંટણીના પરિણામો તદ્દન વિપરીત હતા. 2004માં એક્ઝિટ પોલમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે બીજેપી સૌથી મોટી પાર્ટી બનશે અને એનડીએની સરકાર બનશે, પરંતુ જ્યારે પરિણામ આવ્યા તો એનડીએ 200નો આંકડો પણ પાર કરી શક્યો નહીં અને 189 થઈ ગયો. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની અને યુપીએની સરકાર બની હતી. એ પછી વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં પણ એનડીએ અને યુપીએ વચ્ચે જોરદાર ટક્કર થવાની વાત હતી. પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે યુપીએને 262 અને એનડીએને 159 બેઠકો મળી હતી.

2014 અને 2019ની સામાન્ય ચૂંટણીના એક્ઝિટ પોલ સાચા સાબિત થયા હતા. બંને એક્ઝિટ પોલમાં ભાજપની જીતની આગાહી કરવામાં આવી હતી અને પરિણામો એક સરખા રહ્યા હતા. ભાજપે 2014માં 282 અને 2019માં 303 બેઠકો જીતી હતી.

ભારતમાં ચૂંટણી સર્વેક્ષણનો ઇતિહાસ

ભારતમાં ચૂંટણીલક્ષી સર્વે અને એક્ઝિટ પોલની શરૂઆત 1980ના દાયકાથી માનવામાં આવે છે. ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાંથી પત્રકાર બનેલા પ્રણય રોયે મતદારોને મૂડ જાણવા માટે ઓપિનિયન પોલ શરૂ કર્યો હતો. શરૂઆતના વર્ષોમાં એક્ઝીટ પોલ મેગેઝીનોમાં છપાતા હતા.

1996ની લોકસભા ચૂંટણી એક્ઝિટ પોલના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વની હતી. તે સમયે દૂરદર્શન પર એક્ઝિટ પોલ બતાવવામાં આવ્યા હતા. આ પહેલીવાર હતું જ્યારે એક્ઝિટ પોલના પરિણામો ટીવી પર બતાવવામાં આવ્યા હતા. આ સર્વે સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS) દ્વારા કરવામાં આવ્યો હતો.

તે ચૂંટણીમાં, CSDS એ તેના એક્ઝિટ પોલમાં ખંડિત જનાદેશની આગાહી કરી હતી. અને થયું પમ એવું જ હતું. ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ બહુમતીથી દૂર રહી ગઈ હતી. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા, પરંતુ બહુમતના અભાવે 13 દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

નીતિશ ફરી બનશે સીએમ / આરજેડી અને કોંગ્રેસને મળશે ડેપ્યુટી સીએમનું પદ, આ છે સત્તાની નવી ફોર્મ્યુંલા

Hardik Hingu

કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત

GSTV Web Desk

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu
GSTV