2014ની ચૂંટણી કરતાં 8.4 કરોડ મતદારો 2019ની લોકસભા ચૂંટણીમાં વધ્યા

આગામી લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરનાર મહત્તમ મતદારો પશ્ચિમ બંગાળમાં છે. એ પછી ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશના મહત્તમ નવા મતદારો પ્રથમવાર મત આપશે.

ચૂંટણીપંચે આપેલી વિગતો અનુસાર, પશ્ચિમ બંગાળમાં નવા મતદારોની સંખ્યા ૨૦.૧ લાખ છે, ઉત્તરપ્રદેશમાં ૧૬.૭ લાખ, જ્યારે મધ્યપ્રદેશમાં ૧૩.૬ લાખ છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીની તુલનામાં આગામી મહિને શરૃ થનારી ૨૦૧૯ લોકસભા ચુંટણી માટે મતાધિકાર મેળવનારા લોકોની સંખ્યામાં ૮.૪ કરોડ જેટલો વધારો થયો છે. આમાં ૧.૫ કરોડ યુવા મતદારો છે, કે જેઓ ૧૮-૧૯ વર્ષના વયજૂથમાં આવે છે. આ મતદારો પ્રથમવાર મત આપશે.

૧.૫ કરોડથી વધુ મતદારો ૧૮-૧૯ વર્ષના વયજૂથમાં છે. આ યુવા મતદારો કુલ મતદારોના ૧.૬૬ ટકા જેટલા થવા જાય છે.

રાજસ્થાનમાં ૧૨.૮ લાખ, મહારાષ્ટ્રમાં ૧૧.૯ લાખ, તામિલનાડુમાં ૮.૯ લાખ, જ્યારે આંધ્રપ્રદેશમાં ૫.૩ લાખ નવા મતદારો છે. દિલ્હીમાં આ મતદારોનો આંક ૯૭,૬૮૪ જેટલો છે.

દેશમાં લોકસભા ચૂંટણીનો પ્રારંભ ૧૧ એપ્રિલે થશે કે જે સાત તબક્કામાં, મહિના કરતાં વધુ સમયગાળા માટે ચાલશે. તા.૨૩ મેએ મતગણતરી હાથ ધરાશે, એમ ચૂંટણીપંચે જણાવ્યું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter